________________
અધ્ય—૭ : અધ્યયન સાર
૧૭૫
સાતમું અધ્યયન
અધ્યયન સાર
આ અધ્યયનનું નામ રોહિણી જ્ઞાત છે. ધન્ય સાર્થવાહની ચાર પુત્રવધૂઓમાં ચોથી પુત્રવધૂનું નામ રોહિણી હતું. તેણીએ શેઠની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને શ્રેષ્ઠ દરજ્જો પ્રાપ્ત કર્યો હતો. તેની પ્રમુખતાએ આ અધ્યયનનું નામ રોહિણી શાત છે.
રાજગૃહ નગરમાં ધન્ય સાર્થવાહ, તેના ચાર પુત્રો અને ચાર પુત્રવધૂઓ સાથે રહેતા હતા. ધન્ય સાર્થવાહે પુત્રવધૂઓની પરીક્ષા કરવા સમારોહ કરી, અનેક લોકોની સાક્ષીએ કમોદના પાંચ-પાંચ દાણા દરેક પુત્રવધૂને આપ્યા અને કહ્યું કે આ દાણા હું માંગુ ત્યારે મને પાછા આપજો.
મોટી પુત્રવધૂ ઉજિઝકાએ વિચાર્યું કે સસરાજીની બુદ્ધિ બહેર મારી ગઈ લાગે છે. આવી તુચ્છ ભેટ દેવા માટે સમારોહ કર્યો ? કોઠારમાં કમોદની કોઠીઓ ભરી છે. માંગશે ત્યારે પાંચ દાણા આપી દઈશ. તેમ વિચારી તેણીએ તે પાંચ કમોદના દાણાને કચરામાં ફેંકી દીધા.
બીજી પુત્રવધૂ ભોગવતીએ વિચાર્યું– ભલે આ દાણાનું કોઈ મૂલ્ય ન હોય તો પણ સસરાજીનો આ પ્રસાદ છે, ફેંકી દેવો ઉચિત્ત નથી; આ પ્રમાણે વિચાર કરીને તેણી તે દાણા ખાઈ ગઈ.
ત્રીજી પુત્રવધૂ રક્ષિકાએ વિચાર કર્યો– અત્યંત વ્યવહારકુશલ અનુભવી અને સમૃદ્ધિવાન વૃદ્ધ સસરાજીએ આટલા મોટા સમારોહમાં આ દાણા દીધા છે, તો તેમાં તેમનો કોઈ વિશિષ્ટ અભિપ્રાય હોવો જોઈએ; તેથી આ દાણાની સુરક્ષા કરવી અને જતનથી સંભાળીને રાખવા જોઈએ. આ પ્રમાણે વિચારીને તેણીએ તે કમોદના દાણાને એક ડબ્બીમાં રાખી લીધા અને હંમેશાં તેની સાર સંભાળ રાખવા લાગી.
ચોથી પુત્રવધૂ રોહિણી બહુ જ બુદ્ધિશાળી હતી, તે સમજી ગઈ કે દાણા દેવામાં જરૂર કોઈ ગૂઢ રહસ્ય છે. આ દાણા જીવનની કસોટી બની શકે છે.
તેણીએ પાંચે દાણા પોતાના પિયર મોકલી દીધા. તેની સૂચનાનુસાર પીયરવાળાએ તેને ખેતરમાં અલગ વાવી દીધા. દર વર્ષે વારંવાર વાવવાથી દાણા ઘણા થઈ ગયા. કોઠાર ભરાઈ ગયા.
પાંચ વર્ષ પછી ધન્ય સાર્થવાહે સમારોહ કરી અનેક લોકોની વચ્ચે પુત્રવધૂઓને બોલાવીને તે પાંચ-પાંચ કમોદના દાણા પાછા આપવા કહ્યું.
ઉજિઝકાએ કોઠારમાંથી પાંચ કમોદના દાણા લાવીને આપ્યા. ભોગવતીએ પણ બીજા દાણા આપ્યા. ધન્ય સાર્થવાહે તે બંને ઉપર ગુસ્સે થઈને ઉજિઝકાને વાસીદું વાળવું, છાણા થાપવા, ઝાડુ કાઢવું વગેરે દાસી જેવા કાર્ય સોપ્યાં અને ભોગવતી કમોદના દાણા ખાઈ ગઈ હતી તેથી તેના સ્વભાવનું અનુમાન કરી શેઠે રસોડાનું કાર્ય સોંપ્યું.
રક્ષિકાએ પાંચે દાણા સુરક્ષિત રાખ્યા હતા તેથી તેણીને આભૂષણો સાચવવા વગેરે કાર્ય સોંપી ભંડારીરૂપે નિયુક્ત કરી.
રોહિણીએ દાણાની વૃદ્ધિ કરી હતી. તેના પાંચ દાણા, ગાડા પ્રમાણ કમોદમાં પરિણત થઈ ગયા