________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
પ્રવચન પરાગ
છો. આ પ્રલોભનથી તે સ્કૂલમાં જાય છે. અબુધ બાળકને ખબર નથી હોતી કે તેના સ્કૂલમાં જવાથી તેનું કલ્યાણ સધાશે કે નહીં. પરંતુ સ્કૂલમાં જવાનું થાય ત્યારે તમારા પર નારાજ તો જરૂર થશે પરંતુ પ્રલોભનના આકર્ષણથી તે સ્કૂલમાં જાય છે. તેને મનમાં થાય છે કે નહીં જાઉં તો ચાર આના મળશે નહીં. હું જઈશ તો મને કાંઇક મળશે. આ બાળકો જેને ભવિષ્યને જાણવા માટેની કોઈ દૃષ્ટિ નથી, બુદ્ધિની પરિપકવતા નથી, બૌધિક વિકાસ નથી – પ્રલોભનથી બાળક ન માને તો તમે કઠોર બનો છો, તેને થપ્પડ લગાડી દો છો. ભયથી તે સ્કૂલમાં જવા તૈયાર થાય છે. અભ્યાસ માટેની તેની સમજ નથી, તેનાથી શું ફાયદો છે તેનું તેને ભાન નથી. પ્રાથમિક શિક્ષણમાંથી તે માધ્યમિકમાં આવશે ત્યારે થોડી સમજ ઊભી થશે અને ઉચ્ચ શિક્ષણમાં તે પ્રવેશ કરશે ત્યારે અભ્યાસમાં સ્વયં રુચિ ઊભી થશે. પોતાનું ભવિષ્ય તે સારી પેઠે સમજશે. આ સમયે પ્રલોભન કે ભયની જરૂરત રહેશે નહીં. એ પ્રેમના માધ્યમથી પૂર્ણ બની જશે.
ઘણા લોકો એવા હોય છે. તેઓ પૂછે છે ઃ મહારાજ સાહેબ, ઉપાશ્રયમાં તો આવું, વ્યાખ્યાન પણ સાંભળું, દેરાસરમાં પણ જાઉં પણ આમાં મળશે શું ? એ તો બતાવો. હું તેમને કહું છું ભગવાનની ભક્તિ કરો જરૂર મળશે. આત્મશાંતિ મળશે, આંતરિક સુખ મળશે. જે લોકો કાંઈ કરતા નથી તેના કરતાં જે લોકો કાંઈક થોડું પણ કરે છે તે ઇચ્છવાયોગ્ય છે. હું તમને કહું કે આમાંથી કાંઈક મળશે અને તમો કરો તે તો એક પ્રકારનું પ્રલોભન છે. આ રસ્તો સાચો નથી. હું હંમેશાં કહું છું પરમાત્માની ભક્તિ કરો, પરમાત્મા શું નથી આપતો ? જ્યાં સુધી લોકો આ બાબતને સમજે નહીં ત્યાં સુધી પ્રલોભન આ માટેનું માધ્યમ બને છે. સદ્વિચારથી પ્રાપ્ત કરી શકાય એવી આ બાબત છે. કોઈ પણ કાર્યની સફળતામાં પણ ઇશ્વરનું સાન્નિધ્ય જરૂરી છે. ઇશ્વરની કૃપાને હંમેશાં યાદ રાખવી જોઈએ, નહીંતર માણસમાં અહંકાર અને વિકાર ઊભો થાય. પોતાના પ્રયત્ન અને પ્રારબ્ધથી કાર્ય સફળ થાય તોપણ તેની પાછળની ઇશ્વરની કૃપાને ભૂલવી જોઈએ નહીં.
પ્રલોભન એક માધ્યમ છે. તો બીજું માધ્યમ છે ભય. ભય વગર પ્રીતિ નહીં. જે લોકો પ્રલોભનથી માનતા નથી તેમને હું કહું છું કે ભાઈઓ, આનાથી તમને મોટી સજા થશે. જો તમે આમ નહીં કરો તો તેનું પરિણામ ભયંકર આવશે. ભયથી તમે ભાગો છો પરંતુ આ સાચો રાહ નથી. ધર્મને તમે સાચી રીતે સમજશો અને જીવનમાં ઉતારશો એટલે આ બધાં પોકળ માધ્યમોની જરૂર રહેશે નહીં. ધર્મને સમજવા માટે પ્રેમ એક બળવત્તર માધ્યમ છે. આ માધ્યમ પૂર્ણતા તરફ લઈ જઈ શકે છે. તેનાથી જીવનની બધી સમસ્યાનું સમાધાન થઈ જાય છે. એનાથી એક એવી સ્થિતિ ઊભી થાય છે કે સ્વયં તમે ઇશ્વરના દ્વાર પર ઊભા રહી જાઓ છો. આ માટે પ્રયત્નો કરવા પડતા નથી. આપણે પ્રેમના માધ્યમથી પરમાત્મા સુધી જવાનું છે પરંતુ આ પ્રેમની ગલી એકદમ સાંકડી છે.
For Private And Personal Use Only