________________
૩૦૦]
શ્રી ઠાણાગ સત્ર-૨
તીર્થકર નામકર્મ બાંધનારા જીવોઃ५२ समणस्स णं भगवओ महावीरस्स तित्थंसि णवहिं जीवहिं तित्थयरणामगोत्ते कम्मे णिव्वत्तिए, तं जहा- सेणिएणं, सुपासेणं, उदाइणा, पोट्टिलेणं अणगारेणं, दढाउणा, संखेणं, सतएणं, सुलसाए सावियाए, रेवईए ।
ભાવાર્થ:- શ્રમણ ભગવાન મહાવીરના તીર્થમાં નવ જીવોએ તીર્થકર નામ ગોત્ર કર્મ અર્જિત કર્યું છે, તે આ પ્રમાણે છે– (૧) શ્રેણિક, (૨) સુપાર્શ્વ, (૩) ઉદાયી, (૪) પોટ્ટિલ અણગાર, (૫) દઢાયુ, (૬) શંખ શ્રાવક, (૭) શતક શ્રાવક, (૮) સુલસા શ્રાવિકા, (૯) રેવતી શ્રાવિકા.
વિવેચન :
ભગવાન મહાવીર સ્વામીના તીર્થમાં, ભગવાનની ઉપસ્થિતિમાં નવ જીવોએ તીર્થકર નામકર્મનો બંધ કર્યો છે, તેઓનો પરિચય આ પ્રમાણે છે
(૧) શ્રેણિક - તેઓ મગધ દેશના રાજા હતા. તેઓનું વિસ્તૃત વર્ણન નિરયાવલિકા સૂત્રમાં છે. તે આગામી ચોવીસીમાં, આવતી ઉત્સર્પિણી કાળના ત્રીજા આરામાં પદ્મનાભ(મહાપા) નામના પ્રથમ તીર્થકર થશે.
(૨) સુપાર્શ્વ - તેઓ ભગવાન મહાવીરના કાકા હતા. તેઓ આવતી ચોવીસીમાં ‘સૂર’ નામે બીજા તીર્થકર થશે.
(૩) ઉદાયી :- તે શ્રેણિકના પ્રપૌત્ર અને કોણિકના પુત્ર હતા. પિતાના મૃત્યુ બાદ તેઓએ પાટલી પુત્ર નગર વસાવ્યું અને ત્યાં જ રહેતા હતા. જૈનધર્મ પ્રતિ તેઓને પરમ આસ્થા હતી. પર્વતિથિઓમાં પૌષધ કરીને ધર્મ આરાધના કરતા હતા. એક શત્રુરાજાના પુત્રે ઉદાયી રાજાને મારી નાખવા ષડયંત્ર રચ્યું. તે પાટલીપુત્ર આવી રાજાના સેવક તરીકે રહી છિદ્ર શોધવા લાગ્યો. તે એક પણ છિદ્ર શોધી ન શક્યો. તે સમય દરમ્યાન તેણે જોયું કે આ રાજ્યમાં જૈન સાધુઓ કોઈ પણ જાતની પૂછપરછ વિના રાજમહેલમાં આવાગમન કરી શકે છે. રાજકુળમાં પ્રવેશ કરવાની લાલસા તથા રાજા ઉદાયીને મારી નાખવાનો ઉપાય મેળવવા તેણે જૈન આચાર્ય પાસે દીક્ષા લીધી. મનમાં કપટ તથા વૈરભાવ રાખીને તે સાધ્વાચારનું પૂર્ણ રીતે પાલન કરવા લાગ્યો અને વિનય દ્વારા આચાર્યના દિલ જીતી લીધું. મહારાજ ઉદાયી પ્રત્યેક આઠમચૌદસના પૌષધ કરીને આચાર્ય પાસે ધર્મકથા સાંભળતા હતા. એકદા રાજાએ પૌષધ કર્યો. રાત્રે ધર્મ જાગરણ કરી, રાજા અને આચાર્ય બંને નિદ્રાધીન થયા. કપટી સાધુએ ધારદાર કાતર પોતાની પાસે છૂપાવીને રાખી હતી. યોગ્ય અવસર જોઈને તેને રાજાના ગળામાં ખોસી દીધી. રાજાનું કોમળ ગળુ છેદાઈ ગયું અને લોહી વહેવા લાગ્યું. તે પાપી શ્રમણ ત્યાંથી બહાર નીકળી ગયો. સાધુ હોવાથી પહેરગીરોએ તેને રોક્યો
નહીં.