________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
ભાવાર્થ :- શુકલ ધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે, તે આ પ્રમાણે છે– (૧) સંસાર પરિભ્રમણની અનંતતાનો વિચાર કરવો. (૨) વસ્તુના વિવિધ પરિણમનનો અને પલટાતી અવસ્થાઓનો વિચાર કરવો. (૩) સંસાર, દેહ અને ભોગોની અશુભતાનો વિચાર કરવો. (૪) રાગદ્વેષથી થતાં દોષોનો વિચાર કરવો.
વિવેચન :
૩૧૪
પ્રસ્તુત સૂત્રોમાં વિવિધ પ્રકારે સોળ બોલ દ્વારા શુક્લધ્યાનનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જ્યારે કોઈ ઉત્તમ સંહનનના ધારક, સપ્તમ ગુણસ્થાનવર્તી, અપ્રમત સંયત, મોહનીય કર્મનું ઉપશમન અથવા ક્ષપણ કરવા ઉદ્યત થાય છે અને પ્રતિસમય અનંતગુણી વિશુદ્ધિથી પ્રવર્ધમાન પરિણામવાળા થાય ત્યારે તે અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. ત્યાં પ્રથમ શુક્લધ્યાનનો પ્રારંભ થાય છે. (૧) પૃથક્ત્વ વિતર્ક સવિચાર શુક્લધ્યાન ઃ– વિતર્ક = ભાવશ્રુતના આધારે દ્રવ્ય, ગુણ અને પર્યાયનું ચિંતન કરવું. વિચાર = અર્થ, વ્યંજન અને યોગનું પરિવર્તન.
=
ધ્યાનસ્થ સાધુ કોઈ એક દ્રવ્યનું ચિંતન કરતાં કરતાં કોઈ એક ગુણનું ચિંતન કરે અને તે ચિંતન કરતાં કરતાં જ તેની કોઈ એક પર્યાયનું ચિંતન કરવા લાગે; આ રીતે તેના પૃથક્ પૃથક્ ચિંતનને 'પૃથવિતર્ક' કહે છે. તે સંયતિ સાધક જ્યારે શબ્દથી અર્થમાં અને અર્થથી શબ્દના ચિંતનમાં સંક્રમણ કરે અને મનોયોગથી વચનયોગનું, વચનયોગથી કાયયોગનું આલંબન લે છે ત્યારે તે ધ્યાન 'સવિચાર' કહેવાય છે. આ રીતે વિતર્ક અને વિચારના પરિવર્તન અને સંક્રમણની વિભિન્નતાના કારણે આ ધ્યાનને પૃથ વિતર્ક સવિચાર કહે છે. તેના સ્વામી આઠમા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાનવર્તી સંયત છે. આ ધ્યાન દ્વારા ઉપશમ શ્રેણી ઉપર આરૂઢ સંયત દશમા ગુણસ્થાને જઈ મોહનીય કર્મના શેષ રહેલા સૂક્ષ્મ લોભનું ઉપશમન કરે છે અને અગિયારમા ઉપશાંત મોહ ગુણસ્થાને જાય છે; ક્ષપક શ્રેણી ઉપર આરૂઢ સંયત દશમા ગુણસ્થાને અવશિષ્ટ સૂક્ષ્મલોભનો ક્ષય કરી બારમા ગુણસ્થાને જાય છે.
(૨) એકત્વ વિતર્ક અવિચાર શુક્લધ્યાનઃ– બારમા ગુણસ્થાનવર્તી ક્ષીણમોહ ક્ષપક–સાધકની મનોવૃત્તિ એટલી સ્થિર થઈ જાય છે કે દ્રવ્ય, ગુણ પર્યાયના ચિંતનમાં પરિવર્તન થતું નથી કે અર્થ, વ્યંજન અને યોગોનું સંક્રમણ પણ થતું નથી. પરંતુ તે દ્રવ્ય ગુણ અને પર્યાયમાંથી કોઈ પણ એકના ગંભીર અને સૂક્ષ્મ ચિંતનમાં સંલગ્ન રહે છે. તેનું ચિંતન કોઈ એક અર્થ, શબ્દ અથવા એક યોગના આલંબને થતું હોય છે ત્યારે તે એકાગ્રતાની ચરમ સીમાએ પહોંચી જાય છે અને શુક્લધ્યાનના બીજા પાયાની પ્રજ્વલિત અગ્નિમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મની સર્વ પ્રકૃતિઓને ભસ્મ કરી અનંત જ્ઞાન, દર્શનના ધારક સયોગી જિન બની તેરમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે.
(૩) સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ શુક્લધ્યાન ઃ- તેરમા ગુણસ્થાનવર્તી સયોગી જિનનું આયુષ્ય જ્યારે અંતર્મુહૂર્ત શેષ રહે ત્યારે તે સયોગી જિન બાદર તથા સૂક્ષ્મ સર્વ મનોયોગ અને વચનયોગનો નિરોધ કરી, સૂક્ષ્મકાય યોગનું આલંબન લઈ, સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ ધ્યાન ધરે છે. આ સમયે શ્વાસોચ્છ્વાસ જેવી સૂક્ષ્મ ક્રિયા શેષ રહે છે અને સાધક આ અવસ્થાથી પાછા ફરતા નથી તેથી તેને સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ કહેવાય છે.