________________
સંપાદકીય
અપૂર્વ શ્રુતઆરાધક બા.. પૂ. લીલમબાઈ મ. સ.
આત્માના સદ્ગુણો પ્રગટ થાય છે, અનુભવાય છે, પરંતુ તે અનિર્વચનીય હોય છે. એક વ્યક્તિ જ્યારે રોપાને રોપે છે અને માવજત કરે છે, ત્યારે તે વૃક્ષ ફૂલ્ય ફાલ્યું બનીને માલિકને ફળ, ફૂલ વગેરેથી પૂર્ણ સંતોષ આપે છે.
તેવી જ રીતે ગુરુદેવના વિશાળ પરિવારે શ્રમણી વિદ્યાપીઠ મુંબઈમાં અભ્યાસ કરી, સિદ્ધાંતોનું વર્ગીકરણ કરી, પોતાની શક્તિ અનુસાર યોગદાન આપી, સિદ્ધાંતોનો ગુજરાતી અનુવાદ કરી, એક ઉદાહરણ પૂરું પાડી મારા આત્માને સંતોષ અર્પણ કર્યો છે. કયા શબ્દોથી વર્ણન કરું? મારા ગુસ્વર્યને યાદ કરું છું અને આંખો અશ્રુથી ઊભરાઈ જાય છે, કંઠ ગદ્ગદિત થઈ જાય છે. આજે સાવરકુંડલામાં ચાતુર્માસ રહી છું ત્યારે ભૂતકાળમાં સરી જવાય છે. હજારો કિરણોથી પ્રકાશતો સૂર્ય જ્યારે ઉદિત થાય છે ત્યારે કોઈને ખીલવાનું કે ખુલવાનું કહેવું પડતું નથી. સહેજે દરેકની આંખો, પાંખડીઓ, વનરાઈઓ, ખીલી–ખુલી ઊઠે છે. તેમ ગુરુ શ્રી પ્રાણ જ્યારે નેહભર્યા, નૂરભર્યા નેત્રોથી અને વિવેકપ્રજ્ઞાપૂર્વકના જ્ઞાનમાં પરિણત કરીને વીતરાગવાણીની વાચના આપતાં એક શબ્દના અનેક અર્થ કરતા ત્યારે હૃદય ખીલીને ખુલી ઊઠતું.
ગુરુદેવ કહેતા કે આ સિદ્ધાંતોનો ગુજરાતી અનુવાદ થાય તો સમાજને ઘણા ઊપકારનું નિમિત્ત કારણ થાય. આજે તે સ્વપ્ન સાકાર થતાં હૃદય આનંદથી ભરાઈ જાય છે, મસ્તક ઝૂકી જાય છે.
અહો ગુરુપ્રાણ ! આપના વદન કમળમાંથી નીકળેલાં વચનો, વાચનાઓનો યત્કિંચિત પુરુષાર્થ કરીને સમાજ સમક્ષ મૂકતાં આહ્વાદ અનુભવીએ છીએ.
- પ્રિય પાઠક! આજે આપના હાથમાં અમો 'સમવાયાંગ' સૂત્રનો ગુજરાતી અનુવાદ પુસ્તકરૂપે પ્રગટ કરી રહ્યા છીએ. સમવાયાંગ સૂત્ર એક સાગર છે. તેમાં જગતના જેટલા શબ્દ, નય, નિક્ષેપાદિ જે જે વક્તવ્યરૂપ નદીઓ છે, તે તેમાં મળી જાય છે. સમવાયનો
27