________________
૩૮૪
શ્રી ઠાણાગ સૂત્ર-૧
વિરતિના ઘાતક કષાયને પ્રત્યાખ્યાનાવરણ અને વીતરાગતાના ઘાતક કષાયને સંજ્વલન કહે છે. ચાર કષાયના ચાર–ચાર પ્રકાર છે. આ સોળ પ્રકારના કષાયને સોળ દષ્ટાંત દ્વારા સમજાવવામાં આવ્યા છે.
૧. ક્રોધઃ- ક્રોધને રાજિ = રેખા, લીંટી, તિરાડ, ચીરો, ફાટના દષ્ટાંતે સમજાવ્યો છે. (૧) પર્વતમાં થયેલા તિરાડ ક્યારે ય નષ્ટ થતી નથી, તેમ અનંતાનુબંધી ક્રોધ શાંત થતો નથી. તેની સ્થિતિ માવજીવનની છે. (૨) પાણી સુકાતાં જમીનમાં પડેલી તિરાડ બીજે વર્ષે વરસાદ આવે ત્યારે નષ્ટ થઈ જાય, તેમ અપ્રત્યાખ્યાની ક્રોધ એક વર્ષે શાંત થાય છે. (૩) રેતી પર દોરેલી રેખા વાયુનો ઝપાટો આવે કે લોકો ચાલે ત્યારે નષ્ટ થઈ જાય, તેમ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ કંઈક સમય વ્યતીત થતાં શાંત થાય છે. (૪) પાણીમાં લીંટી દોરી હોય તો વિના પ્રયત્ન નષ્ટ થઈ જાય, તેમ સંજ્વલન ક્રોધ તરત જ શાંત થઈ જાય છે.
૨. માન :- માનને સ્તંભના દષ્ટાંતે સમજાવ્યો છે. (૧) પત્થરનો સ્તંભ- થાંભલો વળે નહીં તેમ અનંતાનુબંધી માન કોઈપણ પરિસ્થિતિમાં નમે નહીં. (૨) અસ્થિતંભ–હાડકાના સ્તંભને ઘણા પ્રયત્ન પછી વાળી શકાય છે, તેમ અપ્રત્યાખ્યાની માન ઘણા પ્રયત્ન વિનમ્ર બને છે. (૩) લાકડાના સ્તંભને અલ્પ પ્રયાસે વાળી શકાય, તેમ પ્રત્યાખ્યાનાવરણ માનને અલ્પ પ્રયાસે વિનમ્ર બનાવી શકાય.(૪) તિનિશિલતા = નેતર, નેતરની સોટી(ખંભ)ને સહેજે વાળી શકાય, તેમ સંજ્વલન માન સહેજે દૂર થઈ
જાય છે.
૩. માયા:- માયાને કેતન = વક્ર વસ્તુના દષ્ટાંતે સમજાવવામાં આવી છે. (૧) વાંસના મૂળ અતિવક્ર હોય છે. તેમાં સરળતા હોતી નથી, તેમ અનંતાનુબંધી માયા અતિ કૂડ-કપટ યુક્ત હોય છે.(૨) ઘેંટાના શિંગડા વક્ર હોય છે. ઘણા પ્રયત્ન તે વક્રતા ત્યાગે, તેમ અપ્રત્યાખ્યાની માયા પોતાની વક્રતા ઘણા પ્રયત્ન છોડે છે. (૩) ગોકુત્રિકા-ગાયનું મૂત્ર વળાંકવાળું હોય છે. તે અલ્પ પ્રયત્ન વક્રતા ત્યાગે છે, તેમ પ્રત્યાખ્યાનાવરણ માયા અલ્પ પ્રયાસે દૂર થઈ જાય છે. (૪) છોઈ(છોલ)-કાષ્ઠ વગેરે છોલવાથી જે છોલ નીકળે તે વક્રતાવાળા હોય છે. તે તરત જ સીધા થઈ જાય છે તેમજ સંજ્વલન માયા સહેજે દૂર થઈ જાય છે.
લોભ :- લોભને રંગાયેલા વસ્ત્રના દષ્ટાંતે સમજાવવામાં આવ્યો છે. (૧) કિરમજી-મજીઠિયા રંગથી રંગેલું વસ્ત્ર ફાટે પણ રંગ ન છોડે, તેમ અનંતાનુબંધી લોભ મૃત્યુ પર્યત અનુબંધ છોડતો નથી. (૨) કર્દમ = કાદવ. તેનો જે રસ તે કર્દમરાગ કહેવાય. વસ્ત્ર પર કાદવ લાગ્યો હોય તો ઘણા પ્રયત્ન તે સાફ થાય, તેમ અપ્રત્યાખ્યાની લોભ ઘણા સમયે દૂર થાય. (૩) ખંજન = કાજળ. કાજળથી રંગાયેલ વસ્ત્ર અલ્પ પ્રયાસે સ્વચ્છ થાય, તેમ પ્રત્યાખ્યાનાવરણ લોભ શીઘ દૂર થાય છે. (૪) હળદરના રંગથી રંગાયેલ વસ્ત્ર તાપ લાગતાં જ સ્વચ્છ થઈ જાય, તેમ સંજ્વલન લોભ અલ્પતમ પ્રયાસે દૂર થાય.
અનંતાનુબંધી ચારે કષાયની સ્થિતિ માવજીવનની છે અને તેનું ફળ નરકગતિ છે. અપ્રત્યાખ્યાની કષાયની સ્થિતિ એક વરસની છે અને તેનું ફળ તિર્યંચગતિ છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયની સ્થિતિ પંદર દિવસની છે અને તેનું ફળ મનુષ્યગતિ છે. સંજ્વલન કષાયની સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને તેનું ફળ દેવગતિ છે.