________________
૩૭૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ મારે શું? પણ પરદ્રવ્યને તું ભોગવી શકતો જ નથી. પરદ્રવ્યને અડતો નથી પછી પ્રશ્ન ક્યાં?
અહીં તો સંયોગો ઝાઝા હોય માટે કોઈ એમ માપ કરે કે, એને લઈને નુકસાન છે અથવા તને એમ થઈ જાય કે ઘણા સંયોગો છે માટે મને કંઈ નુકસાન છે, એ શંકા છોડી દે. આહાહા...! “જો એવી શંકા કરીશ તો પરદ્રવ્ય વડે આત્માનું બૂરું થાય છે...” આહાહા...! પરદ્રવ્યના ઘણા સંયોગોથી આત્માને નુકસાન છે એવું માનવાનો પ્રસંગ આવે છે. પરદ્રવ્યથી આત્માને નુકસાન થાય, બૂરું થાય એવું માનવાનો પ્રસંગ આવે છે. આહાહા.! ચક્રવર્તીને બત્રીસ હજાર તો દીકરીયું, બત્રીસ હજાર જમાઈ, ચોસઠ હજાર દીકરાઓ, ચોસઠ હજાર દીકરાની વહુઓ, છહજાર સ્ત્રીઓ. આહાહા..! તે સંયોગથી તું માપ કરવા જાઈશ કે આને આટલો બધો સંયોગ છે માટે એનાથી કંઈક નુકસાન થાય, સમકિતી છે એનાથી તેને નુકસાન છે, એમ નથી. સમજાણું કાંઈ? આહાહા.! જુઓ! વીતરાગ માર્ગના પડકાર તો જુઓ! આહાહા.. સ્વદ્રવ્યને પોતે ભૂલીને અપરાધ કરે એ તો પોતાનું કારણ છે. એ પરદ્રવ્ય એને અપરાધ કરાવ્યો છે અને પરદ્રવ્યના સંયોગો ઘણા માટે શંકા થઈ કે, અરે..! આટલા બધા સંયોગમાં હું ગરી ગયો છું, એમ છોડી દે. ઝીણી વાત છે,
ભગવાન! તારા મહિમાની પાર નથી, પ્રભુ! આહાહા! આપણે નહોતું આવ્યું? “પ્રભુ મેરે તુમ સબ બાતે પૂરા, પ્રભુ મેરે તુમ સબ ભાવે પૂરા.” આહા... “પરકી આશ કહાં કરે પ્રીતમ, પરકી આશ કહાં કરે વ્હાલા, કઈ વાતે તું અધૂરા?” નાથ! કઈ વાતે તું અધૂરો છો તે પરની આશા કરે છે? આહા.! સમજાય છે કાંઈ? પ્રભુ મેરે સબ વાતે-સબ ભાવે પૂરા” જ્ઞાને પૂરા, આનંદે પૂરા, વીર્યે પૂરા, શાંતિએ પૂરા, વીતરાગતાએ પૂરા, સ્વચ્છતાથી પૂરા, પ્રભુતાથી પૂરા. આહાહા...! એ પ્રભુતાનો, અસંગનો જેણે સંગ કર્યો અને બહારના સંગના ઝાઝા સંગથી તને નુકસાન છે, એ રહેવા દે. આહાહા.! સમજાણું કાંઈ? ભગવાન રાગના સંગ વિનાની ચીજ છે. એવા અસંગનું જેને જ્ઞાન થયું છે એને રાગ આવ્યો અને સંયોગ ઘણા આવ્યા માટે તેને નુકસાન છે એમ નથી, કહે છે. એ રાગનો એ જાણનાર છે. આહાહા. અહીં તો દૃષ્ટિ અને દ્રવ્યની વિશેષતાની વાતું કરી છે. આવી વાત છે, ભાઈ!
વીતરાગ માર્ગના માપ બહુ જુદી જાતના છે. આહાહા.! માણુ, માણુ નથી કહેતા આ? માણુ એટલે માપ છે એનું નામ. માણ નહિ? દાણાને માપે. નાણું શું કહેવાય? માપ કરે છે માટે માણ. છાણા કેટલા ભરાય છે? એમ ભગવાન આત્મા માપ કરે છે. પોતાનું અને પરનું માપ કરે, બાકી પર મારા છે એવું અંદર માનતો નથી. આહાહા...! પ્રમાણ કીધું છે ને? પ્રમાણ કહો કે માપ કરનાર કહો, બધું એક છે. પ્ર—વિશેષે માણ. આહા! આ નામ પડ્યું છે તો માણનો અર્થ એ છે કે, દસ શેરનું માપ આપે છે. માણું હોય ને લોઢાનું? એમ ભગવાન જ્ઞાનની પર્યાય માપ આપે છે, પોતાનું અને પરનું સ્વરૂપ કેવું છે તેનું માપ