________________
સ્થાન-૯
૩૦૧
રક્તની ધારા વહેતી વહેતી આચાર્યની પથારી પાસે પહોંચી. એક જ આસન ઉપર સુતેલા આચાર્ય રક્તની ભિનાશથી જાગી ગયા અને જોયું તો, રાજાનું ગળું છેદાયેલું હતું, શિષ્યની અનુપસ્થિતિથી પરિસ્થિતિ પામી ગયા. આચાર્યે વિચાયું જૈન શાસનની નિંદા થશે કે એક આચાર્યે શ્રાવક રાજાને મારી નાંખ્યા. શાસનને નિંદાથી બચાવવા આચાર્યે સંથારાના પ્રત્યાખ્યાન કરી તે જ કાતરથી પોતાનું મૃત્યુ સ્વીકારી લીધું. પ્રાતઃ કાળે નગરમાં વાત ફેલાઈ ગઈ કે રાજા તથા આચાર્યની હત્યા તેના શિષ્યે કરી છે, તે કપટી, વેષધારી સાધુ કોઈ રાજાનો પુત્ર હોવો જોઈએ. સૈનિકોના શોધવા છતાં મળતો નથી. પ્રજાએ રાજા અને આચાર્યના દેહની અંત્યક્રિયા કરી. તે ઉદાયી રાજા આવતી ચોવીસીમાં ‘સુપાર્શ્વ’ નામે ત્રીજા તીર્થંકર થશે. (૪) પોટિલ અણગારનો જીવ ‘સ્વયંપ્રભ’ નામના ચોથા તીર્થંકર થશે. વિસ્તૃત વર્ણન જ્ઞાતાસૂત્રમાં છે. (૫) દઢાયુનો જીવ ‘સર્વાનુભૂતિ' નામના પાંચમા તીર્થંકર થશે. તેનો પરિચય અપ્રાપ્ત છે.
(૬) શંખ :– શ્રાવસ્તી નગરીમાં શંખ શ્રાવક હતા. તેમનું વિસ્તૃત વર્ણન ભગવતી સૂત્ર શતક ૧૨/૧ માં છે. તે મહાવિદેહથી મુક્ત થશે પરંતુ તીર્થંકર થશે નહીં. આવતી ચોવીસીમાં ઉદય નામના સાતમા તીર્થંકર થનાર ‘શંખ’ અજ્ઞાત છે.
ઃ
(૭) શતક :– તેનો પરિચય આગમમાં અનુપલબ્ધ છે. ટીકાકારે શંખ શ્રાવકના સહચારી પુષ્કલી શ્રાવકનું અપરનામ શતક બતાવ્યું છે પણ તેવું કોઈ આગમથી ફલિત થતું નથી. શતક આવતી ચોવીસીમાં શતકીર્તિ નામના દસમા તીર્થંકર થશે.
(૮) સુલસા :– રાજગૃહ નગરમાં પ્રસેનજિત રાજા(શ્રેણિકના પિતા) રાજ્ય કરતા હતા. તેમનો નાગ નામનો સારથી હતો અને તેની પત્નીનું નામ સુલસા હતું. એકવાર દેવસભામાં સુલસાના સમ્યક્ત્વની પ્રશંસા થઈ. તે સાંભળી એક દેવને તેની પરીક્ષા કરવાનું મન થયું અને તે સાધુનો વેશ લઈ સુલસાને ઘેર આવ્યો. તેણે સુલસા પાસે ઔષધિ માટે લક્ષપાક તેલની યાચના કરી. પ્રોદિત ભાવે સુલસાએ લક્ષપાક તેલનું પાત્ર લીધું પણ દેવ માયાથી તે પડીને ફૂટી ગયું. તે જ રીતે બીજું, ત્રીજું પાત્ર પણ ફૂટી ગયું. છતાં પણ સુલસાને ખેદ ન થયો. પ્રસન્ન ચિત્તે તેલ વહોરાવવાના જ ભાવ રાખ્યા. તે જોઈ દેવ પ્રસન્ન થયા. તેણે સુલસાને ૩૨ ગુટિકા આપી અને કહ્યું કે પ્રત્યેક ગુટિકાના સેવનથી એક એક પુત્રની પ્રાપ્તિ થશે. સુલસાએ ૩૨ લક્ષણયુક્ત એક જ પુત્ર થાય તેવા ભાવથી ૩ર ગુટિકા એક સાથે લઈ લીધી અને તે ૩૨ પુત્રની માતા બની. દૃઢ શ્રદ્ધાશીલ સુલસા આગામી ચોવીસીમાં ‘નિર્મમ’ નામના સોળમા તીર્થંકર થશે.
(૯) રેવતી :– એકવાર ભગવાન મહાવીર “મઢિકગ્રામ' નામના નગરમાં વિચરતા હતા. ત્યાં તેમને પિતજ્વરના કારણે અતિસાર લોહીવા-મરડાનો રોગ થયો. લોકોમાં વાયકા ફેલાઈ ગઈ કે ગોશાલાએ મૂકેલી તેજોલેશ્યાના કારણે ભગવાનને મરડો થયો છે અને છ મહિનામાં કાળધર્મ પામી જશે. ભગવાનના શિષ્ય સિંહમુનિએ આ વાત સાંભળી ત્યારે તેઓ ભગવાન પ્રત્યેના સ્નેહના કારણે રૂદન કરવા લાગ્યા. ભગવાને સિંહ મુનિને પાસે બોલાવી કહ્યું– સિંહમુનિ ! તમે જે વિચારો છો તે યથાર્થ નથી. હું આજથી સાડાપંદર વર્ષ પર્યંત કેવળી પર્યાયમાં વિચરવાનો છું, તમે નગરમાં જાઓ ત્યાં રેવતી શ્રાવિકા રહે છે.