________________
૭૮૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
અને ક્રિયા પણ કરી શકે નહીં; અથવા તો તેનાથી પ્રવર્તન પણ થઈ શકે નહીં. જ્ઞાનનું કામ જાણવાનું છે, દર્શનનું કામ દેખવાનું છે અને વીર્યનું કામ પ્રવર્તવાનું છે. વીર્ય બે પ્રકારે પ્રવર્તી શકે છેઃ- (૧) અભિસંધિ (૨) અનભિસંધિ, અભિસંધિ=આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય તે. અનભિસંધિ=કષાયથી વીર્યનું પ્રવર્તવું થાય તે. જ્ઞાનદર્શનમાં ભૂલ થતી નથી, પરંતુ ઉદયભાવે રહેલા દર્શનમોહને લીધે ભૂલ થવાથી એટલે ઔરનું તૌર જણાવાથી વીર્યની પ્રવૃત્તિ વિપરીતપણે થાય છે, જો સમ્યકપણે થાય તો સિદ્ધપર્યાય પામે. આત્મા કોઈ પણ વખતે ક્રિયા વગરનો હોઈ શકતો નથી. જ્યાં સુધી યોગો છે ત્યાં સુધી ક્રિયા કરે છે, તે પોતાની વીર્યશક્તિથી કરે છે. તે ક્રિયા જોવામાં આવતી નથી; પણ પરિણામ ઉપરથી જાણવામાં આવે છે. ખાધેલો ખોરાક નિદ્રામાં પચી જાય છે એમ સવારે ઊઠતાં જણાય છે. નિદ્રા સારી આવી હતી ઇત્યાદિક બોલીએ છીએ તે થયેલી ક્રિયા સમજાયાથી બોલવામાં આવે છે. ચાળીસ વર્ષની ઉંમરે આંકડા ગણતાં આવડે તો શું તે પહેલાં આંકડા નહોતા એમ કાંઈ કહી શકાશે ? નહીં જ. પોતાને તેનું જ્ઞાન નહોતું તેથી એમ કહે. આ જ પ્રમાણે જ્ઞાન-દર્શનનું સમજવાનું છે. આત્માનાં જ્ઞાન, દર્શન અને વીર્ય થોડાંઘણાં પણ ખુલ્લાં રહેતાં હોવાથી આત્મા ક્રિયામાં પ્રવર્તી શકે. વીર્ય ચળાચળ હમેશાં રહ્યા કરે છે. કર્મગ્રંથ વાંચવાથી વિશેષ સ્પષ્ટ થશે. આટલા ખુલાસાથી બહુ લાભ થશે.
૩ પારિણામિકભાવે હમેશાં જીવત્વપનું છે; એટલે જીવ જીવપણે પરિણમે, અને સિદ્ધત્વ ક્ષાયિકભાવે હોય, કારણ કે પ્રકૃતિઓનો ક્ષય કરવાથી સિદ્ધપર્યાય પમાય છે.
૪ મોહનીયકર્મ ઔદયિકભાવે હોય.
૫ વાણિયા અક્ષર બોડા લખે છે, પણ આંકડા બોડા લખતા નથી. ત્યાં તો બહુ સ્પષ્ટપણે લખે છે. તેવી રીતે કથાનુયોગમાં જ્ઞાનીઓએ વખતે બીડું લખ્યું હોય તો ભલે, બાકી કર્મપ્રકૃતિમાં તો ચોક્કસ આંકડા લખ્યા છે. તેમાં જરા તફાવત આવવા નથી દીધો.
૨૫
મોરબી, અષાડ વદ ૧૧, રવિ, ૧૯૫૬
૧ જ્ઞાન એ દોરો પરોવેલ સોય જેવું છે, એમ ‘ઉત્તરાધ્યયનસૂત્ર’માં કહેલું છે. દોરો પરોવેલ સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલું પડાતું નથી.
૨૬
૧ પ્રતિહાર-તીર્થંકરનું ધર્મરાજ્યપણું બતાવનાર. પ્રતિહાર=દરવાન.
મોરબી, અષાડ વદ ૧૨, સોમ, ૧૯૫૬
૨ સ્થૂળ, અલ્પ-સ્થૂળ, તેથી પણ સ્થૂળ, દૂર, દૂરમાં દૂર, તેથી પણ દૂર; એમ જણાય છે; અને તે ઉપરથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ આદિનું જ્ઞાન કોઈકને પણ હોવાનું સિદ્ધ થઈ શકે છે.
૩ ‘નગ્ન’ એ ‘આત્મમગ્ન.’
૪ ઉપત-હણાયેલા. અનુપહત=નહીં હણાયેલા. ઉપખંભજન્ય-આધારભૂત. અભિધેય-વસ્તુધર્મ કહી શકાય એવો. પાઠાંતર-એક પાઠની જગોએ બીજો પાઠ આવે તે. અર્થાતર-કહેવાનો હેતુ બદલાઈ જાય તે. વિષમ યથાયોગ્ય નહીં, ફેરફારવાળું, વસ્તુંઓછું. આત્મદ્રવ્ય એ સામાન્ય, વિશેષ ઉભયાત્મક સત્તાવાળું છે. સામાન્ય ચેતનસત્તા એ દર્શન. સવિશેષ ચેતનસત્તા એ જ્ઞાન.
૫ સત્તાસમુદ્ભૂત=સમ્યક્પ્રકારે સત્તાનું ઉદયભૂત થવું, પ્રકાશવું, સ્ફુરવું, જણાવું તે.
૬ દર્શન-જગતના કોઈ પણ પદાર્થનું ભેદરૂપ રસગંધરહિત નિરાકાર પ્રતિબિંબત થવું, તેનું અસ્તિત્વ જણાવું; નિર્વિકલ્પપણે કાંઈ છે એમ આરસીના ઝળકારાની પેઠે સામા પદાર્થનો ભાસ થવો એ ‘દર્શન.’ વિકલ્પ થાય ત્યાં ‘જ્ઞાન’ થાય.