________________
શતક-૧૪ : ઉદ્દેશક-૫
શતક-૧૪ : ઉદ્દેશક-૫
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં જીવોનું અગ્નિગમન, તેમાં તેનું જ્વલન તેમ જ શબ્દાદિ દશ સ્થાનની અનુભૂતિ
વિષયક પ્રતિપાદન છે.
૧૪૧
★
વિગ્રહગતિ સમાપન્નક કોઈ પણ ગતિના જીવો ગમે તે સ્થાનમાંથી પસાર થઈ શકે છે કારણ કે
તેની વાટે વહેતી અવસ્થામાં તેને તૈજસ-કાર્પણ શરીર સૂક્ષ્મ શરીર જ હોય છે. તેથી તે અગ્નિમાંથી પસાર થઈ શકે છે. અગ્નિ સૂક્ષ્મ શરીરને બાળી શકતી નથી.
★
અવિગ્રહગતિ સમાપન્નક(વાટે વહેતા સિવાયના) જીવોમાં જે વૈક્રિયાદિ લબ્ધિ સંપન્ન હોય તો તે અગ્નિમાંથી જઈ શકે છે; અન્યથા જઈ શકતા નથી.
નરકમાં બાદર અગ્નિ ન હોવાથી નારકો અગ્નિમાં જઈ શકતા નથી. પાંચ સ્થાવરમાં ગતિનો અભાવ હોવાથી જતા નથી. ત્રણ વિકલેન્દ્રિયો જો અગ્નિની મધ્યમાં જાય તો તે બળી જાય છે. તિર્યંચ અને મનુષ્યોમાં જે લબ્ધિધારી છે તે લબ્ધિ પ્રયોગથી જાય તો તેને અગ્નિ બાળી શકતી નથી; અન્યથા અગ્નિ તેને બાળી શકે છે. ચારે જાતિના દેવો વૈક્રિય શક્તિથી જઈ શકે છે. તેને અગ્નિ કાંઈ જ કરી શકતી નથી.
★
જીવને પોતાના કર્મો અનુસાર શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ, ગતિ, સ્થિતિ, લાવણ્ય, યશકીર્તિ, ઉત્થાનાદિ દશ સ્થાનનો અનુભવ થાય છે. નારકોને અશુભ, દેવોને શુભ, ઔદારિક શરીરીને શુભાશુભ અનુભવ થાય છે.
★
નારકો, દેવો, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો દશ સ્થાનનો, એકેન્દ્રિય છ સ્થાનનો, બેઇન્દ્રિય સાત, તેઇન્દ્રિય આઠ, ચૌરેન્દ્રિય નવ સ્થાનનો અનુભવ કરે છે. જે જીવોને જેટલી ઇન્દ્રિયો હોય તે પ્રમાણે તેને શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શનો અનુભવ થાય છે. જેમ કે એકેન્દ્રિય જીવોને એક જ ઇન્દ્રિય હોવાથી તે રસેન્દ્રિયાદિ ચાર ઇન્દ્રિયથી થતાં રસ, ગંધ, રૂપ અને શબ્દ આ ચાર સ્થાનનો અનુભવ કરી શકતા નથી તેથી છ સ્થાનનો અનુભવ કરે છે. આ રીતે પ્રત્યેક જીવોમાં સમજવું જોઈએ.
⭑
દેવો વૈક્રિય શક્તિથી બહારના પુદ્ગલોને ગ્રહણ કરીને તિરછા પર્વત કે ભીંતનું ઉલ્લંઘન કરી શકે છે. બહારના પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના ઉલ્લંઘન કરી શકતા નથી.
આ રીતે આ ઉદ્દેશકમાં જીવશક્તિનું વિવિધ રૂપે પ્રતિપાદન છે.
܀܀܀܀܀