________________
| ૮૪ ]
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
લોકના અધિપતિ-જંબુદ્વીપના દક્ષિણ વિભાગના સ્વામી, બત્રીસ લાખ વિમાનના અધિપતિ, ઐરાવત નામના હાથી પર સવારી કરનારા, સુરેન્દ્ર–દેવતાના સ્વામી, આકાશની જેમ નિર્મળ વસ્ત્રધારી, માળાઓથી યુક્ત, મુકુટ ધારણ કરેલા, ઉજ્જવળ સોનાના સુંદર, ચંચલ ડોલતા કુંડળોથી જેના ગાલ સુશોભિત છે એવા દેદીપ્યમાન શરીર ધારી, લાંબી પુષ્પમાળા પહેરેલા ઇન્દ્ર સૌધર્મકલ્પના સૌધર્મવતંસક વિમાનમાં સુધર્મા સભામાં ઇદ્રાસન ઉપર બિરાજેલા, તે ઇન્દ્ર ચોરાશી હજાર સામાનિક દેવો, તેત્રીસ ગુરુસ્થાનીય ત્રાયન્ટિંશક દેવો, ચાર લોકપાલ, પરિવાર સહિત આઠ અગ્રમહિષીઓ-પ્રમુખ ઇદ્રાણીની ત્રણ પરિષદો, સાત અનિક–સેનાઓ, સાત સેનાધિપતિઓ, ત્રણ લાખ છત્રીસ હજાર અંગરક્ષક દેવો તથા ઘણા અન્ય દેવો અને દેવીઓની મધ્યમાં આ પ્રમાણે કહ્યું, ભાષિત, પ્રજ્ઞપ્ત અને પ્રરૂપિત કર્યું.
હે દેવો ! જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ચંપાનગરીમાં શ્રમણોપાસક કામદેવ પૌષધશાળામાં પૌષધ સ્વીકારી, બ્રહ્મચર્યનું પાલન કરતાં, મણિરત્ન સુવર્ણમાળા, શણગાર માટે આભૂષણો, ચંદન, કેસર વગેરેના વિલેપનનો ત્યાગ કરેલા, શસ્ત્રદંડ વગેરેથી રહિત, એકાકી, અદ્વિતીય, (કોઈને સાથે લીધા વિના) ડાભના સંથારા પર સ્થિર થયા છે. શ્રમણ ભગવાન મહાવીરની પાસે અંગીકાર કરેલી ધર્મપ્રજ્ઞપ્તિને અનુરૂપ ઉપાસનામાં લીન છે. કોઈ દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, મહોરગ, ગંધર્વ, નિગ્રંથ પ્રવચનથી તેને વિચલિત, ભિત તથા વિપરિણામિત કરી શકતા નથી.
દેવેન્દ્ર, દેવરાજ શક્રેન્દ્રના આ કથનમાં મને શ્રદ્ધા, પ્રતીતિ, વિશ્વાસ ન થયો, તે મને ગમ્યું નહીં, તેથી હું શીધ્ર અહીં આવ્યો. હે દેવાનુપ્રિય ! જે ઋદ્ધિ, ધુતિ, યશ, બળ, વીર્ય, પુરુષોચિત પરાક્રમ તમોને ઉપલબ્ધ –પ્રાપ્ત થયા છે તથા અભિસમન્વાગત-સન્મુખ થયાં છે. તે સર્વ મેં જોયું. હે દેવાનુપ્રિય ! હું તમારી ક્ષમાયાચના કરું છું. હે દેવાનુપ્રિય! મને ક્ષમા કરો. હે દેવાનુપ્રિય! આપ ક્ષમા કરવામાં સમર્થ છો. હું કદાપિ આવું કરીશ નહીં. આ રીતે કહીને ચરણોમાં ઝૂકીને તેણે હાથ જોડી વારંવાર ક્ષમાયાચના કરી. ક્ષમાયાચના કરીને જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં પાછો ગયો. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દેવ દ્વારા પિશાચ, હાથી અને સર્પનું રૂપ, ધારણ કરવાના પ્રસંગમાં વિક્રિયા અથવા વિદુર્વણા કરવી તે ક્રિયાપદનો પ્રયોગ છે. જે દેવના ભવપ્રત્યયિક વૈક્રિય શરીરનો સૂચક છે.
જૈનદર્શનમાં ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, અને કાશ્મણ એમ પાંચ પ્રકારના શરીર માન્યાં છે. વૈક્રિય શરીર બે પ્રકારના છે– ભવપ્રત્યયિક અને લબ્ધિપ્રત્યયિક. ભવ પ્રત્યયિક વૈક્રિય શરીર દેવ અને નારકીને જન્મથી જ પ્રાપ્ત થાય છે. ત્યાં પૂર્વસંચિત કર્મોનો એવો યોગ છે કે તે જીવોને જન્મજાત વૈક્રિય શરીર હોય છે. લબ્ધિપ્રત્યયિક વૈક્રિય શરીર તપશ્ચરણ વગેરે દ્વારા વૈક્રિય લબ્ધિ વિશેષથી પ્રાપ્ત થાય છે. તે મનુષ્ય તથા તિર્યંચ યોનિમાં હોય છે.
વૈક્રિય શરીરમાં અસ્થિ, મજ્જા, માંસ, રક્ત વગેરે અશુચિમય પદાર્થ નથી. ઇષ્ટ, કાંત, મનોજ્ઞ, પ્રિય અને શ્રેષ્ઠ પુદ્ગલો શરીર રૂપે પરિણત થાય છે. મૃત્યુ પછી વૈક્રિય શરીરના પગલો કપૂરની જેમ ઊડી જાય છે. વૈક્રિય શબ્દથી જ સ્પષ્ટ થાય છે કે વૈક્રિય શરીર દ્વારા વિવિધ પ્રકારની વિક્રિયાઓ-એક રૂપ બનાવી અનેક રૂપ બનાવવા તેમજ અનેક રૂપ બનાવીને એકરૂપ બનાવવું, પૃથ્વી અને આકાશમાં ચાલવા યોગ્ય વિવિધ પ્રકારનાં શરીર ધારણ કરવાં, દશ્ય અને અદશ્ય રૂપ બનાવવા વગેરે વિશિષ્ટ ક્રિયાઓ કરી શકાય છે.