________________
શતક-૧: ઉદ્દેશક-૬
.
[ ૧૭ ]
બૃહકલ્પ ભાષ્યમાં સ્નિગ્ધ અને રૂક્ષકાલ અનુસાર, તેના વરસવાનો સમય આ પ્રમાણે બતાવ્યો છે– શિશિરકાલમાં દિનના પ્રથમ અને અંતિમ પ્રહરમાં અધિક માત્રામાં વરસે છે. ગ્રીષ્મકાલમાં દિનના પ્રથમ અને અંતિમ અર્ધ પ્રહરમાં અધિક માત્રામાં વરસે છે. શેષ સમયમાં તે અલ્પમાત્રામાં વરસે છે. અભયદેવ સૂરિનો પણ આ જ અભિપ્રાય છે. પરંતુ આ અભિપ્રાયને આગમનો કોઈ આધાર નથી અને પ્રસ્તુત સૂત્રના તથા સમય થી તે વિરુદ્ધ જાય છે અર્થાત્ સૂત્રાનુસાર તો સદા સીમિત જ વરસે છે.
તેનું સ્વરૂપ વાયુકાયથી પણ અત્યંત સૂક્ષ્મ છે, તેથી તેને વાયુકાયરૂપ શસ્ત્રની અસર થતી નથી. તે ધુમ્મસની જેમ મકાન વગેરે ઢાંકેલા સ્થાનમાં આવી જતી નથી.
સ્નેહકાય વિષયક અનેક પ્રશ્નો જિજ્ઞાસુઓના મનમાં ઉત્પન્ન થાય છે જેમ કે– સ્નેહકાય ક્યાં ઉત્પન્ન થાય છે? તે મુદ્દગલ દ્રવ્યથી નિષ્પન્ન થાય છે કે અપકાયના જીવો તેમાં ઉત્પન્ન થાય છે? તે પુદ્ગલનું પરિણામ છે કે જીવનું પરિણામ છે? તે સચેત છે કે અચેત? સૂત્રમાં બતાવ્યું છે કે તે નીચે પડતાં જ નાશ પામે, તો તેના જીવો પણ તત્કાલ મરી જાય છે? તે જીવો ક્યારે જન્મે છે અને ક્યારે મરે છે? તે જીવોનું આયુષ્ય કેટલું? વગેરે અનેક પ્રશ્નો ઉદ્ભવે છે.
સમાધાન- આ દરેક પ્રશ્નો મહત્ત્વના છે પણ તેનું સમાધાન મૂળપાઠ કે વ્યાખ્યાથી થઈ શકતું નથી. પ્રસ્તુત સૂત્ર સિવાય અન્ય કોઈપણ સૂત્રમાં સૂક્ષ્મ સ્નેહકાયનું વર્ણન ઉપલબ્ધ નથી. દશાશ્રુતસ્કંધમાં સાતમી દશામાં પ્રતિમાધારી સાધુને સૂર્યાસ્ત પછી વિહારના નિષેધ માટે ખુલ્લા આકાશવાળા સ્થળને જલરૂપે અને ઢાંકેલી જગ્યાને સ્થલ રૂપે સૂચિત કર્યું છે. તેના આધારે આ સૂક્ષ્મ સ્નેહકાયને સચિત્ત જલરૂપ માનવાની પરંપરા છે. તે અપકાયના જીવો આકાશમાં ઉત્પન્ન થાય છે. ઉપર, નીચે આદિ સર્વત્ર વરસે છે. ઉપરથી પડતાં જ તે જીવો મરી જાય છે. તેનું આયુષ્ય અત્યંત અલ્પ હોય છે. કારણ કે અપકાયના જીવો એક મુહૂર્તમાં [૩૨,000]અનેક હજારો ભવ કરી શકે છે.
છે શતક-૧/૬ સંપૂર્ણ /