________________
૨૬
શતક-૫ : ઉદ્દેશક-ર સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં ચાર પ્રકારના વાયુ અને તેના વહેવાના કારણ, દિશા અને વિદિશામાં તથા દ્વીપ અને સમુદ્રમાં તેની ગતિ વિષયક વર્ણન છે તેમજ પ્રત્યેક અચિત્ત થયેલા પદાર્થો કોના શરીર છે ? તે વિષયને સ્પષ્ટ કર્યો છે. અંતે લવણ સમુદ્રનું વર્ણન જીવાભિગમ સૂત્રના અતિદેશપૂર્વક છે.
શ્રી ભગવતી સૂત્ર–૨
* વાયુના ચાર પ્રકાર :– (૧) ઈષત્પુરોવાયુ– કંઈક સ્નિગ્ધતા(ભેજ)યુક્ત વાયુ (૨) પથ્યવાયુ– વનસ્પતિ આદિ માટે પથ્યકારી વાયુ (૩) મંદવાયુ (૪) મહાવાયુ.
★
આ ચારે પ્રકારના વાયુ દિશા અને વિદિશામાં વહે છે. એક સાથે બે વિરોધી વાયુ વહેતા નથી તેમજ જ્યારે દ્વીપીય(દ્વીપથી સમુદ્રની તરફ) વાયુ વહેતો હોય ત્યારે સામુદ્રીય(સમુદ્રથી દ્વીપની તરફ) વાયુ વહેતો
નથી.
વાયુકાયની ગતિ– (૧) સ્વાભાવિક રૂપે (૨) વાયુકાયના ઉત્તર વૈક્રિય રૂપે (૩) દેવ પ્રેરિત.
★
કોઈપણ સચેત–સજીવ વસ્તુ સ્વતઃ અચેત થઈ જાય, ત્યારે તે પદાર્થ તે જ જીવનું શરીર કહેવાય અને જો તે અગ્નિ આદિ શસ્ત્ર પરિણતથી અચેત થયા હોય તો તે પદાર્થ વર્તમાન ભાવની અપેક્ષાએ અગ્નિકાયનું શરીર કહેવાય અને પૂર્વ ભાવની અપેક્ષાએ તે જીવનું શરીર કહેવાય. જેવી રીતે વનસ્પતિના લીલા પાન સ્વતઃ સૂકાય ગયા હોય અથવા તેને પીસી નાંખ્યા હોય તો તે વનસ્પતિકાયના શરીર કહેવાય. પરંતુ તેને જો ગરમ પાણીમાં ઉકાળીને અચિત્ત કર્યા હોય, તો તે વર્તમાન ભાવે અગ્નિકાયના ત્યક્ત શરીર અને પૂર્વભાવની અપેક્ષાએ વનસ્પતિકાયના શરીર કહેવાય છે.
તે જ રીતે લોખંડ, તાંબુ, સીસુ આદિ પૃથ્વીકાયના શરીર છે પરંતુ જો તે અગ્નિ દ્વારા શસ્ત્ર પરિણત થાય તો તે વર્તમાન ભાવે અગ્નિકાયના શરીર કહેવાય અને પૂર્વભાવની અપેક્ષાએ પૃથ્વીકાયના શરીર કહેવાય. આ રીતે પ્રત્યેક પદાર્થમાં સમજવું જોઈએ.
* લવણ સમુદ્રનો ચક્રવાલ વિધ્યુંભ બે લાખ યોજનનો છે. તેની ડગમાળા ૧૬૦૦૦ યોજન ઊંચી છે તો પણ જંબુદ્રીપમાં રહેલા પુણ્યાત્માઓના પુણ્ય પ્રભાવે લવણ સમુદ્ર જંબુદ્રીપને ડૂબાડી દેતો નથી.
܀܀܀܀܀