________________
[ ૨૧દ |
શ્રી ઠાણાગ સૂત્ર-૧
દોષનું સેવન કરવું તે એક પ્રકારે અસત્ય આચરણ છે. આ રીતે ત્રણવાર દોષ સેવન કરી ત્રણવાર પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે તે ત્રણવાર અસત્ય સેવન કર્યું કહેવાય. સૂત્રમાં ત્રણવારના અસત્ય આચરણનું પ્રાયશ્ચિત્ત વિધાન છે અને ત્યારપછી ચોથીવાર તે જ દોષ સેવન કરનાર સાધુને વિસાંભોગિક–સંબંધ વિચ્છેદ કરવાનું વિધાન છે. (૨) પોતાના દોષસેવનનો અસ્વીકાર કરતા તે શ્રમણ ત્રણવાર અસત્ય ભાષણ કરે તો તેનું પ્રાયશ્ચિત્ત અપાય. ત્યારપછી ચોથીવાર અસત્ય ભાષણ કરવા પર તેની સાથે સંબંધ વિચ્છેદ થાય છે.
ત્રણ પદવીધરોની અનુજ્ઞાદિ :१४ तिविहा अणुण्णा पण्णत्ता,तं जहा- आयरियत्ताए, उवज्झायत्ताए, गणित्ताए।
तिविहा समणुण्णा पण्णत्ता, त जहा-आयरियत्ताए, उवज्झायत्ताए, गणित्ताएएवं उवसंपया एवं विजहणा । ભાવાર્થ :- અનુજ્ઞા ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) આચાર્યત્વની (૨) ઉપાધ્યાયત્વની (૩) ગણિત્વની.
સમનુજ્ઞા ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) આચાર્યત્વની (૨) ઉપાધ્યાયત્વની (૩) ગણિત્વની. તે જ રીતે ઉપસંપદા અને પરિત્યાગના ત્રણ-ત્રણ પ્રકાર છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આચાર્ય આદિને પોતાના આચાર્યાદિ રૂપે સ્વીકાર કરવા અને ત્યાગ કરવા સંબંધી વર્ણન છે. ત્રીજા સ્થાનના કારણે અહીં ત્રણ પદવીનું કથન છે. વ્યવહાર સૂત્રમાં સાધુ માટે બે વ્યક્તિનું નેતૃત્વ અને સાધ્વી માટે ત્રણનું નેતૃત્વ કહ્યું છે– (૧) આચાર્ય (૨) ઉપાધ્યાય (૩) પ્રવર્તિની. આચાર્ય -જે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર; આ પાંચ પ્રકારના આચારનું સ્વયં આચરણ કરે તથા પોતાના અધીનસ્થ સાધુઓ પાસે તેનું આચરણ કરાવે, જે આગમ સૂત્રાર્થના જ્ઞાતા અને ગચ્છના મેઢીભૂત હોય, દીક્ષા અને શિક્ષા આપવાનો જેનો અધિકાર હોય તથા શિષ્યોને શાસ્ત્રોના અર્થ પરમાર્થની વાચના આપે તે સંઘના નાયક શ્રમણ આચાર્ય કહેવાય છે. ઉપાધ્યાય – આચાર્યની સમાન ગુણોના ધારક, શિષ્યોને આગમ–સૂત્રની વાચના આપે, તેના અર્થ શીખવે, તેવા વિદ્યાગુરુ સાધુને ઉપાધ્યાય કહે છે. આ બંને પદ પ્રતિષ્ઠિત કરવાથી પ્રાપ્ત થાય છે. ગણિ - ગણના-સમાન સમાચારીવાળા સાધુ સમૂહના નાયકને ગણિ કહે છે અર્થાત્ આચાર્ય, ઉપાધ્યાયના અભાવમાં જે ગણના નાયક હોય, તે ગણિ કહેવાય છે.
આચાર્ય ઉપાધ્યાયના મુખ્ય અને આવશ્યક ગુણોનું તથા દીક્ષાપર્યાયનું વર્ણન વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૩માં છે. આચાર્યની આઠ સંપદા વગેરેનું વર્ણન દશાશ્રુતસ્કંધ સૂત્રમાં છે.