________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
પ્રવચન પરાગ
તુલસીદાસે કહ્યું છે કે “ની ગતી અતિ સંવરી તાપે તો ન સમ પરમાત્માના દ્વાર પર જવા માટેની ગલી ખૂબ જ સાંકડી છે. તેમાં તમે એકલા જઈ શકશો. તમારી સાથે ધન, દોલત, પરિવાર, સંસાર એ બધું આવી શકશે નહીં. આ બધું છોડીને તમારે એકલા જવું પડશે, તો જ તમે પરમાત્માનું સાન્નિધ્ય માણી શકશો. આવી પરિસ્થિતિમાં તમે પરમાત્માની પાસે જશો અને પરમાત્મા બનીને પાછા આવશો. પરંતુ ત્યાં કાંઈ પણ લઈને જવાનું નથી.
કોઈ પણ પ્રશ્નનું સમાધાન સ્વયં દ્વારા જ પ્રાપ્ત થઈ શકે. એ માટે મનને સાફ કરવું પડે. મગજની અંદર અનેક પ્રશ્નો ગૂંચવાયેલા હોય. મન ચારે બાજુ દરેક વસ્તુમાં ભટકતું હોય ત્યારે કોઈ પણ પ્રશ્નનું સમાધાન થઈ શકે નહીં. પહેલા દિમાગને ખાલી કરવું પડે. અહીં આપણે બે ટ્રેક પર ચાલી શકીએ નહીં. મન સંસારના વિકારોમાં ભટકતું હોય અને સાથે ઈશ્વરને પામવાની મહેચ્છા હોય એ બે કેમ બની શકે ?
કહેવાનું તાત્પર્ય એ છે કે જગતની ભીડમાંથી આપણે મુક્ત બનવાનું છે. મનની અંદરના આ બધાં ધમસાણમાંથી આપણે અલગ, અલિપ્ત બનવાનું છે. આ બધી વસ્તુને સમજાવવા માટે હું એક માધ્યમ છું – પૂર્ણતા તો તમને સ્વયંમાંથી પ્રાપ્ત થશે.
કેટલાક લોકો પૂછે છે ધર્મ એક છે કે અનેક ? દેવ અને પરમાત્મામાં કાંઈ ભિન્નતા છે કે ?
પ્રથમ તો દેવ અને પરમાત્મા શું છે તે સમજીએ. દેવ એક કેટેગરી છે. યોનિ છે. એ ફરીથી જન્મ ધારણ કરી શકે છે. એમનું ફરીથી આગમન થઈ શકે છે. તેમાં રાગ, દ્વેષ, ઈચ્છા અને તૃષ્ણા છે. સાથે સાથે આશીર્વાદ, વરદાન, શાપ એ બધું પણ હોય છે. તેઓ આપણાથી વધુ શક્તિશાળી છે – માનવયોનિની જેમ દેવયોનિ માનવામાં આવે છે. - જ્યારે પરમાત્મા પરિપૂર્ણ છે, તેમાં અપૂર્ણતાને સ્થાન નથી. જે પરિપૂર્ણ છે તે પરમાત્મા. જેઓ અપૂર્ણ છે પરંતુ જેમની પાસે પુણ્ય અધિક છે તેઓ દેવ છે. આપણે પરમાત્માની ઉપાસના કરીએ છીએ. આપણે સંસારના પરિભ્રમણમાંથી મુક્ત બનવાનું છે.ધર્મની મારફત આપણે આત્માને ધારણ કરવાનો છે. ધર્મના માધ્યમથી આપણે ધ્યેય સુધી પહોચવાનું છે. દેવયોનિ અલગ છે, પરંતુ પરમાત્મા તો દેવોના દેવ મહાદેવ છે. જેઓએ મોક્ષ ધારણ કરેલો છે તેઓનું હવે આ સંસારમાં આગમન નથી. તેઓએ પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી છે. એમના વિચારમાંથી આપણે પ્રકાશ પ્રાપ્ત કરવાનો છે.
દુનિયામાં જુદા જુદા ધર્મો છે. અલગ અલગ પંથો છે. એક જ વસ્તુ છે પરંતુ તેને જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે. પદાર્થ એક છે પરંતુ પરિચય અનેક.
For Private And Personal Use Only