________________
૧૫૦ ]
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
જુગાર, માંસભક્ષણ, મદ્યપાન, વેશ્યાગમન, શિકાર, ચોરી તથા પરસ્ત્રીગમન; આ મહાપાપરૂપ સાત કુવ્યસનો છે. બુદ્ધિમાન પુરુષે તેનો ત્યાગ કરવો જોઈએ. આ વ્યસનો માનવ માટે સર્વથા વર્યુ છે.
રેવતી એક કુલાંગના હતી, રાજગૃહીના એક મહાન અને સમાનનીય ગાથાપતિની પત્ની હતી. પરંતુ કુવ્યસનોમાં ફસાઈને તે ધર્મ, પ્રતિષ્ઠા, કુલીનતાને ભૂલી ગઈ હતી અને નિર્લજ્જ ભાવથી પોતાના સાધકપતિને પતિત કરવામાં લાગી હતી.
મહાશતક વાસ્તવમાં ધીર હતા. વિકારોત્પાદક સ્થિતિ પણ તેના મનને વિકૃત કરી શકી નહીં. તે ઉપાસનામાં સ્થિર રહ્યા.
રેવતીએ બીજીવાર, ત્રીજીવાર ફરી તે જ કુચેષ્ટા કરી. શ્રમણોપાસક મહાશતક કંઈક ક્ષુબ્ધ થયા. અવધિજ્ઞાન દ્વારા રેવતીનું ભવિષ્ય જોયું અને બોલ્યા- તમે સાત રાત્રિમાં ભયાનક અલસક (લકવા) રોગથી પીડિત થઈને અત્યંત દુઃખ ભોગવીને મૃત્યુ પામશો. મરીને પ્રથમ નરક રત્નપ્રભામાં લોલુપ નામક નરકાવાસમાં ચોરાશી હજાર વર્ષની આયુવાળા નારકીના રૂપમાં ઉત્પન્ન થશો.
રેવતીએ જ્યાં આ સાંભળ્યું, ત્યાં તે ધૂજી ગઈ. આજ સુધી તે મદિરાના નશામાં અને ભોગના ઉન્માદમાં પાગલ બનેલી હતી. એકાએક તેની નજર સમક્ષ મોતની ભયાનકતા આવી ગઈ. તે જ પગલે તે પાછી ફરી ગઈ. મહાશતકે કહ્યું હતું તે જ પ્રમાણે સાત રાતમાં ભીષણ અલસક રોગથી પીડિત થઈને આર્તધ્યાન અને અસહ્ય વેદનાથી ગ્રસિત થઈ મરી ગઈ, નરકગામિની થઈ.
સંયોગવશ ભગવાન મહાવીર તે સમયે રાજગૃહીમાં પધાર્યા. ભગવાન તો સર્વજ્ઞ હતા. મહાશતકની સાથે જે કાંઈ ઘટિત થયું હતું તે બધું જાણતા હતા. તેણે પોતાના અંતેવાસી ગૌતમને કહ્યું – હે ગૌતમ ! મહાશતકની સાધનામાં અલના થઈ ગઈ છે. અંતિમ સંલેખના અને અનશન આરાધક માટે સત્ય, યથાર્થ અને તથ્ય પણ જો અનિષ્ટ, અપ્રિય, અને અમનોજ્ઞ હોય તો કહેવું કલ્પનીય, ધર્મવિહિત નથી. અન્યને ભય, ત્રાસ અને પીડા થાય તેવું સત્ય ભાષણ ન કરવું જોઈએ. મહાશતકે અવધિજ્ઞાન દ્વારા રેવતીની સામે જે સત્ય ભાષણ કર્યું તે સાધકને માટે ઉચિત નથી. તમે જઈને મહાશતકને કહો કે તે દોષ સેવન માટે આલોચના, પ્રતિક્રમણ કરી, પ્રાયશ્ચિતનો સ્વીકાર કરે.
જૈનદર્શનનું ચિંતન કેટલું ઉચ્ચતમ કક્ષાનું છે. આત્મરત સાધકના જીવનમાં સમતા, અહિંસા અને મૈત્રીનો ભાવ સર્વથા વિદ્યમાન રહે તે જ અત્યંત મહત્ત્વનું છે.
ગણધર ગૌતમ મહાશતકની પાસે આવ્યા. ભગવાનનો સંદેશો પાઠવ્યો. મહાશતકે તેને સવિનય શિરોધાર્ય કર્યો અને આલોચના તથા પ્રાયશ્ચિત કરી તે શુદ્ધ થયા.
શ્રમણોપાસક મહાશતક ધર્મોપાસનામાં ઉત્સાહ અને ઉલ્લાસ સાથે તન્મય રહ્યા. યથાસમય સમાધિપૂર્વક દેહ ત્યાગ કર્યો. સૌધર્મકલ્પમાં અરુણાવતંસક વિમાનમાં તે દેવરૂપે ઉત્પન્ન થયા.