________________
અધ્ય–૧૯: અધ્યયન સાર
૪૫૫
ઓગણીસમું અધ્યયન
અધ્યયન સાર છે.
.
.
.
.
.
પ્રસ્તુત અધ્યયનનું નામ પુંડરીક છે. જેમાં પુંડરીક અને કંડરીક નામના બે ભાઈઓનું જીવન વર્ણન છે. તેમાં આરાધકપણાની અપેક્ષાએ પુંડરીકના પાત્રની મુખ્યતા હોવાથી અધ્યયનનું નામ “પુંડરીક છે.
જંબુદ્વીપના મહાવિદેહક્ષેત્રની પુષ્કલાવતી વિજયની પુંડરીકિણી રાજધાનીમાં મહાપદ્મરાજા, પદ્માવતી રાણી અને તેના પુંડરીક, કંડરીક નામના બે રાજકુમારો રહેતાં હતાં. એકદા સ્થવિર મુનિના ઉપદેશથી રાજા વૈરાગ્ય પામ્યા અને યુવરાજ પુંડરીકને રાજ્ય સોંપીને પોતે દીક્ષા લીધી. તેઓ સંયમની આરાધના કરી મોક્ષ ગતિ પામ્યા.
તે જ નગરમાં પુનઃ સ્થવિર મુનિઓના આગમન સમયે કંડરીકે મોટાભાઈની આજ્ઞા લઈ સંયમ અંગીકાર કર્યો. આંત-પ્રાંત, લુખા-સુકા આહાર આદિના કારણે કંડરીક મુનિને દાહજ્વરનો વ્યાધિ થયો. એકદા તેઓ પુંડરીકિણી નગરીમાં પધાર્યા. પંડરીકરાજાએ ભાઈ મુનિને વ્યાધિ ગ્રસ્ત જોયા અને નિર્દોષ ઉપચાર કરાવવા મુનિરાજને વિનંતી કરીને પોતાની યાનશાળામાં લઈ આવ્યા. યોગ્ય ઉપચાર દ્વારા કંડરીક મુનિ સ્વસ્થ બન્યા પરંતુ તેઓ અનુકુળ સંયોગો અને પરિચિત વિષયોમાં આસક્ત બની ગયા; તેથી સ્થવિરો સાથે વિહાર કરવા તૈયાર ન થયા. ત્યારે પુંડરીક રાજાએ તેમના સંયમ જીવનને ધન્યવાદ આપી વિહાર કરવાની ફરજ પાડી.
કંડરીક મુનિએ વિહાર તો કર્યો પણ હવે તેમનું મન સંયમમાં સ્થિર ન થયું. તેમનું ચિત્ત ફરી ફરી પરિચિત વિષયોને જ ઝંખતું હતું. તેથી અલ્પ સમયમાં તેઓ ગચ્છને છોડી પુંડરીકિણી નગરમાં આવી ગયા. વારંવાર સમજાવવા છતાં તેમનું મન ભોગ ઇચ્છે છે, તેવું જાણી પુંડરીક રાજાએ તેને રાજગાદી સોંપી દીધી અને કંડરીકના સંયમી જીવનના ઉપકરણો પોતે ગ્રહણ કરી, સંયમ અંગીકાર કરી સ્થવિરમુનિઓ પાસે પહોંચી ગયા.
આ રીતે આ અધ્યયનમાં શાસ્ત્રકારે આહારાસક્તિ અને ભોગાસક્તિના દુષ્કળ તથા વિરક્તિના સુફળનું દિગ્દર્શન કરાવ્યું છે અને સાધકોને સ્થિરચિત્તે ભોગોથી ઉદાસીન રહી સફળ સાધના-આરાધના કરવા માટે પ્રેરણા આપી છે.
અસ્થિર થયેલા કંડરીક મુનિએ ત્રણ દિવસની ભોગાસક્તિમાં હજાર વર્ષની તપ-સંયમ સાધનાના ફળને ગુમાવી દીધું અને સાતમી નરકના મહેમાન બની ગયા. સંસારથી ઉદાસીન એવા પુંડરીક રાજા ભાઈના દીક્ષાવેશને ભાવ સહિત ગ્રહણ કરી, ત્રણ દિવસમાં જ સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા.