________________
શતક–૨૦: ઉદ્દેશક-૯
૫૮૩.
શતક-ર૦ઃ ઉદ્દેશક-૯ જે સંક્ષિપ્ત સાર
જે
આ ઉદ્દેશકમાં વિદ્યાચારણ અને જંઘાચારણ લબ્ધિનું સ્વરૂપ અને તેની ગતિનું કથન છે. * ચારણ લબ્ધિ- આકાશગમન કરવાની શક્તિને ચારણ લબ્ધિ કહે છે. તેના બે ભેદ છે. વિદ્યાચારણ અને જંઘાચારણ. * વિદ્યાચારણ–પૂર્વગત શ્રુતસંપન્ન, તપલબ્ધિ સંપન્ન અણગારને નિરંતર છટ્ટ-છની તપસ્યા કરતાં વિદ્યાચારણ નામની લબ્ધિ ઉત્પન્ન થાય છે. ત્રણ ચપટી વગાડે તેટલા સમયમાં તે સંપૂર્ણ જંબૂદ્વીપની ત્રણ વાર પરિક્રમા કરી શકે તેટલી તેની શીધ્ર ગતિ હોય છે. તે વિદ્યાના પ્રભાવથી પ્રથમ ઉડાનમાં માનુષોત્તર પર્વત પર સ્થિત થઈને બીજા ઉડાનમાં તિરછા નંદીશ્વર દ્વીપ સુધી જઈ શકે છે અને ત્યાંથી એક જ ઉડાનમાં સ્વસ્થાને પહોંચી જાય છે. ઊર્ધ્વગતિ સમયે પ્રથમ ઉડાનમાં નંદનવન પર સ્થિત થઈને બીજા ઉડાનમાં પંડગવન સુધી જઈ શકે છે અને ત્યાંથી એક જ ઉડાનમાં સ્વસ્થાને પહોંચી જાય છે. * જંઘાચારણ– પૂર્વગત શ્રુતસંપન્ન, તપોલબ્ધિ સંપન્ન અણગારને નિરંતર અટ્ટમ-અટ્ટમની તપસ્યા કરતાં જંઘાચારણની લબ્ધિ ઉત્પન્ન થાય છે. તેની ગતિ વિદ્યાચારણથી સાત ગુણી અધિક હોય છે. અર્થાત્ ત્રણ ચપટી વગાડે તેટલા સમયમાં સંપૂર્ણ જંબૂદ્વીપને ૨૧ વાર પરિક્રમા કરી શકે છે. તે એક જ ઉડાનમાં તિરછા રુચકવર દ્વીપ પર્યત અને પંડગવન પર્યંત ઊર્ધ્વગતિ કરી શકે છે. ત્યાંથી પાછા ફરતા તેને બે ઉડાન થાય છે. રુચકવર દ્વીપથી પાછા ફરતા પ્રથમ ઉડાનમાં નંદીશ્વર દ્વીપ સુધી અને પંડગવનથી પાછા ફરતા પ્રથમ ઉડાનમાં નંદનવન સુધી જાય અને બીજા ઉડાનમાં સ્વસ્થાને પહોંચી જાય છે. * વિદ્યાચારણ અને જંઘાચારણ લબ્ધિપ્રયોગ પછી પોતાના પ્રમાદસ્થાનના સેવનની આલોચનાદિ કરે તો આરાધક થાય, અન્યથા વિરાધક થાય છે.