________________
[ ૧૩૮ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સત્ર
જોઈને યથોચિત ચિકિત્સા કરાવવા પ્રાર્થના કરી, શૈલક રાજર્ષિએ સ્વીકૃતિ આપી. મંડુક રાજાની યાન શાળામાં ૫૦૦ સાધુ સાથે શેલક મુનિ રહ્યા. સાધુને યોગ્ય ઔષધ ભેષજથી ચિકિત્સા કરવામાં આવી.
ચિકિત્સાથી રોગ કાબૂમાં આવી ગયો. શૈલક મુનિ સ્વસ્થ અને તંદુરસ્ત થઈ ગયા પરંતુ સરસ ભોજન આદિ અનુકૂળતામાં તેઓ મસ્ત રહેવા લાગ્યા. ત્યાંથી વિહાર કરીને અન્યત્ર જવાનો વિચાર પણ કર્યો નહીં ત્યારે તેના સાથી મુનિઓએ એકત્ર થઈને વિચારણા કરી અને એક પંથક અણગારને, જે ગૃહસ્થાવસ્થામાં તેના મુખ્યમંત્રી હતા, તેને સેવામાં રાખીને શેષ સર્વમુનિઓએ ત્યાંથી વિહાર કર્યો. પંથકમુનિ કુશળતાપૂર્વક શૈલકરાજર્ષિની સેવા પરિચર્યા કરતા ત્યાં જ ચાતુર્માસ રહ્યા.
એકવાર કાર્તિકી ચૌમાસીપાખીનો દિવસ હતો. શૈલકમુનિ આહાર-પાણી અને ઔષધ સેવન કરીને સુખપૂર્વક સુતા હતા. તેઓને સંયમ જીવનની આવશ્યક ક્રિયાઓ કરવાનું પણ ભાન રહ્યું નહોતું. પંથકમુનિ દેવસિક પ્રતિક્રમણ પૂર્ણ કરી ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવા તૈયાર થયા અને શૈલકના ચરણોને પોતાના મસ્તકનો સ્પર્શ કરી, વંદન કર્યા. મસ્તકનો સ્પર્શ થતાં તેમની નિદ્રામાં ભંગ પડ્યો અને તે ક્રોધથી લાલચોળ થઈ ગયા. પંથકને કટુ અને કઠોર શબ્દો કહેવા લાગ્યા. પંથકમુનિએ નમ્રતાપૂર્વક ક્ષમા પ્રાર્થના કરતાં કાર્તિકી ચૌમાસી પાખીના પ્રતિક્રમણની આજ્ઞા લેતાં ચરણે મસ્તક મૂક્યાની વાત કહી.
પંથકમુનિની ચોમાસી-પાખી સંબંધી વાત સાંભળતાં જ શૈલક રાજર્ષિની ધર્મચેતના જાગી ઊઠી. તેમણે વિચાર્યું– રાજ્યનો પરિત્યાગ કરીને મેં સાધુત્વ અંગીકાર કર્યું અને હવે અનુકૂળતામાં આસક્ત બનીને પ્રમાદી અને શિથિલાચારી બની ગયો છું, સાધુ માટે આ શોભનીય નથી.
- બીજે જ દિવસે તેઓએ શૈલકપુર છોડી પંથકમુનિની સાથે અન્યત્ર વિહાર કર્યો. આ સમાચાર જાણીને અન્યત્ર વિચરતાં તેના બધા શિષ્યો તેની પાસે આવી ગયા. સંયમ-તપનું પાલન કરતાં તે બધા મુનિઓ તે જ ભવે મોક્ષે ગયા.
આ અધ્યયનના માધ્યમે કૃષ્ણ વાસુદેવની ધર્મદલાલીરૂપ સંયમાનુમોદના અને તત્કાલીન સૂચિમૂલક ધર્મની ઝલક વર્ણિત છે. શૈલક મુનિના જીવન દ્વારા સાધુ પ્રમાદી બને તો સંયમ જીવનથી કેવી રીતે પતિત થઈ જાય અને પુનઃ જાગૃત બનીને અપ્રમત્ત બની જાય, તો જીવ મોક્ષ મેળવી લે છે, તે દર્શાવ્યું છે. પંથક શિષ્યના વ્યવહાર દ્વારા વિનયધર્મનું સાક્ષાત્ દર્શન કરાવવામાં આવ્યું છે.