________________
[ ૨૮s ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
આઠમું અધ્યયન
આ અધ્યયનનું નામ "વીર્ય" છે.
વીર્ય શબ્દ શક્તિ, સામર્થ્ય, પરાક્રમ, તેજ, દીપ્તિ, અંતરંગશક્તિ, આત્મબળ, શરીરમાં રહેલી એક ધાતુ શુક્ર આદિ અર્થોમાં પ્રયુક્ત થાય છે.
નિર્યુક્તિકાર શક્તિ અર્થમાં દ્રવ્યવીર્યના મુખ્ય બે પ્રકારો બતાવ્યા છે. સચિત્ત દ્રવ્યવીર્ય અને અચિત્ત દ્રવ્યવીર્ય. ક્ષેત્રવીર્ય, કાલવીર્ય અને ભાવવીર્ય તેવા પ્રકાર પણ બતાવ્યા છે.
આ અધ્યયનમાં ભાવવીર્યનું નિરૂપણ છે. વીર્યશક્તિ યુક્ત જીવની વિવિધ વીર્ય સંબંધી લબ્ધિઓ ભાવવીર્ય છે. તે મુખ્યરૂપે પાંચ પ્રકારે છે. (૧) મનોવીર્ય (૨) વાગ્વીર્ય (૩) કાયવીર્ય (૪) ઈન્દ્રિયવીર્ય (૫) આધ્યાત્મિક વીર્ય. જીવ પોતાની યોગશક્તિ દ્વારા મનોયોગ્ય પુદ્ગલોને મનના રૂપમાં અને શ્વાસોચ્છવાસ યોગ્ય પગલોને શ્વાસોચ્છવાસના રૂપમાં પરિણત કરે છે ત્યારે તે મનોવીર્ય, વાગ્વીર્ય, કાયવીર્ય તથા ઈન્દ્રિયવીર્ય કહેવાય છે. આ ચારેય વીર્ય સંભવવીર્ય અને સંભાવ્યવીર્યના રૂપે બે-બે પ્રકારના છે.
આધ્યાત્મિકવીર્ય આત્માની આંતરિક શક્તિથી ઉત્પન્ન સાત્ત્વિકબળ છે. આધ્યાત્મિકવીર્ય અનેક પ્રકારનું હોય છે. "વીર્યપ્રવાદ" નામના પૂર્વમાં તેના અગણિત પ્રકાર બતાવવામાં આવ્યા છે. નિર્યુક્તિકારે આધ્યાત્મિક વીર્યના મુખ્યતયા દસ પ્રકારો બતાવ્યા છે. (૧) ઉધમ–જ્ઞાનોપાર્જન, તપશ્ચરણ આદિમાં આંતરિક ઉત્સાહ (૨) ધૃતિ- સંયમ અને ચિત્તમાં સ્થિરતા–ધૈર્ય (૩) વીરત્વ- પરીષહો અને ઉપસર્ગોના સમયે અવિચલતા (૪) શૌંડીર્ય- ત્યાગની ઉત્સાહપૂર્ણ ઉચ્ચકોટીની ભાવના (૫) ક્ષમાબળ–સામર્થ્ય દાખવી ક્રોધાદિ પ્રસંગે શાંતિ રાખવી (૬)ગાંભીર્ય- અદ્ભુત સાહસિક અથવા ચમત્કારિક કાર્ય કરીને પણ અહંકાર ન આવવા દેવો અથવા પરીષહ-ઉપસર્ગોથી ન દબાવું (૭) ઉપયોગ બલ– નિરાકાર ઉપયોગ(દર્શન) તેમજ સાકાર ઉપયોગ (જ્ઞાન)પૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ સ્વવિષયક નિશ્ચય કરવો (૮) યોગબળ– મન, વચન, કાયાથી વ્યાપાર કરવો (૯) તપોબળ- બાર પ્રકારના તપમાં પરાક્રમ કરવું. ખેદરહિત તથા ઉત્સાહપૂર્વક તપ કરવું (૧૦) સંયમમાં પરાક્રમ- ૧૭ પ્રકારના સંયમના પાલનમાં તથા પોતાના સંયમને નિર્દોષ રાખવામાં પરાક્રમ કરવું.
ભાવવીર્યની અંતર્ગત આવતાં ઉપર્યુક્ત સર્વ વીર્ય નીચે દર્શાવેલા ત્રણ પ્રકારના વીર્યમાં સમાવિષ્ટ કરી શકાય છે. (૧) પંડિત વીર્ય (૨) બાલ પંડિત વીર્ય (૩) બાલવીર્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org