________________
શતક—૧૯ : ઉદ્દેશક-૩
|શતક-૧૯ : ઉદ્દેશક-૩
સંક્ષિપ્ત સાર
*
આ ઉદ્દેશકમાં પાંચ સ્થાવર જીવોની વિવિધ દષ્ટિકોણથી વિચારણા કરી છે.
સૂત્રકારે બાર દ્વારથી વિષયનું પ્રતિપાદન કર્યું છે. પાંચ સ્થાવર જીવોમાં સાધારણ વનસ્પતિકાયને છોડીને શેષ જીવોના સૂક્ષ્મ કે બાદર, પર્યાપ્તા કે અપર્યાપ્તા જીવોને પ્રત્યેક નામકર્મનો ઉદય છે. તેથી તે જીવો પૃથક પૃથક્ શરીરનો જ બંધ કરે છે. તે જીવો શરીરજન્ય આહાર, શ્વાસોચ્છ્વાસાદિ પ્રત્યેક ક્રિયા પૃથક્ પૃથક જ કરે છે.
સાધારણ વનસ્પતિકાયના જીવોને સાધારણ નામ કર્મનો ઉદય હોય છે. તેથી તે અનંત-અનંત જીવો સાથે મળીને એક-એક શરીર બનાવે છે. તે અનંત જીવો એક શરીરના આધારે જ એક સાથે આહાર અને શ્વાસોશ્વાસ આદિ ક્રિયા કરે છે.
પાંચ સ્થાવરમાંથી પૃથ્વી, પાણી તથા પ્રત્યેક વનસ્પતિકાયમાં દેવ, મનુષ્ય અને તિર્યંચગતિના જીવો આવીને ઉત્પન્ન થાય છે અને તેઉ, વાઉં તથા સાધારણ વનસ્પતિકાયમાં મનુષ્ય અને તિર્યંચ આ બે ગતિના જીવો જ આવીને ઉત્પન્ન થાય છે. પૃથ્વી, પાણી અને વનસ્પતિના જીવો મરણ પામીને મનુષ્ય અને તિર્યંચગતિમાં જાય છે અને તેઉ, વાયુના જીવો મરીને એક તિર્યંચગતિમાં જાય છે.
પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ચાર શૈશ્યા અને તેઉ, વાયુમાં ત્રણ લેશ્યા હોય છે. તે જીવોને એકાંત મિથ્યા દષ્ટિ, બે અજ્ઞાન, કાયયોગ, સાકાર અને અનાકારોપયોગ, ત્રણ, ચાર, પાંચ કે છ દિશાનો આહાર, વાયુકાયને ચાર સમુદ્દાત અને શેષ જીવોને ત્રણ સમુદ્દાત હોય છે. તે સર્વ જીવોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ પૃથ્વીકાયની ૨૨,૦૦૦ વર્ષ, અપ્લાયની ૭,૦૦૦ વર્ષ, તેઉકાયની ત્રણ અહોરાત્રિ, વાયુકાયની ૩૦૦૦ વર્ષ, પ્રત્યેક વનસ્પતિની ૧૦,૦૦૦ વર્ષ અને સાધારણ વનસ્પતિની અંતર્મુહૂર્તની છે. તે જીવોને અવિરતિના પરિણામ છે. તેથી પ્રત્યક્ષરૂપે પાપની પ્રવૃત્તિ ન કરવા છતાં તે જીવો ૧૮ પાપસ્થાનમાં જ સ્થિત છે, તેમ કહેવાય છે.
★
એકેન્દ્રિયના રર ભેદ છે તેની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના સહિત ૪૪ બોલની અવગાહનાના અલ્પબત્વનું કથન છે.
તેમાં સર્વથી થોડી અવગાહના સૂક્ષ્મ નિગોદના અપર્યાપ્તાની છે. ત્યાર પછી ક્રમશઃ વધતાં સર્વથી અધિક ૧૦૦૦ યોજનની અવગાહના પ્રત્યેક શરીરી પર્યાપ્ત બાદર વનસ્પતિની છે.
★
પાંચે સૂક્ષ્મ સ્થાવરકાયમાં પૃથ્વીથી અપ્લાય, અપ્લાયથી અગ્નિ, અગ્નિથી વાયુ અને વાયુથી વનસ્પતિ
સૂક્ષ્મ છે.
પાંચે બાદર સ્થાવકાયમાં વાયુથી અગ્નિ, અગ્નિથી અપ્કાય, અકાયથી પૃથ્વી અને પૃથ્વીથી બાદર વનસ્પતિ સ્થૂલ છે.
લાખના ગોળા જેટલા પૃથ્વીકાયના પિંડને ચક્રવર્તીની દાસી વજ્રની શિલા પર વજ્રના પત્થરથી જોર જોરથી ૨૧ વાર પીસે તેમ છતાં તેના કેટલાક જીવો મરે છે, કેટલાક જીવોને કોઈ અસર થતી નથી.