________________
૪૨
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ત્યાર પછી પુંડરીક રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! શીઘ્ર કંડરીકના મહા મૂલ્યવાન તેમજ મહાન પુરુષોને યોગ્ય રાજ્યાભિષેકની તૈયારી કરો યાવત્ કંડરીકને રાજ્યાભિષેકથી અભિષિક્ત કર્યા. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં કંડરીકમુનિની સંયમ શિથિલતા અને ક્રમશઃ કરેલા સંયમ ત્યાગનું નિરૂપણ છે.
સાધુ જીવનની કલ્પ મર્યાદા અનુસાર કોઈ પણ ક્ષેત્રમાં લાંબો સમય સ્થિરતા કરવી, હંમેશાં એક જ ઘરનો અનુકૂળ આહાર કરવો વગેરે વ્યવહારો સાધુઓને માટે યોગ્ય નથી. ક્યારેક અસાધ્ય રોગ વગેરે આપવાદિક પરિસ્થિતિમાં ઉપરોક્ત દોષોનું સેવન કરવું પડ્યું હોય, તોપણ તે આપવાદિક પરિસ્થિતિ પૂર્ણ થતાં સાધુઓએ તેનાથી નિવૃત્ત થઈને, તે દોષ સેવનની આલોચના કરી ગુરુ સમક્ષ પ્રાયશ્ચિતનો સ્વીકાર કરવો આવશ્યક છે.
પ્રસ્તુત પ્રસંગમાં કંડરીક મુનિ સ્વસ્થ થયા પછી પણ અનુકુળતાઓમાં અને આહારાદિમાં અનુરક્ત થઈ વિહાર કરવા ઇચ્છતા ન હતા; તેમ છતાં વડીલભાઈની શરમથી એકવાર વિહાર કર્યો પરંતુ તેઓએ પરિચિત વિષયોના આકર્ષણમાં લોભાઈને સંયમી જીવનનો ત્યાગ કર્યો અને દુર્ગતિ પામ્યા.
આ પ્રકારના વર્ણનથી એ પણ સ્પષ્ટ થાય છે કે મુનિઓએ કારણસર ઔષધ-ઉપચાર કરવા પડે ત્યારે પણ પોતાના સ્વાધ્યાય, ધ્યાન અને વૈરાગ્ય ભાવોને પુષ્ટ કરવા વિશેષ પુરુષાર્થશીલ રહેવું જોઈએ. અન્યથા કેટલીક ઔષધિઓ અને તેના સાથેના પથ્થરૂપ આહારાદિ મુનિના વૈરાગ્ય ભાવોને તેમજ સંયમ રુચિને ઘટાડે તેવી સંભાવના રહે છે. બીમારની સેવા કરનાર મુનિઓએ પણ આ વિષયમાં વિવેક રાખવો, તે તેઓની અનિવાર્ય ફરજ બને છે. પુંડરીકની દીક્ષા :
२२ तए णं पुंडरीए सयमेव पंचमुट्ठियं लोयं करेइ, करित्ता सयमेव चाउज्जामं धम्म पडिवज्जइ, पडिवज्जित्ता कंडरीयस्स अंतियं आयारभंडयं गेण्हइ, गेण्हिता इमं एयारूवं अभिग्गहं अभिगिण्हइ- कप्पइ मे थेरे वंदित्ता णमंसित्ता थेराणं अंतिए चाउज्जामं धम्म उवसंपज्जित्ता णं तओ पच्छा आहारं आहारित्तए त्ति कटट इमं च एयारूवं अभिग्गह अभिगिण्हेत्ता णं पोंडरीगिणीए पडिणिक्खमइ, पडिणिक्खमित्ता पुव्वाणुपुट्विं चरमाणे गामाणुगामं दूइज्जमाणे जेणेव थेरा भगवंतो तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ - ત્યાર પછી પુંડરીકે સ્વયં જ પંચમુષ્ટિક લોચ કર્યો અને સ્વયં જ ચાતુર્યામ ધર્મ અંગીકાર કર્યો. કંડરીકના આચાર ભંડ (ઉપકરણ) ગ્રહણ કર્યા અને આ પ્રમાણે અભિગ્રહ ધારણ કર્યો કે
“હું (સ્થવિર ભગવાન પાસે પહોંચીને) સ્થવિર ભગવાનને વંદન-નમસ્કાર કરી, તેમની પાસેથી ચાતુર્યામ ધર્મ અંગીકાર કર્યા પછી જ આહાર કરીશ.” આ પ્રમાણે અભિગ્રહ ધારણ કરીને, પુંડરીકિણી નગરીથી બહાર નીકળીને, અનુક્રમથી ચાલતાં-ચાલતાં, ગામેગામ વિહાર કરતાં સ્થવિર ભગવંત પાસે જવા માટે પ્રયાણ કર્યું.