________________
૪૨૪
શ્રી શાતાધર્મકથા સૂત્ર
સત્તરમું અધ્યયન અધ્યયન સાર : : : : : : : : : આ છે શકે છે કે છે કે જે
પ્રસ્તુત અધ્યયનનું નામ “આકીર્ણ (અ) છે. તેમાં આકીર્ણ એટલે જાતિવાન અશ્વોના ઉદાહરણથી વિષયનું પ્રતિપાદન કરાયું છે.
કોઈ સમયે હસ્તિશીર્ષ નગરના દરિયાઈ સોદાગરો સમુદ્ર માર્ગે વેપાર કરવા કાલિકટ્રીપ ગયા. ત્યાં તેઓએ સોના, ચાંદી, રત્નો, હીરાની અનેક ખાણો તથા ઉત્તમ જાતિના વિવિધ રંગી, આશ્ચર્યકારી ઘણા અશ્વો જોયા પરંતુ વણિકોને અશ્વોથી કોઈ પ્રયોજન હતું નહીં, તેથી તેઓએ સોના, ચાંદી, રત્નો વગેરે કીમતી પદાર્થોથી પોતાના જહાજ ભરી લીધા અને હસ્તિશીર્ષ નગરમાં પાછા આવી ગયા.
નગરમાં આવી કનકકેતુ રાજાને મૂલ્યવાન વસ્તુઓની ભેટ આપવા ગયા. ત્યાં તેઓએ જોયેલા આશ્ચર્યકારી જાતિવાન અશ્વોની વાત થઈ. રાજાની આજ્ઞાથી તે વણિકો સાથે રાજાના સેવકો ઉત્તમ જાતિના અશ્વો લેવા જહાજ દ્વારા કાલિકદ્વીપમાં ગયા. ત્યાં જઈને તે અશ્વોને પકડવા માટે મનોજ્ઞ ખાધ-પેય પદાર્થો, વાજિંત્રોના સૂરો અને પાંચ ઇન્દ્રિયોને સુખપ્રદ વસ્તુઓ ગોઠવી દીધી અને સાથે અશ્વોને પકડવા માટે જાળ, પાશ વગેરે ગોઠવી પોતે તે સ્થાનથી દૂર નજર નાંખતા રહ્યા.
પાંચે ઇન્દ્રિયોના મનોજ્ઞ વિષયોને જોઈ કેટલાક અશ્વો તેનાથી દૂર ભાગી ગયા તેઓ સ્વાધીન(સ્વતંત્ર) જ રહ્યા. કેટલાક અશ્વો તે ખાદ્ય પદાર્થોને ખાવામાં અને અન્ય વિષયોમાં લુબ્ધ બન્યા. તેઓ બંધનમાં ફસાઈ ગયા. વણિકો તે અશ્વોને હસ્તિશીર્ષ નગરમાં લઈ આવ્યા. તેમને શિક્ષિત થવામાં ચાબુકોનો માર ખાવો પડયો, કષ્ટો સહન કરવા પડયા, સવારીનું કામ કરવું પડયું અને તેઓનું સ્વાધીનતાનું સુખ નાશ પામ્યું. આખી જિંદગી તેઓને રાજા પાસે પરાધીન થઈને રહેવું પડયું.
તે જ રીતે જે શ્રમણ દશવિધ યતિ ધર્મના આશ્રયે રહે છે. વિષયોમાં આસક્ત થતાં નથી તે સ્વતંત્રપણે સુખપૂર્વક વિચારે છે અને જે વિષયોની આસક્તિમાં દસવિધ યતિધર્મનો આશ્રય છોડે છે, તે પરાધીનતાએ વધ અને બંધન આદિના દુઃખોને પામે છે. સંક્ષેપમાં શ્રમણોએ ઇન્દ્રિય-વિષયોમાં આસક્ત ન થવું જોઈએ, તો જ તેમની મોક્ષ સાધના નિરાબાધ અને સુખપ્રદ બને છે; તે જ આ અધ્યયનના દષ્ટાંતનો હેતુ છે.