________________
અધ્ય—૧૫ : અધ્યયન સાર
પંદરમું અધ્યયન
અધ્યયન સાર
***********
પ્રસ્તુત અધ્યયનનું નામ નંદી ફળ છે. તેમાં નંદીફળના દૃષ્ટાંતે ઉપદેશ આપવામાં આવ્યો છે. ઇન્દ્રિયોના લોભામણા વિષયોની આસક્તિ સંસાર પરિભ્રમણ કરાવે છે અને અનાસક્તિ મુક્તિ અપાવે છે. આ અધ્યયનમાં ઇન્દ્રિયોના વિષયો એટલે કામભોગને નંદીફળના વૃક્ષની સાથે સરખાવ્યા છે. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે.
૪૧
ચંપાનગરની ઈશાન દિશામાં એક મોટી અટવી પાર કર્યા પછી અહિચ્છત્રા નામનું નગર હતું, ચંપાનગરમાં ધન્ય સાર્થવાહ રહેતા હતા. તેને એકવાર વેપાર માટે અહિચ્છત્રા જવાની ઇચ્છા થઈ. પોતાની સાથે અન્ય લોકોને લઈ જવાની તથા તેઓની જરૂરિયાતો પૂર્ણ કરવાની જવાબદારી સ્વીકારીને તેમણે અહિચ્છત્રા તરફ પ્રયાણ કર્યું.
રસ્તામાં જે અટવી પાર કરવાની હતી, તે અટવીમાં નંદીફળ નામના મનમોહક પણ ઝેરીલા વૃક્ષો હતા. તે વૃક્ષના ફળ, ફૂલ, પાન વગેરે ખાવામાં મીઠા મધુરા હતા, તેની છાયા પણ શીતળ હતી પરંતુ તેના ફળ અને તેની છાયા વિષાકત હતી. તે વૃક્ષના ફળ જે ખાય અને તેની છાયામાં જે વિશ્રામ કરે તે અવશ્ય મૃત્યુને શરણ થઈ જતા હતા. ધન્ય સાર્થવાહને આ વાતની જાણ હોવાથી તેણે અટવીમાં પ્રવેશતાં પૂર્વે જ પોતાના સાર્થને આ વાતથી વાકેફ કરી દીધા તથા તે વૃક્ષના ફળાદિ ન ખાવાની અને તે વૃક્ષથી દૂર રહેવાની સૂચના આપી દીધી હતી.
સાર્થમાંથી કેટલાક લોકો ધન્ય સાર્થવાહની વાત પર વિશ્વાસ મૂકીને નંદી ફળના વૃક્ષથી દૂર રહ્યા, તેઓ જીવિત રહ્યા અને અટવી પાર કરી ગયા. કેટલાક લોકોએ તેમની વાત ન સ્વીકારી, નંદીફળ વૃક્ષના ફળો ખાધા; તેઓને ક્ષણિક આનંદ તો આવ્યો જ પરંતુ પરિણામે તે સર્વે મૃત્યુને શરણ થયા.
ધન્ય સાર્થવાહ વેપાર કરી ચંપાનગરી પાછા આવ્યા. કાળક્રમે દીક્ષા લઈ, સંયમનું પાલન કરી, દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે.
સંક્ષેપમાં સાર એ છે કે જે વ્યક્તિ ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત થાય છે તે સંસાર પરિભ્રમણ કરે છે અને જે અનાસક્ત રહે છે તે સંસાર સાગર પાર કરી જાય છે.
܀܀