________________
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૭૦૨ ઉપયોગશૂન્ય રહ્યો. જો આટલો બધો બોજો ન મૂક્યો હોત, તો બીજી વસ્તુઓ લાવવાનું મન થાત; અને કાળે કરી પરિગ્રહ વધારી, મુનિપણું ખોઈ બેસત. જ્ઞાનીએ આવો આકરો માર્ગ પ્રરૂપ્યો છે તેનું કારણ એ છે કે તે જાણે છે કે આ જીવ વિશ્વાસ કરવા યોગ્ય નથી; કારણ કે તે ભ્રાંતિવાળો છે. જો છૂટ આપી હશે તો કાળે કરી તેવા તેવા પ્રકારમાં વિશેષ પ્રવર્તશે એવું જાણી જ્ઞાનીએ સોય જેવી નિર્જીવ વસ્તુના સંબંધમાં આ પ્રમાણે વર્તવાની આજ્ઞા કરી છે. લોકની દૃષ્ટિમાં આ વાત સાધારણ છે, પણ જ્ઞાનીની દૃષ્ટિમાં નેટલી છૂટ પણ મૂળથી પાડી દે તેવી મોટી લાગે છે.
ઋષભદેવજી પાસે અઠ્ઠાણું પુત્રો ‘અમને રાજ આપો' એમ કહેવાના અભિપ્રાયથી આવ્યા હતા, ત્યાં તો ઋષભદેવે ઉપદેશ દઈ અઠ્ઠાણુંયને મૂંડી દીધા ! જાઓ મોટા પુરુષની કરુણા !
કેશીસ્વામી અને ગૌતમસ્વામી કેવા સરળ હતા ! બન્નેનો એક માર્ગ જાણવાથી પાંચ મહાવ્રત ગ્રહણ કર્યાં. આજના કાળમાં બે પક્ષને ભેગું થવું હોય તો તે બને નહીં, આજનાં કુંઢિયા અને તપાને તેમ જ દરેક જાદા જાદા સંઘાડાને એકઠા થવું હોય તો તેમ બને નહીં. તેમાં કેટલોક કાળ જાય. તેમાં કાંઈ છે નહીં, પણ અસરળતાને લીધે બને જ નહીં.
સત્પુરુષો કાંઈ સઅનુષ્ઠાનનો ત્યાગ કરાવતા નથી; પણ જો તેનો આગ્રહ થયો હોય છે તો આગ્રહ દૂર કરાવવા તેનો એક વાર ત્યાગ કરાવે છે; આગ્રહ મટ્યા પછી પાછું તે ને તે ગ્રહણ કરવાનું કહે છે.
ચક્રવર્તી રાજાઓ જેવા પણ નગ્ન થઈ ચાલ્યા ગયા છે ! ચક્રવર્તી રાજા હોય, તેણે રાજ્યનો ત્યાગ કરી દીક્ષા લીધી હોય, અને તેની કાંઈ ભૂલ હોય, અને તે ચક્રવર્તીરાજ્યપણાના વખતના સમયની દાસીનો છોકરો તે ભૂલ ભાંગી શકે તેમ હોય તો તેની પાસે જઈ તેનું કહેવું ગ્રહણ કરવાની આજ્ઞા કરી છે. જો તેને દાસીના છોકરા પાસે જતાં એમ રહે કે, ‘મારાથી દાસીના છોકરા પાસે કેમ જવાય ?' તો તેને રખડી મરવાનું છે. આવા કારણમાં લોકલાજ છોડવાનું કહ્યું છે, અર્થાત્ આત્માને ઊંચો લાવવાનું કારણ હોય ત્યાં લોકલાજ ગણી નથી. પણ કોઈ મુનિ વિષય-ઇચ્છાથી વેશ્યાશાળામાં ગયો; ત્યાં જઈને તેને એમ થયું કે ‘મને લોક દેખશે તો મારી નિંદા થશે. માટે અહીંથી પાછું વળવું," એટલે મુનિએ પરભવનો ભય ગણ્યો નહીં, આજ્ઞાભંગનો પણ ભય ગણ્યો નહીં, તો ત્યાં લોકલાજથી પણ બ્રહ્મચર્ય રહે તેવું છે તે માટે ત્યાં લોકલાજ ગણી પાછો ફર્યો, તો ત્યાં લોકલાજ રાખવી એમ કહ્યું છે, કેમકે આ સ્થળે લોકલાજનો ડર ખાવાથી બ્રહ્મચર્ય રહે છે, જે ઉપકારક છે.
હિતકારી શું છે તે સમજવું જોઈએ. આઠમની તકરાર તિથિ અર્થે કરવી નહીં; પણ લીલોતરીના રક્ષણ અર્થે તિથિ પાળવી. લીલોતરીના રક્ષણ અર્થે આઠમાદિ તિથિ કહી છે. કાંઈ તિથિને અર્થે આઠમાદિ કહી નથી. માટે આઠમાદિ તિથિનો કદાહ મટાડવો. જે કાંઈ કહ્યું છે તે કદાગ્રહ કરવાને કહ્યું નથી. આત્માની શુદ્ધિથી જેટલું કરશો તેટલું હિતકારી છે. અશુદ્ધિથી કરશો તેટલું અહિતકારી છે; માટે શુદ્ધતાપૂર્વક સદ્ભૂત સેવવાં.
અમને તો બ્રાહ્મણ, વૈષ્ણવ ગમે તે સમાન છે. જૈન કહેવાતા હોય, અને મતવાળા હોય તો તે અહિતકારી છે; મત્તુરહિત હિતકારી છે.
સામાયિકશાસ્ત્રકારે વિચાર કર્યો કે કાયાને સ્થિર રાખવાની હશે, તો પછી વિચાર કરશે, બંધ નહીં બાંધ્યો હોય તો બીજાં કામે વળગશે એમ જાણી તેવા પ્રકારનો બંધ બાંધ્યો. જેવાં મન-પરિણામ રહે તેવું સામાયિક થાય. મનના ઘોડા દોડતા હોય તો કર્મબંધ થાય. મનના ઘોડા દોડતા હોય, અને સામાયિક કર્યુ હોય તો તેનું ફળ તે કેવું
થાય ?
કર્મબંધ થોડે થોડે છોડવા ઇચ્છે તો છૂટે. જેમ કોઠી ભરી હોય, પણ કાણું કરી કાઢે તો છેવટે ખાલી થાય. પણ દૃઢ ઇચ્છાથી કર્મ છોડવાં એ જ સાર્થક છે.