________________
અધ્ય–૧૬: અધ્યયન સાર
[ ૩૫૧ ]
આતાપના લેવા લાગી. એકવાર ઉદ્યાનમાં તેણીએ પાંચ પુરુષ સાથે ક્રીડા કરતી ગણિકાને જોઈ. તેની પૂર્વકાલીન ઇચ્છાઓ જાગૃત થઈ અને તેણીએ પાંચ પતિની પ્રાપ્તિનું નિયાણું કર્યું, ત્યાર પછી ક્રમશઃ શરીર બકુશા અને સંયમમાં શિથિલાચારી થઈ ગઈ. તે દોષોની આલોચના-પ્રતિક્રમણ કર્યા વિના આયુષ્ય પૂર્ણ કરી ઈશાન દેવલોકમાં અપરિગૃહિતા દેવીરૂપે ઉત્પન્ન થઈ. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને તેણીએ દ્રુપદ રાજા અને ચલણી રાણીની પુત્રી દ્રૌપદીરૂપે જન્મ ધારણ કયો. દ્રૌપદીનો ભવઃ- દ્રૌપદી યુવાન બનતા પિતાએ તેના માટે સ્વયંવરની રચના કરી. સ્વયંવર મંડપમાં પૂર્વકૃત નિયાણાના ફળ સ્વરૂપે તેણીએ પાંચ પાંડવોના ગળામાં એક સાથે વરમાળા પહેરાવી અને તેના વિવાહ પાંચ પાંડવો સાથે થયા.
એકવાર નારદઋષિ હસ્તિનાપુરમાં પાંડુરાજાના મહેલમાં પધાર્યા. બધાએ તેનો સત્કાર કર્યો પણ દ્રૌપદીએ તેમનો સત્કાર કર્યો નહીં. તેથી નારદઋષિ રોષે ભરાઈ ગયા અને દ્રોપદીને હેરાન કરવા, ધાતકીખંડ દ્વીપમાં પદ્મનાભ રાજા પાસે જઈને તેના રૂપ-લાવણ્યની પ્રશંસા કરી. આ સાંભળી પદ્મનાભ રાજા તેના પર આસક્ત બની ગયો. પદ્મનાભે મિત્રદેવનું આહ્વાન કર્યું અને દેવ દ્વારા દ્રૌપદીનું હરણ કરાવ્યું. દેવ તેને અમરકંકા નગરીમાં લઈ આવ્યો. પદ્મનાભે ભોગની યાચના કરી પરંતુ દ્રૌપદીએ પોતાના શીલની રક્ષા માટે અને સમય વ્યતીત કરવા છ માસની મુદત માંગી કે છ માસમાં કૃષ્ણ વાસુદેવ મને લેવા નહીં આવે તો હું તમારી આજ્ઞા સ્વીકારીશ.
પાંડવોના માતા કુંતી કુષ્ણવાસુદેવના ફૈબા હતા. કુંતીના કહેવાથી કૃષ્ણવાસુદેવ દ્રૌપદીની શોધખોળમાં પાંડવોને સહાય કરવા તૈયાર થયા અને નારદઋષિ દ્વારા દ્રૌપદીના સમાચાર મેળવ્યા. ત્યારપછી પાંચ પાંડવો સહિત કૃષ્ણ વાસુદેવ લવણાધિપતિ સુસ્થિત દેવની આરાધનાથી લવણ સમુદ્ર પાર કરી ધાતકીખંડ દ્વીપની અમરકંકા નગરીમાં આવ્યા. ત્યાં પદ્મનાભ સાથે યુદ્ધ કરીને પદ્મનાભને હરાવીને દ્રૌપદીને લઈને જંબૂદ્વીપમાં પાછા આવ્યા. કાળક્રમે પાંચ પાંડવોએ સ્થવિરો પાસે અને દ્રોપદીએ સુવ્રતા આર્યા પાસે દીક્ષા ગ્રહણ કરી.
તે સમયે ભગવાન શ્રી નેમિનાથ સૌરાષ્ટ્રની પાવનભૂમિ પર પધાર્યા. પાંચે પાંડવ મુનિઓને દર્શન કરવાના ભાવ જાગૃત થયા. તેઓ માનખમણના પારણે મા ખમણની તપસ્યા કરી રહ્યા હતા. પારણાના દિવસે ગોચરી માટે ગયા ત્યાં લોકો પાસેથી નેમનાથ પ્રભુના મોક્ષગમનના સમાચાર મળ્યા, તેથી પાંચે પાંડવ મુનિઓએ ગ્રહણ કરેલો આહાર પરઠવી દીધો અને શેત્રુંજય પર્વત ચઢીને, સંથારો કરીને સર્વકર્મનો ક્ષય કરી, સિદ્ધગતિને પામ્યા.
દ્રૌપદી આર્યાએ સવ્રતા સાધ્વી સાથે સંયમી જીવન પસાર કરતાં કાળક્રમે સંથારો કર્યો અને દેવગતિ પામ્યા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ ધારણ કરી સિદ્ધ થશે.