________________
૧૩૦
શ્રી શાતાધર્મકથા સૂત્ર
| ચોથું અધ્યયન |
અધ્યયન સાર છે.
.
.
.
.
.
પ્રસ્તુત અધ્યયનનું નામ કૂર્મ-કાચબા છે. તેમાં બે કાચબાના ઉદાહરણ દ્વારા વિષયને સ્પષ્ટ કર્યો છે.
કૂર્મ એટલે કાચબો. કાચબાની પીઠ ઉપર ઢાલ હોય છે. મુશ્કેલી-ભયના સમયે તે પોતાના પગ, ગ્રીવા જેવા કોમળ અવયવોને ઢાલમાં છુપાવી, ગોપવીને પોતાની રક્ષા કરે છે. સાધકે કાચબાની જેમ પોતાની ઈદ્રિયોને વિષયોથી, રાગ-દ્વેષથી ગોપવીને સાધનાની રક્ષા કરવી જોઈએ.
વારાણસી નગરીના ઇશાન ખૂણામાં ગંગા મહાનદીમાં “મૃત ગંગા તીર’ નામનું હૃદ હતું. પાણીવાળા ઊંડા ખાડા(તળાવ)ને હૃદ, દ્રહ કે ધરો કહેવામાં આવે છે. આ હૃદમાં સેંકડો જળચર પ્રાણીઓ રહેતાં હતાં. આ હદની સમીપમાં માલુકા કચ્છ(ગીચ ઝાડીવાળો પ્રદેશ) હતો. તેમાં અનેક જંગલી પ્રાણીઓ રહેતાં હતાં.
એકવાર સંધ્યા પછી આ હદમાંથી બે કાચબા ફરવા માટે બહાર નીકળ્યા. તે જ સમયે માલુકા કચ્છમાંથી બે શિયાળો બહાર નીકળ્યા. શિયાળને જોઈ બંને કાચબા ભયભીત બની ગયા અને પોતાની સુરક્ષા માટે પોતાના હાથ, પગ, ડોક આદિ અવયવો ઢાલમાં છુપાવી દીધા. બંને શિયાળોએ કાચબાને આમ-તેમ ફેરવ્યા પણ ઢાલમાં સુરક્ષિત કાચબાને જરાપણ ઇજા પહોંચાડી શકયા નહીં. ત્યારે તેઓ થોડે દૂર સંતાઈને ઊભા રહ્યા.
ચંચલ પ્રકૃતિવાળા એક કાચબાએ થોડીવાર પછી ઢાલમાંથી એક પગ બહાર કાઢયો.શિયાળોએ તે પગ પર ઝપટ મારી અને તે પગ ખાઈ ગયા. આમ તે કાચબો એક પછી એક અવયવો સમયાંતરે બહાર કાઢતો ગયો અને શિયાળ તે અવયવો પર ઝપટ મારી ખાતા ગયા. અંતે શિયાળોએ તે કાચબાને મારી નાખ્યો.
બીજા કાચબાએ પોતાના અંગો ઉપર સંયમ-નિયંત્રણ રાખ્યું, લાંબા સમય સુધી અંગોનું ગોપન કરી રાખ્યું. શિયાળો ચાલ્યા ગયા પછી પ્રથમ ધીરેથી ગ્રીવા બહાર કાઢી ચારે બાજુનિરીક્ષણ કરી, ભયમુક્ત વાતાવરણ જાણી એક સાથે ચારે પગ બહાર કાઢી તે શીધ્રગતિએ હૃદમાં પહોંચી ગયો.
જે શ્રમણ-શ્રમણીઓ પહેલા ચંચળ કાચબાની જેમ પોતાની ઈદ્રિયોનું ગોપન કરતા નથી તેઓ અનેક વ્યક્તિઓ દ્વારા નિંદનીય બને છે, પરલોકમાં દંડ મેળવે છે અને અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે.
જે શ્રમણ-શ્રમણીઓ બીજા કાચબાની જેમ ઈદ્રિયોને વશમાં રાખે છે તે સંસાર પરિભ્રમણનો અંત કરી સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે.