________________
અઘ્યયન—૧ : શ્રમણોપાસક આનંદ
૨૭
પ્રમાદાચરિત :– પોતાના ધર્મ, કર્તવ્ય અથવા ફરજ પ્રતિ અજાગ્રતપણું તે પ્રમાદ છે. આવી પ્રમાદી વ્યક્તિ લગભગ પોતાનો સમય બીજાની નિંદા કરવામાં, ગપ્પા મારવામાં, પોતાની મોટાઈના ગુણગાન ગાવામાં, ખરાબ વાતો કરવામાં વ્યતીત કરે છે. આવી પ્રમાદી વ્યક્તિનો યોગવ્યાપાર તે પ્રમાદાચરિત છે. બીજી રીતે કોઈપણ વ્યવહારની પ્રવૃત્તિ વિવેક રાખ્યા વિના કરવી તે પણ પ્રમાદાચરિત અનર્થદંડ છે. હિંસપ્રદાન :– હિંસાનાં કાર્યોમાં સાક્ષાત્ સહયોગ આપવો, જેમ કે– ચોર, ડાકુ તથા શિકારી વગેરેને હથિયાર દેવાં, આશ્રય દેવો તથા બીજી રીતે સહાય કરવી. આ પ્રકારનાં આચરણથી હિંસાને પ્રોત્સાહન અને મદદ મળે છે, તેથી તે અનર્થદંડ છે. બીજી કોઈપણ અવિવેકી વ્યક્તિને શસ્ત્રો આપવા તે પણ હિંસપ્રદાન અનર્થદંડ છે.
પાપકર્મોપદેશ ઃ— બીજાને પાપકાર્યોમાં પ્રવૃત્ત થવામાં પ્રેરણા, ઉપદેશ અથવા સલાહ દેવી. જેમ કે કોઈ શિકારીને બતાવવું કે અમુક સ્થાન પર શિકારયોગ્ય પશુ-પક્ષી ઘણાં પ્રાપ્ત થશે. બીજી વ્યક્તિને અન્ય વ્યક્તિ હેરાન કરે તે માટે ઉત્તેજિત કરવી, પશુપક્ષીને પીડિત કરવા માટે લોકોને ખરાબ પ્રેરણા કરવી, આ સર્વનો પાપકર્મોપદેશમાં સમાવેશ થાય છે. સંસાર વ્યવહારના નાનાં મોટાં કોઈપણ કાર્યોની આવશ્યક ફરજ કે જરૂરિયાત વિના પ્રેરણા દેવી એ પણ પાપકર્મોપદેશ અનર્થદંડ છે,
અનર્થદંડમાં સમાવિષ્ટ આ ચાર પ્રકારનાં દુષ્કાર્ય એવાં છે કે જેનો પ્રત્યેક ધર્મનિષ્ઠ, શિષ્ટ અને સભ્ય નાગરિકે ત્યાગ કરવો જોઈએ. આધ્યાત્મિક પ્રગતિની સાથે ઉત્તમ અને નૈતિક નાગરિક-જીવનની દષ્ટિએ પણ આ અતિ આવશ્યક છે.
અનર્થદંડથી દૂર રહેવા માટે શ્રાવકોએ નિમ્નોક્ત સાવધાની રાખવી જોઈએ :–(૧) અશુભ ચિંતનને વિવેકથી રોકી દેવું અને સમભાવ, શાંતિ, સંતોષના વિચારોથી આત્માને સંસ્કારિત અને જાગૃત રાખવો. (૨) સાંસારિક કર્તવ્યો, વ્યવહારો, વેપારની પ્રવૃત્તિઓ અને ઘરની પ્રવૃત્તિઓમાં પૂર્ણ વિવેકયુક્ત આચરણોનું લક્ષ્ય અને અભ્યાસ રાખવો. નિરર્થક, અનાવશ્યક પ્રવૃત્તિઓ, મનોરંજક પ્રવૃત્તિઓ અને લોકપ્રવાહને વશ થઈ કરવામાં આવતી પ્રવૃત્તિઓથી પણ જ્ઞાન વૈરાગ્ય અને વિવેકપૂર્વક દૂર રહેવાનો પ્રયત્ન કરવો. (૩) શસ્ત્ર સંગ્રહ-શસ્ત્ર વિતરણ, શસ્ત્ર પ્રયોગની પ્રેરણા કે દલાલી ન કરવી. (૪) પોતાની આવશ્યક લાગણી અથવા જવાબદારી જ્યાં હોય તે સિવાય કોઈના પણ સંસારી કાર્મો, વ્યાપાર અથવા અન્ય વ્યવહારોમાં રસ ન લેવો.
આરંભ, સમારંભથી બનેલાં વિશિષ્ટ દર્શનીય સ્થળોની અતિશય પ્રશંસા ન કરવી. કોઈ ચીજની પ્રશંસા કરવામાં ભાવ અને ભાષાનો વિવેક રાખવો.
અંતે અનર્થદંડ વિરમણ વ્રતની આ પ્રસિદ્ધ ઘોષણા છે કે ગૃહસ્થ જીવનની અતિ આવશ્યક પ્રવૃત્તિ સિવાય કોઇપણ અનાવશ્યક ચિંતન, ભાષણ અથવા પ્રવૃત્તિ કરવી નહીં અને મન, વચન, કાયાથી સાવધાન અને સજાગ રહેવું.
આ અનર્થદંડ વિરમણ વ્રતની આરાધના વાસ્તવમાં શ્રાવકને અંતર્મુખી બનાવે છે. તેમાં સજગ રહેવાથી જીવ ક્રમશઃ આત્મવિકાસ કરતો જાય છે. ધાર્મિક સંસ્કારોથી સુસંસ્કારિત તેનું વ્યાવહારિક જીવન અન્ય માટે પણ આદર્શ પ્રેરણાભૂત બને છે, તેથી પ્રત્યેક વ્રતધારી શ્રાવકે આ વ્રતના મહત્ત્વને સમજી તેની મધ્ય આરાધના કરવી જોઇએ.