________________
ભગીરથ પ્રયાસ જ્યારે દષ્ટિપથમાં આવે છે ત્યારે એવો આભાસ થાય છે કે હિમાલયથી નીકળેલી ગંગોત્રી ગુજરાત તરફ પ્રવાહિત થઈ છે અને આ જ્ઞાનગંગા રાજકોટ સુધી પહોંચીને ત્યાં માનસરોવર રૂપે જળસંચય કરી અમૃત સ્નાન કરાવી રહી છે અને ભગીરથરાજાની જેમ આ ગંગાને રાજકોટ સુધી લાવવા સાક્ષાત દેવી સ્વરૂપા લીલમબાઈ મહાસતીજી તથા નક્ષત્ર રૂપે શોભતા તેમના સતીજીઓની મંગળમાળા સવર્ણા યશભાગી છે. આજે ગુજરાતી ભાષામાં બધાં શાસ્ત્રોનું જે રૂપાંતર થઇ રહ્યું છે, તે સમગ્ર ગુજરાતી પ્રજામાં અને જૈન જગતના જીજ્ઞાસુ જીવોના માનસપટલમાં આગમ સ્વયં પુર્નજન્મ પ્રાપ્ત કરી સજીવ બની જશે અને જ્ઞાનની એક નવી ધારા પ્રસ્તુત થઇને ઉજડ થયેલી આ ભૂમિકાને અને રણપ્રદેશને નવપલ્લવિત આમ્રવાટિકા રૂપે પરિવર્તિત કરી દેશે, તેમાં શંકા નથી. આગમના જ્ઞાનાત્મક પુરુષાર્થને વિષે જ્યારે હૃદયમાં સ્પંદન થાય છે ત્યારે અભિનંદન કે આશીર્વાદના શબ્દો અધૂરા પડે છે. જેથી ગુપ્ત અને પ્રગટ એવા બધાં મંગળમય ભાવોને પ્રગટ કરી હું એટલું જ કહીશ કે આ વિદ્વાન રત્ના સતીઓએ પંચમકાળમાં, આવા વિકટ સમયમાં જે ઉપકાર કર્યો છે અને જે શાસન પ્રભાવના કરી છે, તે શાસ્ત્રનું જ્ઞાનમંદિર હજારો વર્ષો સુધી પોતાની અમર ગાથા બોલતું રહેશે. હજુ આપણે કામના કરીએ કે શાસ્ત્ર સ્પંદનની પૂર્ણાહુતિ પછી પણ જૈન ગ્રંથો અને જૈન સાહિત્યમાં પડેલા જ્ઞાનગૂઢ ઝવેરાતને લેખનીરૂપી કસોટી પર ચઢાવીને ભગવાનના શાસનને વિભૂષિત કરતાં રહે.
વધારે શું કહ્યું? આ જ્ઞાનયજ્ઞમાં મને એક અંજલિ જલપાન કરવાનો જે અવસર મળ્યો છે, તેના યશના ભાગી પણ આ દેવીઓ છે તથા શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન સમગ્ર કાર્યનો જે આધાર છે તેફાઉન્ડેશન હવે ફક્ત ફાઉન્ડેશન ન રહેતાં ગુરુ પ્રાણ મહાલય બને એવી ભાવના સાથે વિરમુ . આનંદ મંગલમ્...
- જયંતમુનિ પેટરબાર.