________________
પાખનાર વ્યક્તિ કર્મ કે ભાગ્યનો ઉલ્લેખ કરીને એમ કહે છે કે ભાગ્યમાં જે લખાયું હશે તે થશે. આટલી વાતમાં તે સમસ્ત કર્મવાદનો સમાવેશ કરી દેવા માંગે છે પરંતુ ભગવતી સૂત્રમાં કર્મસિદ્ધાંતનું વિવેચન કરતાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે - કર્મોના બંધમાં અને ભાગ્યમાં લખાયેલા તત્ત્વોમાં ઘણું જ પરિવર્તન કરી શકાય છે. જેને કર્મવાદમાં સંક્રમણ, ઉદ્વર્તન, અપવર્તન (મંદકરણ, તીવ્રકરણ), નિધત્તકરણ, નિકાચિત કરણ ઈત્યાદિ કહેવામાં આવ્યા છે. તે કરણોના પ્રયોગથી ઉદયમાન થનાર કર્મબંધોમાં ઘણા અંશે પરિવર્તન થઈ શકે છે.
તાત્પર્ય એ છે કે કેટલાક પાપને પુણ્યમાં, પુણ્યને પાપમાં બદલી શકાય છે. કર્મના રસોમાં મંદભાવ કે તીવ્રભાવનું પરિવર્તન થઈ શકે છે. તેને માટે આત્માના વિશેષ પુરુષાર્થની અપેક્ષા રહેલી છે. ફક્ત નિકાચિત કર્મોને છોડી બાકીના કર્મોમાં પરિવર્તન સંભવિત છે. ભગવતી સૂત્રમાં આ વિષય ઉપર વિશદ પ્રકાશ પાથર્યો છે.
- ભગવતી સૂત્રની ખૂબી એ છે કે તેમાં વિષયોનું વિવેચન પ્રશ્વોત્તર રૂપે કરવામાં આવ્યું છે અને પ્રશ્નનો ઉત્તર ભગવાન સ્વયં આપે છે. ગૌતમ સ્વામી ઉત્તર સાંભળ્યા પછી પણ તેનો સીધી રીતે સ્વીકાર ન કરતાં Urvi મંતે અવં એ રીતે ઉત્તરનો ઊંડો મર્મ સમજવા માટે તર્ક કરીને ઉત્તરને સ્પષ્ટ કરે છે. આ આખી પદ્ધતિ રસમય છે અને જે જવાબો આપવામાં આવ્યાં છે, તે સ્યાદ્વાદને અનુલક્ષીને છે. સ્યાદ્વાદ એ જૈનદર્શનનું હાર્દ છે. ભગવતી સૂત્રમાં સ્યાદ્વાદને બહુ જ સુંદર રીતે નિરૂપેલ છે. આ મહાન શાસ્ત્રને તો જેટલું વાંચી શકાય, વાગોળી શકાય કે વિચારી શકાય તેટલું પોતાને માટે આનંદરૂપ છે અને તેમાંથી જ થોડું ઘણું પીરસી શકાય તેમ છે. બાકી સમગ્ર શાસ્ત્રને હૃદયંગત કરવું, આરોગી જવું તે ગજા ઉપરાંતની વાત છે.
જે સાધ્વીજીઓએ આ આગમ કાર્યનું કામ હાથ ધર્યું છે અને તે સતીમંડળનું નેતૃત્વ મહાપુણ્યશાળીની સાક્ષાત્ ભગવતી સ્વરૂપ લીલમબાઈ મહાસતીજીએ સ્વીકાર્યું છે, તે સૌને હૃદયના આશીર્વાદ કે - ધારેલું કામ પૂર્ણ કરી ગોંડલ ગચ્છની જ્ઞાનસાધના ઉપર સુવર્ણ કળશ ચડાવો, શાસન પ્રભાવના કરી અમરત્વને પ્રાપ્ત કરો. આનંદ મંગલમ્!
- જયંતમુનિ,
પેટરબાર