________________
શતક–૧૩: ઉદ્દેશક-૧
* પ્રથમ ત્રણ નરકમાંથી જીવ ૨૮ બોલ સહિત નીકળે છે. પૂર્વોકત ૩૯ બોલમાંથી (૧) ઉદ્વર્તન પરિમાણ- તેમાં જઘન્ય એક,બે,ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાત નારકોનું ઉદ્વર્તન થાય છે. શેષ ૩૮ બોલમાંથી અસંશી વિભંગજ્ઞાન, ચક્ષુદર્શન, પાંચ ઇન્દ્રિય, મનોયોગ અને વચનયોગ, આ દશ બોલને છોડીને શેષ ૨૮ બોલ સહિત જીવ નીકળે છે. નારકો મરીને અસંજ્ઞીમાં ઉત્પન્ન થતા નથી. તેમજ નરકમાંથી કોઈ પણ જીવ વિર્ભાગજ્ઞાન લઈને નીકળતા નથી, તેથી તેનો નિષેધ કર્યો છે. નારકો મરીને સ્ત્રી, પુરુષ કે નપુંસક ત્રણે વેદ પ્રાપ્ત કરી શકે છે તેથી તેનો નિષેધ કર્યો નથી. શેષ કથન ઉત્પત્તિની સમાન છે. * ચોથી, પાંચમી અને છઠ્ઠી નરકમાંથી જીવ ર૬ બોલ સહિત નીકળે છે. પૂર્વોક્ત ૨૮ બોલમાંથી અવધિજ્ઞાન અને અવધિદર્શનને છોડીને જીવો આ ત્રણ નરકમાંથી નીકળે છે. પ્રથમની ત્રણ નરકમાંથી નીકળતા જે જીવ તીર્થકરની પદવી અથવા કોઈ વિશિષ્ટ પદવી પામવાના હોય તો તે જીવ અવધિજ્ઞાન-દર્શન સહિત નીકળે છે. તેથી ત્યાર પછીની નરકમાંથી અવધિજ્ઞાન દર્શન લઈને નીકળવાનો નિષેધ કર્યો છે. * સાતમી નરકમાંથી નીકળતા જીવ એકાંત મિથ્યાત્વી હોય છે. તેમાં મતિ, શ્રુતજ્ઞાન પણ હોતું નથી, માત્ર અજ્ઞાન જ હોય છે. તેથી પૂર્વોક્ત ૨૬ બોલમાંથી બે જ્ઞાન નીકળતાં ૨૪ બોલ શેષ રહે છે. શેષ કથન ઉત્પત્તિની સમાન છે. * વાટે વહેતા સમયને બાદ કરતાં, શેષ સમયગત જીવો સ્થાન સ્થિત(વિદ્યમાન) કહેવાય છે. સાતે નરકમાં વિદ્યમાન જીવોની ઋદ્ધિ વિષયક ૪૯ પ્રશ્નોત્તર છે. ૩૯ પ્રશ્નો પૂર્વવત્ છે અને અનંતરોપપન્નક, પરંપરોપપન્નક, અનંતરાવગાઢ, પરંપરાવગાઢ, અનંતરાહારક, પરંપરાહારક, અનંતરપર્યાપ્તક, પરંપરપર્યાપ્તક, ચરમ અને અચરમ, આ દશ બોલને ઉમેરતા ૪૯ પ્રશ્નો થાય છે. * પ્રથમ નરકમાં અસંજ્ઞી તથા માન, માયા અને લોભકષાયી, નોઇન્દ્રિયોપયુક્ત, અનંતરોપપત્રક, અનંતરાવગાઢ અનંતરાહારક, અનંતર પર્યાપ્તક જીવો કયારેક હોય અને કયારેક હોતા નથી.
અસંજ્ઞી જીવો પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે અપર્યાપ્તાવસ્થામાં તે અસંજ્ઞી રહે છે, ત્યાર પછી સંજ્ઞી થઈ જાય છે. તેથી ઉત્પત્તિના વિરહકાલમાં અસંજ્ઞીનો અભાવ હોય છે. તે ઉપરાંત અનંતરોપપન્નક આદિ બોલ પણ વિરહકાલમાં હોતા નથી. નારકોમાં ક્રોધ કષાયી જીવો હંમેશાં હોય છે. માન, માયા અને લોભ કષાયી જીવો હંમેશાં હોતા નથી. તેથી તે બોલમાં વિકલ્પ છે. સ્ત્રીવેદી અને પુરુષવેદી જીવો નરકમાં હોતા નથી અને શેષ બોલની સત્તા હંમેશાં હોય છે. * બીજીથી સાતમી નરકમાં અસંજ્ઞી જીવો હોતા નથી. શેષ સર્વ કથન પ્રથમ નરકની સમાન છે. સાતમી નરકમાં ઉત્પત્તિ કે મરણ સમયે જીવો એકાંત મિથ્યાત્વી હોવા છતાં તેના જીવનકાળ દરમ્યાન કેટલાક જીવો સમ્યગદર્શન પ્રાપ્ત કરી શકે છે તેથી સ્થાનસ્થિત જીવોમાં સમ્યગુદર્શન અને ત્રણ જ્ઞાનનું ગ્રહણ કર્યું છે. * ભાવ લેશ્યા તે આત્મ પરિણામ સ્વરૂપ છે, તેમાં પરિવર્તન થયા કરે છે પરંતુ જીવને જે ભવમાં ઉત્પન્ન થવાનું છે તેને યોગ્ય ભાવ લેશ્યા મૃત્યુ સમયે અવશ્ય આવી જાય છે. કૃષ્ણલેશી આદિ કોઈ પણ લેશ્યાના પરિણામવાળો જીવ લેશ્યાના પરિણામાંતરને પામીને કાપોતલેશી થઈને રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થઈ શકે છે. આ રીતે જીવ સ્થાનને યોગ્ય લેશ્યા અંત સમયે પામીને તે સ્થાનમાં ઉત્પન્ન થઈ શકે છે.
આ રીતે આ ઉદ્દેશકમાં નૈરયિક જીવના આત્મપરિણામોની યોગ્યતાને વિશેષ પ્રકારે સ્પષ્ટ કરી છે.