________________
શતક–૨૫ : ઉદ્દેશક-૬
૩૧૯
નોઉત્સર્પિણી-નોઅવસર્પિણી કાલમાં જ્યાં ચોથા આરાની સમાન કાલ વર્તે છે તેવા મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ પુલાક હોય છે.
સંહરણ અપેક્ષાએ ઃ– પુલાક લબ્ધિવાનનું કોઈ દેવો સંહરણ કરી શકતા નથી. તેથી સંહરણની અપેક્ષાએ તેનું અસ્તિત્વ કયાંય હોતું નથી.
બકુશ, પ્રતિસેવના કુશીલ, કષાય કુશીલ જન્મ સદ્ભાવની અપેક્ષાએ :–
અવસર્પિણીકાલમાં જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ ત્રીજા, ચોથા અને પાંચમા આરામાં હોય છે. પાંચમા આરામાં જન્મેલા મનુષ્યોને બકુશ આદિ ત્રણે પ્રકારના નિગ્રંથપણાની પ્રાપ્તિ થઈ શકે છે.
ઉત્સર્પિણીકાલમાં બીજા ત્રીજા અને ચોથા આરામાં જન્મની અપેક્ષાએ અને સદ્ભાવની અપેક્ષાએ ત્રીજા, ચોથા આરામાં બકુશ આદિ ત્રણે ય નિગ્રંથ હોય છે અને નોઅવસર્પિણી નોઉત્સર્પિણીકાલમાં જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ ચોથા આરાના પ્રારંભ જેવા કાલમાં અર્થાત્ મહાવિદેહ ક્ષેત્રમાં હોય છે. બકુશ, પ્રતિસેવનાકુશીલ અને કષાય કુશીલ સંહરણ અપેક્ષાએ ઃ– તે ત્રણે પ્રકારના નિગ્રંથો સંહરણ અપેક્ષાએ સર્વકાલમાં હોય છે.
:
ભરત અને ઐરવતક્ષેત્રમાં કાલનું પરિવર્તન સતત થયા જ કરે છે. પરંતુ મહાવિદેહક્ષેત્રમાં સદાય ચોથા આરાના પ્રારંભકાલ જેવા ભાવો હોય છે. ત્યાં સર્વ પ્રકારના નિગ્રંથો હંમેશાં હોય છે. દેવો ત્યાંથી કોઈ બકુશ આદિ નિગ્રંથનું સંહરણ કરીને ભરત આદિ કર્મભૂમિના ક્ષેત્રમાં કે અકર્મભૂમિના કોઈપણ ક્ષેત્રમાં મૂકી દે, તે-તે દરેક ક્ષેત્રોમાં ભિન્ન-ભિન્ન કાલ હોવાથી બકુશાદિ નિયંઠા કોઈ પણ કાલમાં હોય શકે છે અથવા ક્યારેક ભરત કે ઐરવતક્ષેત્રના સાધુનું સંહરણ કરીને અકર્મભૂમિમાં રાખે, ત્યાં પહેલા, બીજા, ત્રીજા આરાની સમાન કાલ હોય છે. આ રીતે વિવિધ પ્રકારે વિચારતા સંહરણની અપેક્ષાએ બકુશાદિ ત્રણે પ્રકારના નિગ્રંથો
સર્વકાલમાં હોય શકે છે.
નિગ્રંથ અને સ્નાતક ઃ- – તેનું કથન પુલાકની સમાન છે અર્થાત્ નિગ્રંથ અને સ્નાતક જન્મની અપેક્ષાએ અવસર્પિણીના ત્રીજા-ચોથા આરામાં અને ઉત્સર્પિણીનીના બીજા, ત્રીજા, ચોથા આરામાં હોય છે. સદ્ભાવની અપેક્ષાએ નિગ્રંથ અને સ્નાતક અવસર્પિણીના ત્રીજા-ચોથા-પાંચમા આરામાં અને ઉત્સર્પિણીના ત્રીજા-ચોથા આરામાં હોય છે. નિગ્રંથ અને સ્નાતકનું સંહરણ થતું નથી.
समणीमवगयवेयं, परिहार-पुलायमप्पमत्तं च । चोद्दसपुव्विं आहारयं च, ण य कोइ संहरइ ॥
શ્રમણી, અપગતવેદ-અવેદી પરિહાર વિશુદ્ધ ચારિત્રી, પુલાક, અપ્રમત્તસંયત(સાતમા આદિ ગુણસ્થાનવર્તી), ચૌદ પૂર્વધર અને આહારક લબ્ધિવાન સાધુઓનું સંહરણ થતું નથી. નિગ્રંથ અને સ્નાતક અવેદી છે, તેથી તેનું સંહરણ થતું નથી.
પરંતુ જેનું સંહરણ થયું હોય તેવા મનુષ્યો ગમે તે કાલમાં નિગ્રંથ અને સ્નાતકપણાને પ્રાપ્ત કરી શકે છે, આ અપેક્ષાએ તે બંને નિયંઠા સર્વકાલે હોય છે. અઢીદ્વીપ બહાર સંહરણ થતું નથી.