________________
| ૧૦ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જૈનદર્શન માન્ય ગતિ આદિ ચાર પારિભાષિક શબ્દોનું કથન છે. (૧) ગતિજીવનું વર્તમાન ભવને છોડીને આગામી ભવમાં જવું તે ગતિ. (૨) આગતિ- પૂર્વભવને છોડીને વર્તમાન ભવમાં આવવું તે આગતિ. (૩) ચ્યવન- વૈમાનિક, જ્યોતિષ્ક દેવના મરણને 'ચ્યવન' કહે છે. (૪) ઉપપાત- દેવ તથા નારકીઓના જન્મને ઉપપાત જન્મ કહે છે.
ગતિ-આગતિ, ચ્યવન-ઉપપાત વગેરેમાં એક જીવની અપેક્ષાએ એક કાળમાં નરકગતિ વગેરે એક જ હોય છે. તેથી તેને એક કહી છે અથવા અનેક જીવોની ગતિ–આગતિ વગેરેમાં ગતિત્વ વગેરે સમાન છે, તેથી ગતિત્વ વગેરે સામાન્યની અપેક્ષાએ ગત્યાદિને એક કહ્યા છે.
મતિજ્ઞાનના પર્યાયરૂપ તર્ક વગેરેનું એકત્વ :૨૩ પI તા પ લ ા પ મ ણ I થા વિધૂ I ભાવાર્થ :- તર્ક એક છે. સંજ્ઞા એક છે. મતિ એક છે. વિજ્ઞાતા એક છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મતિજ્ઞાનના ચાર ભેદોનું નિરૂપણ છે. દાર્શનિક દષ્ટિએ સાંવ્યાવહારિક પ્રત્યક્ષરૂપ મતિજ્ઞાનના અને આગમિક દૃષ્ટિએ પરોક્ષજ્ઞાનરૂપ મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા આ ચાર ભેદ કર્યા છે. સામાન્ય સ્વરૂપને ગ્રહણ કરવું તે અવગ્રહ. અવગ્રહથી ગૃહીત વસ્તુના વિશેષ ધર્મોને જાણવાની ઈચ્છા તે ઈહા'. ઈહિત વસ્તુના નિર્ણયને અવાય' કહેવાય છે અને કાલાંતરમાં તેને ન ભૂલવું તે ધારણા' છે. તર્ક - ઈહાના ઉત્તરવર્તી અને અવાયના પૂર્વવર્તી ઉહાપોહ અથવા વિચાર-વિમર્શને તર્ક કહે છે. ન્યાયશાસ્ત્રમાં વ્યાપ્તિ એટલે અવિનાભાવ સંબંધના જ્ઞાનને તર્ક કહેવામાં આવે છે.
સંજ્ઞા - સંજ્ઞા શબ્દના અનેક અર્થો છે, યથા– મતિ, અર્થાવગ્રહ, અનુભૂતિ, પ્રત્યભિજ્ઞાન. નંદીસૂત્રમાં મતિજ્ઞાનનું એક નામ સંજ્ઞા આપવામાં આવ્યું છે. ઉમાસ્વાતિએ મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા, આભિનિબોધ, આ બધાને પર્યાયવાચી–એકાર્થક કહી સંજ્ઞાનો અર્થ મતિ કર્યો છે. મલયગિરિ તથા અભયદેવસૂરિએ વ્યંજનાવગ્રહ પછી ઉત્તરકાલમાં થનારી મતિ વિશેષને અર્થાતુ અર્થાવગ્રહને સંજ્ઞા કહી છે. અભયદેવસૂરિએ સંજ્ઞાનો બીજો અર્થ અનુભૂતિ કર્યો છે. સ્મૃતિ પછી 'આ તે જ છે' એવું જે જ્ઞાન થાય છે તે પ્રત્યભિજ્ઞાન છે અને તે જ મતિ છે અથવા આહાર, ભય વગેરે દસ પ્રકારની સંજ્ઞા બતાવી છે. દેવદત્ત વગેરે વિશેષ નામને પણ સંજ્ઞા કહેવામાં આવે છે.
મતિ :- અર્થનો નિર્ણય થઈ ગયા પછી તેના સૂક્ષ્મ ધર્મોના પર્યાલોચન રૂપ જે બુદ્ધિ છે તેને મતિ કહે છે.