________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
મુનિની લબ્ધિથી બંને મેરુપર્વત ઉપર ફરીને થોડીવારમાં પાછા આવી ગયા. લબ્ધિ પ્રયોગ અને મેરુદર્શનથી પણ સુંદરીનંદનું મન પલટાયું નહીં. ત્યારે મુનિએ ત્રીજો ઉપાય અજમાવ્યો.
४०२
મુનિએ પોતાની વૈક્રિય લબ્ધિથી એક વાનર યુગલની વિપુર્વણા-રચના કરી અને સુંદરીનંદને પૂછ્યું કે “આ વાંદરી અને સુંદરીમાં વધુ સુંદર કોણ છે ? ત્યારે તેણે કહ્યું કે “ભગવન ! બંને વચ્ચે તુલના શક્ય જ નથી. સરસવ અને મેરુ વચ્ચે જેટલું અંતર છે, તેટલું અંતર આ બંને વચ્ચે છે.’’ તત્પશ્ચાત મુનિએ વિદ્યાધર યુગલની રચના કરી અને તે જ પ્રશ્ન પુનઃ પૂછ્યો, ત્યારે તેણે જવાબ આપ્યો કે “ભગવન ! બંને તુલ્ય છે.’’ હવે મુનિએ દેવ યુગલની વિકુર્વણા કરી અને પુનઃ તે જ પ્રશ્ન પૂછયો. આ સમયે સુંદરીનંદે કહ્યું કે “ભગવન ! દેવાંગના પાસે તો સુંદરી, વાંદરી જેવી લાગે છે. તે બંનેની તુલના શક્ય જ નથી.” ત્યારે મુનિએ કહ્યું કે આવી દેવાંગનાઓની પ્રાપ્તિ તો થોડા ધર્માચરણથી થઈ જાય છે. આ સાંભળી, દેવાંગનાનું રૂપ જોઈ, સુંદરી પરનો તેનો મોહ ભાવ ઘટી ગયો અને સુંદરીનંદે દીક્ષા ગ્રહણ કરી.
(૨) રોષા પ્રવ્રજ્યા – રોષના કારણે દીક્ષા ગ્રહણ કરાય તે. શિવભૂતિએ રોષના કારણે દીક્ષા ગ્રહણ કરી હતી.
શિવભૂતિ ઃ– પ્રાચીન કાળમાં રથવીરપુરનગરના દીપક નામના ઉદ્યાનમાં એકદા શ્રી કૃષ્ણાચાર્ય બિરાજમાન હતા. તે નગરમાં એક શિવભૂતિ નામનો મલ્લ રહેતો હતો. તે સાહસિક અને પરાક્રમી હતો. એકવાર તે નોકરીની પ્રાર્થના લઇ રાજા પાસે ગયો. રાજાએ કહ્યું કે મારી પરીક્ષામાં ઉત્તીર્ણ થઇશ તો તને નોકરીએ રાખીશ.
થોડા સમય પછી રાજાએ તેને બોલાવ્યો અને કહ્યું કે આજે ચૌદશ છે. મધ્યરાત્રે તારે સ્મશાનમાં માતાજીના મંદિરે જવાનું છે. માતાજીને નૈવેધ ધરી પાછા આવવાનું છે. રાજાની આજ્ઞા પ્રમાણે તે રાત્રે મંદિરે ગયો. ત્યાં રાજાના સંકેતાનુસાર અન્ય નોકરો વિવિધ રૂપ લઈ તેને ડરાવવા પ્રયત્ન કરવા લાગ્યા પણ શિવભૂતિ જરા પણ ડર્યો નહીં, તેનું રૂવાડું ય ફરકયું નહીં કે મુખની રેખામાં પણ પરિવર્તન થયું નહીં. આ પરીક્ષામાં ઉત્તીર્ણ થતાં રાજાએ તેને નોકરીમાં રાખી લીધો.
એકવાર રાજાએ પોતાના સેનાપતિને મથુરા ઉપર જીત મેળવવા જવાનો આદેશ આપ્યો. સેના સાથે સેનાપતિએ પ્રસ્થાન કર્યું. સેના સાથે મલ્લ શિવભૂતિ પણ હતો. શિવભૂતિએ સેનાપતિને કહ્યું કે આપણે રાજાસાહેબને પૂછ્યું નહીં, મથુરા કે પાંડુ મથુરા, કઈ મથુરા ઉપર વિજય મેળવવો છે ? રાજાને પૂછવા માટે પાછા ફરવું ઉચિત ન લાગતા, બંને મથુરા ઉપર વિજય મેળવવાનું નિશ્ચિત કર્યું અને શિવભૂતિએ કહ્યું કે દુર્જોય હોય તે મથુરા મને સોંપો. ત્યારે સેનાપતિએ પાંડુમથુરા જીતવાનું કાર્ય શિવભૂતિને સોંપ્યું.
શિવભૂતિએ પાંડુમથુરા સમીપે પહોંચી ત્યાંના કિલ્લાને તોડી નાંખ્યો. તે કિલ્લાની સમીપે રહેતા લોકોને હેરાન કરવા લાગ્યો. તેના ભયથી નગર ખાલી થઇ ગયું અને નગરને જીતી તે રાજા પાસે પહોંચ્યો. રાજાએ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. તેણે આખા નગરમાં મનફાવે ત્યાં જવાની, ફરવાની છૂટ માંગી. રાજાનું ફરમાન થતાં તે આખા નગરમાં ઈચ્છાનુસાર ફરવા લાગ્યો.