________________
સ્થાન - ૫ : ઉદ્દેશક-૧
સ્થાન-પ
ઉદ્દેશક-૧
હ
મહાવ્રત ઃ અણુવ્રત ઃ
१ पंच महव्वया पण्णत्ता, तं जहा- सव्वाओ पाणाइवायाओ वेरमणं, सव्वाओ मुसावायाओ वेरमणं, सव्वाओ अदिण्णादाणाओ वेरमणं, सव्वाओ मेहुणाओ वेरमणं, सव्वाओ परिग्गहाओ वेरमणं ।
ભાવાર્થ :- મહાવ્રત પાંચ છે, તે આ પ્રમાણે છે– (૧) સર્વ પ્રકારના પ્રાણાતિપાત– જીવઘાતથી વિરમવું (૨) સર્વ પ્રકારના મૃષાવાદ– અસત્ય ભાષણથી વિરમવું (૩) સર્વ પ્રકારના અદત્તાદાન– ચોરીથી વિરમવું (૪) સર્વ પ્રકારના મૈથુન- કુશીલ સેવનથી વિરમવું (પ) સર્વ પ્રકારના પરિગ્રહથી વિરમવું.
२ पंचाणुव्वया पण्णत्ता, तं जहा- थूलाओ पाणाइवायाओ वेरमणं, थूलाओ मुसावायाओ वेरमणं, थूलाओ अदिण्णादाणाओ वेरमणं, सदारसंतोसे, इच्छापरिमाणे।
ભાવાર્થ :- અણુવ્રત પાંચ છે, તે આ પ્રમાણે છે– (૧) સ્થૂલ પ્રાણાતિપાતથી વિરમવું (૨) સ્થૂલ મૃષાવાદથી વિરમવું (૩) સ્થૂલ અદત્તાદાનથી વિરમવું (૪) સ્વદાર સંતોષવ્રત (૫) ઇચ્છા પરિમાણ (પરિગ્રહની મર્યાદા કરવી.)
વિવેચન :
વ્રત એટલે વિરામ પામવું, પાપ પ્રવૃત્તિથી વિરામ પામવું તે વ્રત છે. પાપ પ્રવૃત્તિનો જીવનપર્યંત સંપૂર્ણતઃ ત્યાગ કરવો તે મહાવ્રત છે અને આંશિક ત્યાગ કરવો તે અણુવ્રત છે.
પ્રસ્તુત સૂત્રમાં અઢાર પાપ પૈકીના મુખ્ય અને પ્રથમના પાંચ પાપોના ત્યાગની અપેક્ષાએ સાધુના પાંચ મહાવ્રતોનું અને શ્રાવકના પાંચ અણુવ્રતોનું નિરૂપણ છે.
શ્રી આચારાંગ સૂત્ર, પ્રશ્નવ્યાકરણ સૂત્ર આદિ આગમોમાં સાધુના પાંચ મહાવ્રતો અને તેની પચ્ચીસ ભાવનાઓનું વર્ણન છે. ઉપાસકદશાંગ સૂત્રમાં શ્રાવકના બાર વ્રતોનું વિસ્તારથી વર્ણન છે. પ્રસ્તુતમાં પાંચમા સ્થાનની અપેક્ષાએ પાંચ મહાવ્રતો અને પાંચ અણુવ્રતોનો નામ નિર્દેશ છે.