________________
૨૬o
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૬: ઉદ્દેશક-૧
જે સંક્ષિપ્ત સાર આ ઉદ્દેશકમાં મુખ્યતયા અધિકરણ અને અધિકરણીના સ્વરૂપનું પ્રતિપાદન છે. * પાપક્રિયામાં કારણભૂત સાધનને અધિકરણ કહે છે. તેના બે ભેદ છે. આત્યંતર અને બાહ્ય. શરીર, ઇન્દ્રિય, યોગાદિ આત્યંતર અધિકરણ છે અને શસ્ત્ર, ધન, પુત્ર, પરિવાર આદિ બાહ્ય અધિકરણ છે. * અધિકરણ જેની પાસે હોય તેને અધિકરણી કહેવાય છે. શાસ્ત્રકારે પ્રારંભમાં બાહ્ય અધિકરણરૂપ એરણનું કથન કર્યું છે. * એરણ પર ઘણના ઘા મારવાથી અચિત્ત વાયુ ઉત્પન્ન થાય છે. તે અચિત્ત વાયુ સચિત્ત વાયુ માટે અધિકરણ બને છે. તે સચિત્ત વાયુની હિંસા કરે છે અને પછી તે અચિત્ત વાયુ પણ સચિત્ત બની જાય છે. * અગ્નિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ અહોરાત્રિની હોય છે. અગ્નિની ઉત્પત્તિ કે સ્થિતિ વાયુ દ્વારા જ થાય છે. વાયુ વિના તે પ્રજ્વલિત થતી નથી. અગ્નિના જીવો પોતાની સ્થિતિ પૂર્ણ થતાં મરી જાય છે અને ત્યાં બીજા અગ્નિના અને વાયુના જીવો ઉત્પન્ન થાય છે. આ રીતે પરંપરા ચાલે છે અને દીર્ઘકાલ પર્યત અગ્નિ પ્રજ્વલિત રહે છે. * લુહારને તેમજ ભટ્ટીમાં વપરાતા પ્રત્યેક સાધનો જે જીવોના શરીરમાંથી બન્યા છે તે જીવોને પાંચ ક્રિયા લાગે છે. લુહાર અને તેના પ્રત્યેક ઉપકરણોને અગ્નિકાયના જીવોના આરંભ(જીવહિંસા) સાથે સીધો સંબંધ છે. તે જીવોને પ્રાણાતિપાતિકી ક્રિયા સાથે પૂર્વની ચાર ક્રિયા અવશ્ય લાગે જ છે. * ૨૪ દંડકના જીવો પાસે શરીરાદિ આવ્યંતર અધિકરણ હંમેશાં હોય છે અને શસ્ત્રાદિ બાહ્યાધિકરણ કયારેક હોય છે, કયારેક હોતા નથી પરંતુ અવિરતિની અપેક્ષાએ તેઓ અધિકરણી છે. કે તે જીવો અધિકરણ સહિત હોવાથી સાધિકરણી છે, નિરધિકરણી નથી. તે સ્વયં પાપપ્રવૃત્તિ કરે છે, અન્ય પાસે પણ કરાવે છે અને ઘણી પાપપ્રવૃત્તિ સ્વ અને પર ઉભયરૂપે કરે છે. તેથી અવિરતિ ભાવની અપેક્ષાએ તે આત્માધિકરણી, પરાધિકરણી અને તદુભયાધિકરણી છે. * તે જીવો પોતાના મન, વચન, કાયાના પ્રયોગથી પાપ પ્રવૃત્તિ કરે છે તેથી તે આત્મપ્રયોગનિવર્તિત અધિકરણી છે. પોતાના વચનાદિના પ્રયોગથી અન્ય પાસે પાપ પ્રવૃત્તિ કરાવે છે તેથી તે પરપ્રયોગનિવર્તિત અધિકરણી છે અને ઘણી વાર તે ઉભયપ્રયોગ નિર્વતિત અધિકરણી હોય છે. * ૨૪ દંડકના જીવોમાં સમુચ્ચય રીતે પાંચ શરીર, પાંચ ઇન્દ્રિય અને ત્રણ યોગ રૂ૫ અધિકરણ હોય છે. તેમાં જે ગતિના જીવોને જેટલા શરીર, ઇન્દ્રિય અને યોગ હોય તે જીવોને તેટલા અધિકરણ હોય છે.
ઔદારિક આદિચાર શરીર બનાવતો જીવ અવિરતિની અપેક્ષાએ અને આહારક શરીરને બનાવતો જીવ પ્રમાદની અપેક્ષાએ અધિકરણી છે. આ રીતે સંસારી જીવોમાં તેનો અવિરતિભાવ અને પ્રમાદભાવ તેના અધિકરણ(પાપકર્મ)નું કારણ બને છે.