________________
શતક-૭ : ઉદ્દેશક-૭
૩૭૫
શતક- : ઉદ્દેશક
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં સંવૃત અને અસંવૃત અણગારને લાગતી ક્રમશઃ ઐર્યાપથિકી અને સાંપરાયિકી ક્રિયા, કામભોગ, અકામનિકરણ અને પ્રકામનિકરણ વેદના ઈત્યાદિનું નિરૂપણ છે.
★
જેના કષાયો ઉપશાંત અથવા ક્ષીણ થયા છે, જે પ્રત્યેક પ્રવૃત્તિ ઉપયોગપૂર્વક, જિનાજ્ઞાનુસાર કરે છે, તેવા સંવૃત અણગારને ઐર્યાપથિકી અને અસંવૃત અણગારને સાંપરાયિકી ક્રિયા લાગે છે.
* કામ ઃ— જેના દ્વારા કેવળ કામના—અભિલાષાની પૂર્તિ જ કરાય છે. જે શરીરના ઉપભોગમાં આવતા નથી, તે ઈન્દ્રિય વિષયને કામ કહે છે. શબ્દ અને રૂપ આ બે ઈન્દ્રિય વિષય કામ છે. તેનાથી મનની તૃપ્તિ થાય છે. તેના પુદ્ગલોનું શરીર રૂપે પરિણમન થતું નથી.
* ભોગ ઃ— જે વિષય દ્વારા અભિલાષા—ઈચ્છાની પૂર્તિ થાય અને તેના પુદ્ગલ શરીરના ઉપભોગમાં આવે તેને ભોગ કહે છે. ગંધ, રસ, સ્પર્શ આ ત્રણ ઈન્દ્રિય વિષય ભોગ છે. તેના પુદ્ગલ શરીરરૂપે પરિણમન પામે છે અને તેનાથી શરીરને પુષ્ટી પણ મળે છે.
★
કામભોગના પદાર્થો રૂપી છે. તે સચિત્ત પણ હોય છે અને અચિત્ત પણ હોય છે. કામભોગ જીવોમાં જ હોય છે, અજીવોને હોતા નથી. ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવ કામી અને ભોગી છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય જીવો કેવળ ભોગી છે.
★
સર્વથી થોડા કામી ભોગી જીવો, તેનાથી નોકામી–નોભોગી જીવો(સિદ્ધ જીવો) અનંતગુણા, તેનાથી ભોગી અનંતગુણા છે.
દેવલોકમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવો ક્ષીણ ભોગી જ હોય તેમ નથી. તે જીવો કામભોગનું સેવન કરનારા હોય શકે છે પરંતુ જો તે કામભોગનો ત્યાગ કરે તો ભોગત્યાગી બની મહાનિર્જરા કરનારા થાય છે. આ જ રીતે દેવલોકમાં ઉત્પન્ન થવા યોગ્ય સામાન્ય અવધિજ્ઞાની જીવો માટે પણ સમજવો.
તે જ ભવે મુક્ત થનારા પરમાવધિજ્ઞાની અને કેવળજ્ઞાની મનુષ્યો ક્ષીણભોગી હોય છે. કારણ કે તે બંને જ્ઞાન અણગારને જ હોય છે અને અણગાર કામભોગના સદા સર્વદા ત્યાગી હોય છે.
★
અસંજ્ઞી જીવો ઈચ્છાશક્તિ અને જ્ઞાનશક્તિના અભાવમાં અકામનિકરણ અનિચ્છા (અજ્ઞાનતા– પૂર્વક) સુખ દુઃખરૂપ વેદના વેદે છે. કેટલાક જીવો સંક્ષી હોવા છતાં, ઈચ્છાશક્તિ અને જ્ઞાનશક્તિ હોવા છતાં ઉપયોગના અભાવમાં અકામનિકરણ વેદના વેઠે છે. જ્યારે કેટલાક સંશી જીવો ઈચ્છાશક્તિ અને જ્ઞાનશક્તિ હોવા છતાં ગમનશક્તિના અભાવમાં પ્રકામનિકરણ–તીવ્ર અભિલાષારૂપ સુખદુઃખ વેદના વેદે છે.
܀܀܀܀܀