________________
સમયસાર સિદ્ધિ ભાગ-૭
ગાથા૨૦૦ ઉપર પ્રવચન
૨૦૦ “આ રીતે સમ્યગ્દષ્ટિ પોતાને જાણતો અને રાગને છોડતો...” છે? એ અપેક્ષાથી કથન છે. ખરેખર તો આત્મા જ્યારે પોતાને જાણવામાં રોકાયો તો રાગની ઉત્પત્તિ થતી નથી તેને રાગને છોડ્યો એમ કહેવામાં આવે છે. આહાહા...! સમજાણું કાંઈ? ઝીણી વાત છે, ભાઈ! અનંત કાળ, અનંત કાળ ચોરાશીના અવતારમાં એક એક યોનીએ અનંત અવતાર કર્યા, બાપુ! ભૂલી ગયો, બધું ભૂલી ગયો. ભૂલી ગયો એ ભૂલી જવાનું તો છે પણ ભૂલ્યો ઈ પોતાને યાદ કર્યા વિના ભૂલી ગયો. પોતાને યાદ કરી, ભાન કરીને ભૂલી જાય તો તો ભૂલવા જેવું છે. આહાહા..! “સમ્યગ્દષ્ટિ પોતાને જાણતો....” “પોતાને જાણતો” એમ કહ્યું ને? રાગને જાણતો, એમ નહિ. આહાહા...!
મુમુક્ષુ :- રાગને તો છોડતો.
ઉત્તર :- છોડે છે એ પણ નિમિત્તનું કથન વ્યવહાર છે. કહ્યું ને? આત્મા પોતાના સ્વરૂપમાં એકાગ્ર થાય છે તો રાગ ઉત્પન્ન થતો નથી તો રાગ છોડ્યો એમ કહેવામાં નામ કથનમાત્રથી છે. ઉપદેશ કેમ કરે? આહાહા...! બહુ માર્ગ જુદો, બાપુ! તીર્થંકરનો. ત્રણલોકના નાથ તીર્થંકરદેવ પરમેશ્વર, એની આ દિવ્યધ્વનિ (છે). અત્યારે તો લોકો બહારથી આ કરવું ને આ કરવું ને આ કરવું એમાં ધર્મ માની લ્ય છે. કંઈક કરું, દયા, કરું, રાગ કરું એ પણ મિથ્યાત્વ ભાવ છે.
મુમુક્ષુ :- કાલે તો આપ એને મરવું એમ કહેતા હતા.
ઉત્તર :- ઇ કીધું કે, કાલે આટલું બધું ન કીધું? કરવું એ મરવું છે. કેમ? કે, આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે એને હું રાગ કરું, ત્યાં રોકાણો તો આત્માના સ્વભાવનું જીવન છે એને નકાર કર્યો તો મરણ કર્યું. આહાહા...! એ જ્ઞાતા-દષ્ટા જીવનું જીવન છે એને ઠેકાણે હું આનાથી જીવું છું, રાગથી, પુણ્યથી ને આનાથી (જીવું છું), રાગ કરું (એ) તો મારું સ્વરૂપ છે તો એ કર્તા નથી, જ્ઞાતા-દષ્ટા છે તેનો એણે અસ્વીકાર કરી, એનો નકાર કરીને તેનું મરણ કરી નાખ્યું. આહાહા.! આકરી વાત છે, ભાઈ!
નિયમથી જ્ઞાન-વૈરાગ્યસંપન્ન હોય છે. ધર્મીને તો પોતાના અસ્તિત્વનું ભાન (છે) અને પુણ્ય-પાપના વિકલ્પથી વિરક્ત વૈરાગ્ય, એ બે શક્તિ સહિત ધર્મી હોય છે. શું કહ્યું? પોતાનું સ્વરૂપ જે પૂર્ણ અતીન્દ્રિય આનંદ સ્વરૂપ, એનું જ્ઞાન અને પુણ્ય-પાપના ભાવથી વિરક્તપણું, એ વૈરાગ્ય એટલે ધર્મી જ્ઞાન અને વૈરાગ્ય (એવી) બે શક્તિ સહિત હોય છે. પોતાના અસ્તિત્વનું ભાન અને પોતામાં નથી તેનો વૈરાગ્ય, વિરક્તિ. આહાહા.! એ જ્ઞાન