________________
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૩: ઉદ્દેશક-૧
જે સંક્ષિપ્ત સાર
જે
આ ઉદ્દેશકમાં સાત નરકમાં (૧) ઉત્પન્ન થનારા (૨) મૃત્યુ પામનારા(મરનારા) અને (૩) ત્યાં રહેનારા જીવો વિષયક વિવિધ પ્રશ્નોત્તર છે અને અંતે વેશ્યા પરિણમન સંબંધી સંક્ષેપમાં પ્રશ્નોત્તર છે. * જીવ જ્યારે કોઈ પણ સ્થાનમાં ઉત્પન્ન થાય ત્યારે તે સ્થાનને અનુરૂપ યોગ્યતા હોવી જરૂરી છે. સૂત્રકારે તે યોગ્યતા ઉપપાત, પરિમાણ (ઉત્પત્તિ સંખ્યા), વેશ્યા-૧, પક્ષ-૨, સંજ્ઞી-૨, ભવી-૨, જ્ઞાન-૩, અજ્ઞાન-૩, દર્શન-૩, સંજ્ઞા-૪, વેદ-૩, કષાય-૪, ઇન્દ્રિય-૫, નોઇન્દ્રિય-૧, યોગ-૩, ઉપયોગ-૨, ઇત્યાદિ ૩૯ પ્રશ્નોત્તર દ્વારા સ્પષ્ટ કરી છે. * પહેલી નરકમાં ૩૦ લાખ, બીજી નરકમાં ૨૫ લાખ, ત્રીજી નરકમાં ૧૫ લાખ, ચોથી નરકમાં ૧૦ લાખ, પાંચમી નરકમાં ત્રણ લાખ, છઠ્ઠી નરકમાં એક લાખમાં પાંચ ઓછા-૯૯,૯૯૫(નવાણું હજાર નવસો પંચાણું) અને સાતમી નરકમાં પાંચ નરકાવાસ છે. તેમાં કેટલાક સંખ્યાત યોજન અને કેટલાક અસંખ્યાત યોજન વિસ્તૃત છે. તેમાં ક્રમશઃ સંખ્યાત અને અસંખ્યાત નૈરયિકો ઉત્પન્ન થાય છે. * પહેલી-બીજી નરકમાં કાપોતલેશી, ત્રીજી નરકમાં કાપોત અને નીલલેશી, ચોથી નરકમાં નીલ લેશી, પાંચમી નરકમાં નીલ અને કૃષ્ણ લેશી, છઠ્ઠી નરકમાં કૃષ્ણલેશી, સાતમી નરકમાં મહાકૃષ્ણલેશી જીવો ઉત્પન્ન થાય છે. * પ્રથમ નરકમાં ચક્ષુદર્શની, સ્ત્રીવેદ, પુરુષવેદ, પાંચ ઇન્દ્રિય, મનોયોગ અને વચનયોગ સહિત જીવોની ઉત્પત્તિ થતી નથી. ચક્ષુદર્શન આદિ ઉપરોક્ત ભાવો પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. ઉત્પન્ન થનાર પ્રત્યેક નારકી પહેલાં અપર્યાપ્ત હોય છે અને પછી પર્યાપ્ત થાય છે. નરકમાં તથા પ્રકારના સ્વભાવના કારણે સ્ત્રીવેદ અને પુરુષવેદ નથી. તેથી નારકો એકાંત નપુંસકવેદી હોય છે.
શેષ કૃષ્ણપાક્ષિક-શુક્લપાક્ષિક આદિ ૨૮ બોલ સહિત જીવની ઉત્પત્તિ થાય છે. તે બોલ અપર્યાપ્ત જીવો માટે સંભવિત છે. * અસંજ્ઞી જીવો પ્રથમ નરકમાં જ ઉત્પન્ન થાય છે. તેથી ત્યાર પછીની નરકમાં અસંશી જીવોનો નિષેધ કરતાં ૨૭ બોલ સહિત ઉત્પત્તિ દર્શાવી છે. * સાતમી નરકમાં એકાંત મિથ્યાત્વી જીવોની જ ઉત્પત્તિ થાય છે, તેથી તેઓને ત્રણ જ્ઞાન હોતા નથી; આ રીતે ઉક્ત ૨૭માં ત્રણ બાદ કરતાં ૨૪ બોલ સહિત જીવની ઉત્પત્તિ થાય છે. * પ્રથમ છ નરકમાં સમકિતી અને મિથ્યાત્વી બંને પ્રકારના જીવો ઉત્પન્ન થાય છે. સાતમી નરકમાં એકાંત મિથ્યાત્વી જીવોની ઉત્પત્તિ થાય છે. ઉત્પત્તિ કે મૃત્યુ સમયે કોઈ પણ જીવને મિશ્રદષ્ટિ હોતી નથી. કે નરકગતિમાંથી નીકળીને અન્યત્ર ઉત્પન્ન થવું તેને ઉદ્વર્તના કહે છે. પરભવના પ્રથમ સમયે ઉદ્વર્તના થાય છે. તેના સંબંધમાં પણ ૩૯ પ્રશ્નોત્તર છે. જીવ જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં ૩૯ બોલમાંથી કેટલાક બોલ સાથે લઈને પરભવમાં જાય છે.