________________
મહાકર્મવાળા, મહાક્રિયાવાળા, મહાઆશ્રવવાળા, મહાવેદનાવાળા હોય છે. તેનો કુલ તેર દ્વારથી વિચાર કરવામાં આવ્યો છે. આ ચોથા પ્રયોગ રૂપ ફૂલનું વર્ણન સમજવા માટે તીવ્ર બુદ્ધિથી અભ્યાસ કરવો જોઈએ.
કુમારો ! પાંચમો પ્રયોગ આહાર સંબંધી છે. ચારે ય ગતિના જીવોને અલ્પ કે બહુ પ્રમાણમાં આહાર જોઈએ છે. કોઈ ચિત્ત કરે તો કોઈ અચિત્ત કરે કે મિશ્ર કરે. વિશેષ જાણવા પ્રજ્ઞાપના સૂત્રનું અઠયાવીસમું પદ ખોલીને વાંચી લેવું.
કુમારો ! આ છઠ્ઠા પ્રયોગમાં નારકીથી લઈને વૈમાનિક સુધીના સર્વ દંડકના જીવો સાંતર અને નિરંતર ઉત્પન્ન થાય છે. એક જીવ જે જગ્યાએ ઉત્પન્ન થઈ જાય છે, ત્યાર પછી બીજો જીવ ત્યાં જ ઉત્પન્ન થાય છે, તેવી રીતે નિરંતર સાંતર જન્મ-મરણ પણ કરે છે. જો કે અધ્યવસાયના અધ્યવસાનની વાતો અનેક છે, તેનું વિશેષ વર્ણન આપણે ગાંગેય અણગારના ભાંગાથી ભણી ગયા છીએ. તદુપરાંત અસુરકુમારના ચમરેન્દ્રની રાજધાનીનું વર્ણન તથા આવાસ ક્રીડા કરવાનું સ્થાન કેવું છે ? તેનું વર્ણન વાંચવા લાયક છે. ઉદાયન રાજાના અધિકારથી કુમારો ! તમારે એ જાણવાનું છે કે સારું કરવા જતાં પાત્ર ભેદની અપેક્ષાએ પુત્રને પિતા સાથે કેવું વેર બંધાય છે ? અને તે જીવન કેમ હારી જાય છે, તે ગંભીરતાથી વિચારવું.
કુમારો ! સાતમા પ્રયોગમાં આચાર-વિચાર, ઉચ્ચાર વિષયક વિજ્ઞાનનું વિશ્લેષણ કર્યું છે. આ પુદ્ગલ દ્રવ્યનું રસાયણ ત્રણ પ્રકારે શબ્દરૂપે, વિચારરૂપે, આચરણરૂપે જીવના પ્રયોગથી પ્રગટ થાય છે. તે રસાયણને પ્રભુની વાણીના માધ્યમથી માણજો.
આ પ્રયોગ દ્વારા કુમારોએ મરણના ભેદ–પ્રભેદ જાણ્યા ત્યારે તેઓ પંડિત મરણે મરવાની ભાવના કરવા લાગ્યા. ભગવતી મૈયા આ ભાવિત આત્માને કહે છે કે હે કુમારો ! આયુષ્ય કર્મની સ્થિતિના ક્ષયરૂપ મરણ હોય છે. આ કર્મને સમજાવવા જ આઠમા પ્રયોગમાં કર્મ સ્વરૂપની પ્રરૂપણા કરી છે. તે કર્મબંધ,પ્રકૃતિ, પ્રદેશ, અનુભાગ અને સ્થિતિબંધરૂપે બાંધવામાં આવે છે. તેને પ્રજ્ઞાપના સૂત્રના આધારે સમજવાનો પ્રયત્ન તમારે કરવો.
કુમારો ! નવમો પ્રયોગ સાધક દશામાં ઝુલતા ભાવિત આત્મા અણગારને પ્રાપ્ત થયેલી લબ્ધિ વિષેનો છે. લબ્ધિની પ્રાપ્તિ અપ્રમત દશામાં થાય છે પરંતુ લબ્ધિના પ્રયોગ સમયે પ્રમત્તદશા હોય છે. કુતૂહલ વૃત્તિવાળા સાધકને મોહનીય કર્મના ઉદયથી કેયાઘડિયાથી લઈને અનેક રૂપો બનાવી, ઊડવાની ભાવનાઓ, ઇચ્છાઓ થાય છે અને ઘણા રૂપો બનાવે છે. તે અણગાર આલોચના કરે તો જ આરાધક થાય છે, નહીં તો વિરાધક થાય છે. કુમારો ! લબ્ધિ પ્રાપ્ત થયા પછી જીરવવી મુશ્કેલ છે અને પ્રયોગમાં મૂકયા પછી પ્રાયશ્ચિત્ત કરવું મુશ્કેલ છે, પ્રાયશ્ચિત્ત કરનાર સાધકનો જ મહિમા જૈન શાસનમાં ગવાયો છે.
કુમારો ! દસમો પ્રયોગ સમુદ્દાત વિષેનો છે. કેવળી સમુદ્દાત સિવાય છ સમુદ્દાતનું વર્ણન અહીં છે. તેની વિશેષ સમજૂતી પ્રજ્ઞાપના સૂત્રથી જાણી લેવી. આ રીતે તેરમા શતકના દસ ફૂલનું વર્ણન થયું.
35