________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાતના નવ વાગ્યા. ચારે બાજુ પાણી વધતું જતું હતું. ઠેર ઠેર પૂરમાં સપડાયેલાઓના કરુણ અવાજો સંભળાતા હતા. પોલીસ મોટરમાં ફરીને ચેતવણી આપતી હતી. લોકોને પોતાનાં મકાન ખાલી કરી સુરક્ષિત સ્થળે જવા માઈક દ્વારા કહેતી હતી. શ્રાવક ઉપાશ્રયમાં ધસી આવ્યા. પૂજ્ય આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીને વિનંતી કરી. શ્રાવકોએ કહ્યું પૂરનાં પાણી વધી રહ્યાં છે. નજીકની આખી સોસાયટી પૂરનાં પાણીમાં ઘસડાઈ ગઈ છે. બીજી સોસાયટીઓનાં મકાનોમાં પૂરનું પાણી ફરી વળ્યું છે. કોઈના મકાનનો એક માળ ડૂબી ગયો છે, તો કોઈનું આખું મકાન ડૂબી ગયું છે. કોઈ જીવ બચાવવા ભાગી છૂટ્યા છે તો કોઈ મકાનની અગાસી પર ચડી મદદ માટે બૂમો લગાવે છે. પોલીસે પણ આ સ્થાન ખાલી કરવાની ચેતવણી આપી દીધી છે. હવે આપ ચાલો.' - આચાર્યશ્રી કૈલાસસાગરજીએ સ્વસ્થતાથી કહ્યું “જુઓ, દેવાધિદેવ સીમંધરસ્વામીના જ્ઞાનમાં જે સમયે જે સ્થળે જે થવાનું હશે તેને વિશ્વની કોઈ શક્તિ મિથ્યા કરી શકશે નહીં. પછી આટલી બધી ફિકર શાને ?”
શ્રાવકોએ ફરી કરગરતાંમાં કહ્યું, “અમે આપને મૂકીને જવાના નથી. આપ નહીં આવો તો અમે પણ નહીં જઈએ. પરંતુ અમને અહીં રહેવામાં સહુના જાનનું જોખમ લાગે છે.’ આચાર્યશ્રીએ કહ્યું “જુઓ, આજે સાંવત્સરિક પ્રતિક્રમણ કરતાં મેં જીવમાત્રને ખમાવ્યા છે. હવે વરસતા વરસાદમાં હું બહાર જાઉં તો કેટલા બધા જીવોની વિરાધના થશે. આ મને સહેજે મંજૂર નથી. આ ઉપાશ્રયનું એક પગથિયું પણ હું નીચે ઊતરવા માંગતો નથી.’ શ્રાવકોએ જોયું કે આચાર્યશ્રી એમના નિર્ણયમાં મક્કમ હતા. પૂરનો ભય એમને લેશ માત્ર ચલિત કરી શકે તેમ નહોતો. જીવનભર સંયમધર્મનું પાલન કરનાર કસોટીની પળે તો સહેજે ચૂકે નહીં. આચાર્યશ્રી કૈલાસસાગરજી મહારાજ એ ભયંકર કાળરાત્રિએ ઉપાશ્રયમાં રહ્યા. સંયમધર્મની જે પ્રતિજ્ઞા દેવાધિદેવ સમક્ષ લીધી હતી, એને અંશ માત્ર પણ અતિચાર લાગે નહીં તેની જાગૃતિ રાખી. ઉપાશ્રયમાં પૂરના પાણી ધસવા લાગ્યો અને વધવા લાગ્યાં. છ થી સાત ફૂટ પાણી ભરાઈ ગયું. સાથે રહેલા શ્રાવકોના જીવ અધ્ધર થઈ ગયા, પરંતુ સંસારી અને સાધુની સ્થિતિ અને ગતિમાં ભેદ હોય છે. આચાર્યશ્રી તો ઉપાશ્રયના માળિયા પર ચડી ગયા અને પ્રસન્નતાપૂર્વક કાઉસગ્ન ધ્યાનમાં રહ્યા હતા. ચારે બાજુ મહાસાગરની માફક હિલોળા લેતું પાણી, નજીકમાં જ ચિંતાગ્રસ્ત શ્રાવકો અને છતાં આચાર્યશ્રીની આત્મિક શાંતિમાં ક્યાંય ચિંતાની એક રેખા પણ નજરે પડે નહીં
૧૨૮
For Private And Personal Use Only