________________
સ્થાન - ૭
[ ૨૧૧ ]
તિષ્યગુપ્ત ક્રોધિત થઈ બોલ્યા- “તેં મારું અપમાન કર્યું છે.” મિત્રશ્રી એ કહ્યું- “મેં આપનું અપમાન કર્યું નથી પરંતુ આપની માન્યતા અનુસાર જ આપને ભિક્ષા આપી છે. આપ વસ્તુના અંતિમ પ્રદેશને જ વસ્તુ માનો છો બીજા પ્રદેશોને નહીં. તેથી મેં પ્રત્યેક પદાર્થના અંતિમ અંશ આપને આપ્યા છે.” તિષ્યગુપ્ત સમજી ગયા. તેઓએ કહ્યું- “આર્ય! આ વિષયમાં હું આપનું અનુશાસન ઇચ્છું છું.” મિત્રશ્રીએ તેમને સમજાવીને, ફરી યથાવિધિ ભિક્ષા આપી. આ ઘટનાથી તિષ્યગુપ્ત પોતાની ભૂલ સમજી ગયા અને ભગવાનના શાસનમાં સમ્મિલિત થયા. (૩) અવ્યક્તિક નિહવઃ- ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૨૧૪ વર્ષે શ્વેતાંબિકા નગરીમાં અવ્યક્તવાદની ઉત્પત્તિ થઈ. તેના પ્રવર્તક અષાઢાચાર્યના શિષ્ય હતા.
આ વ્યક્તિ સયત છે કે નહીં તેને કેમ જાણી શકાય? આ રીતે બધું અવ્યક્ત છે માટે કોઈને વંદનાદિ કરાય નહીં. સંયતાદિના પરિજ્ઞાનના વિષયમાં સંદિગ્ધ માન્યતાવાળાને અવ્યક્તિક કહે છે.
શ્વેતાંબિકા નગરીમાં અષાઢાચાર્ય પોતાના શિષ્યોને યોગાભ્યાસ કરાવતા હતા. એકવાર તેમને હૃદય ફૂલની પીડા થઈ. તે રોગમાં જ તેમનું મૃત્યુ થયું. મરીને સૌધર્મ સ્વર્ગમાં ઉત્પન્ન થયા. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકયો તેમાં પોતાના મૃત શરીરને અને યોગાભ્યાસમાં લીન શિષ્યોને જોયા. યોગાભ્યાસની તલ્લીનતાના કારણે શિષ્યો આચાર્યના મૃત્યુને જાણી શક્યા નહીં. તેઓનો યોગાભ્યાસ પૂર્ણ કરાવવા દેવરૂપ આચાર્ય અષાઢે પોતાના મૃત શરીરમાં પ્રવેશ કરી પોતાના શિષ્યો ને કહ્યું “વૈરાત્રિક કરો.” શિષ્યોએ તેઓને વંદન કરી તેમ કર્યું. જ્યારે તેઓની યોગ સાધના પૂર્ણ થઈ, ત્યારે પ્રગટ થઈને કહ્યું– “શ્રમણો! મને ક્ષમા કરો” હું અસંયતિ હોવા છતાં આપ સયતોને વંદન કરાવ્યા છે. આમ કહી પોતાના મૃત્યુ પછીનો સર્વ વૃત્તાંત કહ્યો, અને પછી પોતાના સ્થાને ગયા.
દેવના ગયા પછી શ્રમણોના મનમાં સંદેહ થયો. કોણ જાણે કે કોણ સાધુ છે અને કોણ દેવ છે? નિશ્ચયપૂર્વક કંઈ જાણી શકાતું નથી, બધી વસ્તુ અવ્યક્ત છે. આ રીતે તેઓનું મન સંદેહવાળું થયું અને પરસ્પર વંદન કરવાનું બંધ કર્યું. સ્થવિરોએ તેમને સમજાવ્યા પરંતુ સમજ્યા નહીં ત્યારે તેઓને સંઘ બહાર મૂક્યા.
અવ્યક્તવાદને માનનારાઓનું કહેવું છે કે કોઈ પણ વસ્તુના વિષયમાં નિશ્ચયપૂર્વક કંઈ પણ કહી શકાતું નથી કારણ કે બધુ અવ્યક્ત છે.
આ અવ્યક્ત મને માનનાર સાધુ સમુદાય એકદા રાજગૃહ નગરમાં પધાર્યો. ત્યાં શ્રમણોપાસક શ્રી બલભદ્ર રાજાએ તે સાધુઓને પકડાવી કોરડા મારવાનો આદેશ આપ્યો. ત્યારે સાધુઓએ કહ્યું, તમે શ્રાવક થઈ અમોને - સાધુઓને કોરડા મરાવશો? ત્યારે રાજાએ કહ્યું તમે ચોર છો કે ગુપ્તચર છો કે સાધુ છો, તે કેમ જાણી શકાય? બધુ અવ્યક્ત છે. આ ઘટનાથી પોતાની માન્યતા ભ્રાંત છે તેવું સમજાઈ જતાં, તે માન્યતાને છોડી પરસ્પર વંદનાદિ વ્યવહાર કરવા લાગ્યા અને સંઘમાં સમ્મિલિત થઈ ગયા.
અવ્યક્તવાદનું પ્રવર્તન અષાઢાચાર્યું કર્યું નથી તેના પ્રવર્તક તેમના શિષ્યો હતા. પરંતુ આ મત પ્રવર્તનમાં અષાઢાચાર્યનું દેવરૂપ નિમિત્ત બન્યું તેથી તેઓ આ મતના પ્રવર્તક તરીકે પ્રસિદ્ધ થયા છે.