________________
http://www.ShrimadRajchandra.org
વ્યાખ્યાનસાર-૨
૭૮૩
૭ દર્શનાવરણીય કર્મના આવરણને લઈને દર્શન અવાઢપણે અવરાયું હોવાથી, ચેતનમાં મૂઢતા થઈ
ગઈ. અને ત્યાંથી શૂન્યવાદ શરૂ થયો.
૮ દર્શન રોકાય ત્યાં જ્ઞાન પણ રોકાય.
૯ દર્શન અને જ્ઞાનની વહેંચણ કરવામાં આવી છે. જ્ઞાન, દર્શનમાં કાંઈ કટકા થઈ જુદા પડી શકે એમ નથી. એ આત્માના ગુણો છે. રૂપિયાના બે અર્ધ તે જ રીતે આઠ આના દર્શન અને આઠ આના જ્ઞાન છે.
૧૦ તીર્થંકરને એક સમયે દર્શન અને તે જ સમયે જ્ઞાન એમ બે ઉપયોગ દિગંબરમત પ્રમાણે છે, શ્વેતાંબરમત પ્રમાણે નથી. બારમા ગુણસ્થાનકે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય એમ ત્રણ પ્રકૃતિનો ક્ષય એક સાથે થાય છે; અને ઉત્પન્ન થતી લબ્ધિ પણ સાથે થાય છે. જો એક સમયે ન થતું હોય તો એકબીજી પ્રકૃતિએ ખમવું જોઈએ. શ્વેતાંબર કહે છે કે જ્ઞાન સત્તામાં રહેવું જોઈએ, કારણ એક સમયે બે ઉપયોગ ન હોય; પણ દિગંબરની તેથી જુદી માન્યતા છે.
૧૧ શૂન્યવાદ-કાંઈ નથી એમ માનનાર; એ બૌદ્ધ ધર્મનો એક ફાંટો છે. આયતન કોઈ પણ પદાર્થનું સ્થળ, પાત્ર. કૂટસ્થ અચળ, ન ખસી શકે એવો. તટસ્થ કાં; તે સ્થળે. મધ્યસ્થ વચમાં.
૨૭
મોરબી, અષાડ વદ ૧૩, ભૌમ, ૧૯૫૬
૧ ચર્ચાપચય-જવુંજવું, પણ પ્રસંગવશાત્ આવવુંજવું, ગમનાગમન, માણસના જવાઆવવાને લાગુ પડે નહીં, શ્વાસોચ્છવાસ ઇત્યાદિ સુક્ષ્મ ક્રિયાને લાગુ પડે. ચયવિચય-જવુંઆવવું.
૨ આત્માનું જ્ઞાન જ્યારે ચિંતામાં રોકાય છે ત્યારે નવા પરમાણુ ગ્રહણ થઈ શકતા નથી; ને જે હોય છે તેનું
જવું થાય છે તેથી શરીરનું વજન ઘટી જાય છે.
૩ શ્રી ‘આચારાંગસૂત્ર'ના પહેલા અધ્યયન શસ્ત્રપરિજ્ઞામાં અને શ્રી ષદર્શનસમુચ્ચયમાં મનુષ્ય અને વનસ્પતિના ધર્મની તુલના કરી વનસ્પતિમાં આત્મા હોવાનું સિદ્ધ કરી બતાવ્યું છે, તે એવી રીતે કે બન્ને જન્મે છે, વધે છે, આહાર લે છે, પરમાણુ લે છે, મૂકે છે, મરે છે, ઇત્યાદિ.
܀܀܀܀܀
૨૮
મોરબી, શ્રાવણ સુદ ૩, રવિ, ૧૯૫૬
૧ સાધુ સામાન્યપણે ગૃહવાસ ત્યાગી, મૂળગુણના ધારક તે યતિ ધ્યાનમાં સ્થિર થઈ શ્રેણિ માંડનાર, મુનિ જેને અવધિ, મનઃપર્યવ જ્ઞાન હોય તથા કેવળજ્ઞાન હોય તે. ઋષિ બહુ ઋદ્ધિધારી હોય તે. ઋષિના ચાર ભેદઃ (૧) રાજ (ર) બ્રહ્મત (૩) દેવ (૪) પરમત રાજર્ષિ ઋદ્ધિવાળા. બ્રહ્મર્ષિ અક્ષણ મહાન ઋદ્ધિવાળા. દેવર્ષિ આકાશગામી મુનિદેવ. પરમર્ષિ કેવળજ્ઞાની.
૨૯
-
શ્રાવણ સુદ ૧૦, સોમ, ૧૯૫૬
૧ અભવ્ય જીવ એટલે જે જીવ ઉત્કટ રસે પરિણમે અને તેથી કર્મો બાંધ્યા કરે, અને તેને લીધે તેનો મોક્ષ ન થાય. ભવ્ય એટલે જે જીવનું વીર્ય શાંતરસે પરિણમે ને તેથી નવો કર્મબંધ ન થતાં મોક્ષ થાય. જે જીવનો વળાંક ઉત્કટ રસે પરિણમવાનો હોય તેનું વીર્ય તે પ્રમાણે પરિણમે તેથી જ્ઞાનીના જ્ઞાનમાં અભવ્ય લાગ્યા. આત્માની પરમશાંત દશાએ ‘મોક્ષ’, અને ઉત્કટ દશાએ ‘અમોક્ષ’. જ્ઞાનીએ દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ ભવ્ય, અભવ્ય કહ્યા છે. જીવનું વીર્ય ઉત્કટ રસે પરિણમતાં સિદ્ધપર્યાય પામી શકે નહીં એમ જ્ઞાનીએ કહેલું છે. ભજના=અંશે; હોય વા ન હોય. વંચક-(મન, વચન, કાયાએ) છેતરનાર,