________________
શ્રી ભગવતી સૂત્ર–૨
ભગવાન ગૌતમે, શ્રમણ ભગવાન મહાવીરને વંદન, નમસ્કાર કર્યા અને પછી જે તરફ તે દેવ હતા, તે તરફ જવાનો સંકલ્પ કર્યો.
૧૪
ત્યાં તે દેવોએ ભગવાન ગૌતમ સ્વામીને પોતાની તરફ આવતાં જોયા, જોઈને તેઓ અત્યંત હર્ષિત થયા, સંતુષ્ટ થયા, તેઓનું હ્રદય પ્રફુલ્લિત થઈ ગયું, તેઓ શીઘ્ર ઊભા થયા, ઊઠીને સ્ફૂર્તિથી તેમની સામે ગયા અને જ્યાં ગૌતમ સ્વામી હતા ત્યાં તેમની પાસે પહોંચ્યા, પહોંચીને તેમને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું– હે ભગવન્ ! મહાશુક નામના સાતમા દેવલોકના મહાસ્વર્ગ નામના મહાવિમાનથી . અમે બંને દેવો અહીં આવ્યા છીએ, આવીને અમે શ્રમણ ભગવાન મહાવીરને વંદન—નમસ્કાર કર્યા અને મનથી જ આ પ્રકારે પ્રશ્ન પૂછ્યો કે હે ભગવન્ ! આપ દેવાનુપ્રિયના કેટલા શિષ્ય સિદ્ધ થશે તેમજ સર્વ - દુઃખોનો અંત કરશે ? ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અમોને મનથી જ આ પ્રમાણે ઉત્તર આપ્યો– હે દેવાનુપ્રિય ! મારા સાતસો શિષ્ય સિદ્ધ થશે તેમજ સર્વ દુઃખોનો અંત કરશે. આ રીતે મનથી પુછાયેલા પ્રશ્નનો ભગવાન મહાવીર દ્વારા મનથી જ ઉત્તર પ્રાપ્ત કરી, અમે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કરીને તેમની પર્યાપાસના કરી રહ્યા છીએ. આ પ્રમાણે કહીને તે દેવોએ ભગવાન ગૌતમ સ્વામીને વંદન નમસ્કાર કર્યા અને જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ગયા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાતમા દેવલોકના દેવો અને પ્રભુ મહાવીર સ્વામીના મનોમન થયેલા પ્રશ્નોત્તરનું નિરૂપણ છે.
આ સૂત્રોથી અને બીજા કેટલાક સૂત્ર પ્રસંગોથી જણાય છે કે દેવલોકના દેવો પણ પરસ્પર માનવ લોકની જેમ ધર્મ સંબંધી કે અન્ય ચર્ચાઓ કરતા જ હોય છે.
પ્રભુ મહાવીરના ચૌદ હજાર શ્રમણ છે તેમાંથી કેટલા શ્રમણ તદ્ભવ મોક્ષગામી છે, આ વિષયમાં બે દેવોને દેવલોકમાં પરસ્પર જ્ઞાનચર્ચા થતાં તેનું સમાધાન મેળવવા બંને દેવો સાથે મળી પ્રભુની સેવામાં આવ્યા હોય તેમ જણાય છે.
તેઓ મનમાં પ્રશ્ન લઈને આવ્યા ત્યારે ભગવાને કેવળજ્ઞાન દ્વારા તેમના મનોગત પ્રશ્નને જાણી લીધો. આગમમાં આવા અનેક પ્રસંગો જોવા મળે છે કે ભગવાન આગંતુકના મનોભાવને તે કાંઈ બોલે તેની પહેલા જ પ્રગટ કરી દેતા. અહીં દેવોના મનોગત પ્રશ્નને ભગવાને પ્રગટ ન કર્યો પણ મનથી જ તેનો ઉત્તર આપી દીધો છે.
સંજ્ઞી જીવો વિચાર કરે ત્યારે મનયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે અને તેને મનરૂપે પરિણમાવે છે. મન:પર્યવજ્ઞાની આ મનરૂપે પરિણત મનોવર્ગણાના આધારે સંજ્ઞી જીવોના મનોગત વિચારને જાણી લે છે. કેવળજ્ઞાનીને કેવળજ્ઞાનથી જ સર્વ ભાવો પ્રત્યક્ષ હોવાથી વિચારવાની જરૂર નથી, પરંતુ જ્યારે ભગવાનને પ્રગટરૂપે વાણીથી કથન કરવું ન હોય, કોઈ દેવાદિને મનથી પ્રત્યુતર આપવાના હોય ત્યારે મનોવર્ગણાના