________________
અધ્યયન-૩: પરિચય
:
ક્ષણભરમાં તેવું જ દશ્ય ઉપસ્થિત કર્યું. તેના જ સુપુત્રનાં ઉકળતાં માંસ અને લોહી તેના દેહ પર છાંટ્યાં. આ ઘોર ભયાનક અને બીભત્સ કૃત્ય હતું. પથ્થર હૃદય પણ દ્રવી જાય તેવું દશ્ય હતું પરંતુ ચુલની પિતા ધર્મભાવમાં અડગ અને અચલ રહ્યા.
દેવ વધુ વિકરાળ બન્યો અને ફરી ધમકી આપી કે મેં જેવું તમારા મોટા દીકરા સાથે કર્યું છે તેવું તમારા વચલા દીકરા સાથે પણ કરીશ, હજુ પણ માની જાઓ અને આરાધનાને છોડો, પરંતુ ચલનીપિતા ગભરાયા નહીં. દેવે વચલા પુત્ર પર પણ તેવો જ અત્યાચાર કર્યો.
દેવે ત્રીજીવાર પણ ચલનીપિતાને ધમકી આપી. તમારા બે પુત્રોને તો મેં મારી નાખ્યા. હવે સહુથી નાના અને લાડલા પુત્રની પણ આ જ દશા થશે, તેથી હવે તમારો દુરાગ્રહ છોડો, પરંતુ ચુલનીપિતા દઢ રહ્યા. દેવે પિતાની સમક્ષ જ નાના પુત્ર પર પણ જુલમ ગુજાર્યો, રાક્ષસી વ્યવહાર કર્યો, તથાપિ ચુલનીપિતા ઉપાસનામાં–સાધનામાં એવા દત્તચિત્ત હતા કે પુત્રનો મોહ તેને પરાજિત કરી શક્યો નહીં.
જ્યારે દેવે શ્રમણોપાસક ચલનીપિતાની માનસિક ધીરતા, વીરતા અને ગંભીરતાને નિહાળી ત્યારે તેનો દ્વેષભાવ વિશેષ પુષ્ટ થઈને પ્રગટ થયો. ધમકીભર્યા શબ્દોમાં તેણે કહ્યું કે હજી પણ તમે મારી વાતનો સ્વીકાર નહીં કરો તો તમારી માતા ભદ્રા સાર્થવાહીની પણ પુત્રો જેવી જ સ્થિતિ તમારી સમક્ષ કરીશ. તેના ઉકળતાં માંસ અને લોહી તમારા શરીર પર છાંટીશ.
પોતાના ત્રણે દીકરાની રાક્ષસી હત્યા વખતે તેનું હૃદય જરા પણ વિચલિત થયું નહીં, અત્યંત દઢ તા અને તન્મયતાની સાથે ધર્મધ્યાનમાં સ્થિર રહ્યા હતા, પરંતુ જ્યારે જન્મદાત્રી, પરમ શ્રદ્ધેય, મમતાભરી માતાની હત્યાનો પ્રશ્ન આવ્યો ત્યારે તેની ધીરજ ખૂટી ગઈ, ધીરજના સ્થાને ક્ષણિક આવેશ આવી ગયો. તેને મનોમન લાગ્યું કે આ દુષ્ટ કૃત્ય મારી નજર સામે હું કઈ રીતે જોઈ શકીશ? હું હમણાં આ દુષ્ટને પકડી લઉં, આ પ્રમાણે ક્રોધિત થઈને ચુલનીપિતા તેને પકડવા ઊભા થયા અને હાથ ફેલાવ્યા પરંતુ તે તો દેવની માયા હતી. તે દેવ આકાશમાં અંતર્ધાન થઈ ગયો અને ચુલનીપિતાના હાથમાં પૌષધશાળાનો થાંભલો આવ્યો. ચુલનીપિતા ખિન્ન થઈ ગયા. તે જોરજોરથી અવાજ કરવા લાગ્યા. માતાએ પુત્રના આર્ત શબ્દો સાંભળ્યા અને તરત જ ત્યાં દોડી આવ્યા. માતાએ વ્યાકુળતાનું કારણ પૂછ્યું ત્યારે ચુલની પિતાએ સર્વ હકીકત પ્રગટ કરી. માતાએ પુત્રને આશ્વાસન આપી શાંત કર્યો અને સત્ય તત્ત્વ સમજાવ્યું કે આ દેવકત ઉપસર્ગ હતો, દેવમાયા હતી. સર્વ સુરક્ષિત છે. કોઈની હત્યા થઈ નથી. તમે નિરર્થક આવેશમાં આવી, કુદ્ધ બનીને તમારા વ્રતને ખંડિત કર્યું છે, સાધનાને દૂષિત બનાવી છે. તમારા આ દોષની શુદ્ધિ માટે આલોચના, નિંદા કરીને પ્રાયશ્ચિત કરો. ચુલનીપિતાએ માતાની આજ્ઞાને શિરોધાર્ય કરી, પ્રાયશ્ચિત કર્યું.
ચુલનીપિતા ધર્મની ઉપાસનામાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા લાગ્યા. આમ વ્રત આરાધનાથી આત્માને ભાવિત કરતાં તેઓને વીસ વર્ષ પૂરાં થયાં, જેમાં છ વર્ષની નિવૃત્ત સાધના સાથે શ્રાવકની અગિયાર પ્રતિમાઓનું આરાધન કર્યું. અંતે સંલેખનાપૂર્વક એક મહિનાનું અનશન પૂર્ણ કરી સમાધિપૂર્વક દેહનો ત્યાગ કર્યો અને સૌધર્મ નામક પ્રથમ દેવલોકમાં અરુણપ્રભ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા.