________________
| ૨૯૪ |
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
૨. ઐશ્વર્યથી ઉન્નત, મનથી પ્રણત પુરુષ ૩. ઐશ્વર્યથી પ્રણત, મનથી ઉન્નત પુરુષ ૪. ઐશ્વર્યથી પ્રણત, મનથી પ્રણત પુરુષ.
આ જ રીતે સંકલ્પ, પ્રજ્ઞા, દષ્ટિ, શીલાચાર, વ્યવહાર અને પરાક્રમ આશ્રી ચાર–ચાર પ્રકારના પુરુષ છે, તેમ જાણવુ અહીં સંકલ્પ વગેરે દ્વારા ચાર–ચાર ભંગ પુરુષની અપેક્ષાએ જ કહ્યા છે પરંતુ વૃક્ષની અપેક્ષાએ કહ્યા નથી.]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વૃક્ષના ઉદાહરણ દ્વારા મનુષ્યની ઉચ્ચતા–નીમ્નતા, પરિણતિ, રૂપ વગરેનું નિરૂપણ છે. ઉન્નતનો અર્થ છે ઉચ્ચ-ઊંચાઈને પ્રાપ્ત, શ્રેષ્ઠ. પ્રણતનો અર્થ છે, નિમ્નતાને પ્રાપ્ત, હીન. આ ઉચ્ચતા અને નિમ્નતા માપવાના અનેક માપદંડ થઇ શકે છે. જાતિ, કુળ, રૂપ, બળ, ઐશ્વર્ય, ઊંચાઈ, ગુણ, જ્ઞાન વગેરે માપદંડોથી વ્યક્તિની શ્રેષ્ઠતા, નિમ્નતા માપી શકાય છે. વૃત્તિકારે આ સૂત્રનો અનુવાદ કરતાં ઉદાહરણ રૂપે શરીર અને ગુણના આધારે ઉન્નતતા અને પ્રણતતા પ્રગટ કરી છે.
સંભવિત બધા જ માપદંડથી પ્રસ્તુત સૂત્રની વ્યાખ્યા કરી શકાય. જેમ કે ઐશ્વર્યથી ઉન્નત જ્ઞાનથી ઉન્નત, ઐશ્વર્યથી ઉન્નત જ્ઞાનથી પ્રણત, ઐશ્વર્યથી પ્રણત જ્ઞાનથી ઉન્નત, ઐશ્વર્યથી પ્રણત જ્ઞાનથી પ્રણત.
આ ભવ–પરભવની અપેક્ષાએ પણ ઉન્નત-પ્રણતના ચાર ભંગ કહી શકાય. જેમ કે બ્રહ્મદત્ત ચક્રવર્તી, ચક્રવર્તીની સમૃદ્ધિ ભોગવી તીવ્ર દ્વેષ, કષાયના કારણે સાતમી નરકમાં ગયા. આ ભવમાં ઐશ્વર્યથી ઉન્નત પણ પછી ગુણથી પ્રણત બની નરકને પામ્યા.
હરિકેશ મુનિ જન્મે ચાંડાળકુળમાં ઉત્પન્ન થયા. વિરૂપ, કુરૂપના કારણે પહેલાં પ્રણત હતા, છતાં પણ મુનિ સમાગમ ધર્મ પામી, સંયમ અને તપના કારણે વિશ્વવંદ્ય બન્યા. આ રીતે પાછળથી ઉન્નતતાને પામ્યા.
કાલસૌરિક કસાઈ રોજ પાંચસો પાડાનો વધ કરતો હતો. જન્મથી, કાર્યથી આ ભવમાં પ્રણત હતો અને મરીને સાતમી નરકમાં ગયો ત્યાં પણ પ્રણત થયો.
મહાશતક શ્રાવકની પત્ની રેવતી ધનાઢય, ઐશ્વર્ય સંપન્ન, કુળસંપન્ન. તેથી પહેલા ઉન્નત હતી. છતાં પણ પછી બાર શોક્ય પ્રતિ દ્વેષ થતાં તેઓને વિષથી મારી નાંખી, માંસ, મદીરામાં મત્ત બની, પહેલી નરકમાં ગઈ. ત્યાં તે પ્રણત થઈ.
આ સૂત્રોમાં (૧) ઉન્નત-પ્રણત (૨) ઉન્નત–ઉન્નત પરિણત (૩) ઉન્નત–ઉન્નત રૂપની ત્રણ ચૌભંગીમાં વૃક્ષના ઉદાહરણથી મનુષ્યનું કથન છે. તે પછી વૃક્ષના ઉદાહરણ વિના પુરુષની સાત ચૌભંગીઓ છે. તેમાં મન, સંકલ્પ, પ્રજ્ઞા, દષ્ટિ આ ચારમાં બોધાત્મક દષ્ટિકોણથી તથા શીલ, વ્યવહાર, પરાક્રમ આ ત્રણમાં ક્રિયાત્મક દૃષ્ટિકોણથી પુરુષની વિવિધ અવસ્થાઓનું પ્રતિપાદન છે.