________________
૩૫ર |
શ્રી ભગવતી સૂત્ર-૨
अण्णे से वेयणासमए अण्णे से णिज्जरासमए; से तेणटेणं गोयमा ! एवं वुच्चइ जाव ण से वेयणासमए । एवं जाव वेमाणियाणं । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે નૈરયિકોને જે વેદનાનો સમય છે, તે નિર્જરાનો સમય નથી અને જે નિર્જરાનો સમય છે તે વેદનાનો સમય નથી?
ઉત્તર-હે ગૌતમ!નૈરયિક જીવ જે સમયે વેદન કરે છે, તે સમયે નિર્જરા કરતા નથી અને જે સમયે નિર્જરા કરે છે તે સમયે વેદન કરતા નથી. અન્ય સમયમાં વેદન કરે છે અને અન્ય સમયમાં નિર્જરા કરે છે, તેનો વેદનનો સમય અન્ય છે અને નિર્જરાનો સમય અન્ય છે; તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહેવાય છે યાવતુ જે નિર્જરાનો સમય છે તે વેદનાનો સમય નથી. આ જ રીતે વૈમાનિકો પર્યત ૨૪ દંડકોમાં કથન કરવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં સામાન્ય જીવ અને ૨૪ દંડકના જીવમાં ત્રણે ય કાલની અપેક્ષાએ વેદના અને નિર્જરાના સમયમાં પૃથક્વ નિરૂપિત કર્યું છે. વેદના – ઉદય પ્રાપ્ત કર્મોને ભોગવવા તે વેદના. નિર્જરા – કર્મના વેદન પછી તે નોકર્મ બની જાય અને તેનો નાશ થવો અર્થાત્ આત્માથી દૂર થવા, તે નિર્જરા છે.
બંનેનું સ્વરૂપ જોતાં સ્પષ્ટ થાય છે કે વેદના અને નિર્જરા બંને સર્વથા પૃથક છે. તેથી જ સૂત્રમાં કહ્યું છે કે વેદના કર્મની થાય છે અને નિર્જરા નોકર્મ(કર્માભાવ)ની થાય છે. તેનું તાત્પર્ય એ છે કે કષાય અને યોગના નિમિત્તથી જીવ જ્યારે કર્મ પુદ્ગલ ગ્રહણ કરે અને આત્મા સાથે એકમેક થાય, બદ્ધ થાય ત્યારથી તે 'કર્મ' કહેવાય છે અને વેદનના અંતિમ સમય સુધી તે કર્મરૂપે રહે છે. વેદના અનુભૂયમાન કર્મરૂપ છે, વેદના અને કર્મ તે બંને સમાન કાલભાવી હોવાથી વેદના કર્મરૂપ કહેવાય છે. જ્યારે વેદન સમાપ્ત થાય છે ત્યારે તે નોકર્મ બની જાય છે અને નોકર્મ બનેલા દલિકો આત્માથી છૂટા પડે તેને નિર્જરા કહે છે. આ રીતે બંનેના સ્વરૂપની ભિન્નતા સાથે જ તેના સમયની ભિન્નતા સમજાય છે. પહેલા વેદના અને ત્યાર પછી નિર્જરા થાય છે. તેથી બંનેના સમયમાં ભિન્નતા છે. પૂર્વ સમયવર્તી વેદના અને ઉત્તર સમયવર્તી નિર્જરા છે. આ રીતે ત્રણે ય કાલમાં ૨૪ દંડકના જીવોમાં વેદના અને નિર્જરાના સ્વરૂપની અને તેના સમયની ભિન્નતા સ્પષ્ટ થાય છે.
નૈરયિકાદિની શાશ્વતતા-અશાશ્વતતા :२४ णेरइया णं भंते ! किं सासया, असासया ?
गोयमा ! सिय सासया सिय असासया ।