________________
http://www.ShrimadRajchandra.org
ઉપદેશ છાયા
૭૦૩ આવશ્યકના છ પ્રકારઃ- સામાયિક, ચોવીસધ્ધો, વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન. સામાયિક એટલે સાવધયોગની નિવૃત્તિ.
વાચના (વાંચવું); પૃચ્છના (પૂછવું); પરિવર્તના (ફરી ફરી વિચારવું), ધર્મકથા (ધર્મવિષયની કથા કરવી) એ ચાર દ્રવ્ય છે; અને અનુપ્રેક્ષા એ ભાવ છે. પ્રથમ ચાર જો અનુપ્રેક્ષા ન આવે તો દ્રવ્ય છે.
અજ્ઞાનીઓ આજ કેવળજ્ઞાન નથી”, “મોક્ષ નથી' એવી હીનપુરુષાર્થની વાતો કરે છે. જ્ઞાનીનું વચન પુરુષાર્થ પ્રેરે તેવું હોય. અજ્ઞાની શિથિલ છે તેથી એવાં હીનપુરુષાર્થનાં વચનો કહે છે. પંચમકાળની, ભવસ્થિતિની, દેહદુર્બળતાની કે આયુષ્યની વાત ક્યારેય પણ મનમાં લાવવી નહીં; અને કેમ થાય એવી વાણી પણ સાંભળવી નહીં.
કોઈ હીનપુરુષાર્થી વાતો કરે કે ઉપાદાનકારણ-પુરુષાર્થનું શું કામ છે ? પૂર્વે અસોચ્ચાકેવળી થયા છે. તો તેવી વાતોથી પુરુષાર્થહીન ન થવું.
સત્સંગ ને સત્યસાધન વિના કોઈ કાળે પણ કલ્યાણ થાય નહીં. જો પોતાની મેળે કલ્યાણ થતું હોય તો માર્ટીમાંથી ઘડો થવો સંભવે. લાખ વર્ષ થાય તોપણ ઘડો થાય નહીં, તેમ કલ્યાણ થાય નહીં.
તીર્થંકરનો યોગ થયો હશે એમ શાસ્ત્રવચન છે છતાં કલ્યાણ થયું નથી તેનું કારણ પુરુષાર્થરહિતપણાનું છે. પૂર્વે જ્ઞાની મળ્યા હતા છતાં પુરુષાર્થ વિના જેમ તે યોગ નિષ્ફળ ગયા, તેમ આ વખતે જ્ઞાનીનો યોગ મળ્યો છે ને પુરુષાર્થ નહીં કરો તો આ યોગ પણ નિષ્ફળ જશે. માટે પુરુષાર્થ કરવો; અને તો જ કલ્યાણ થશે. ઉપાદાનકારણ- પુરુષાર્થ શ્રેષ્ઠ છે.
એમ નિશ્ચય કરવો કે સત્પુરુષના કારણ-નિમિત્ત-થી અનંત જીવ તરી ગયા છે. કારણ વિના કોઈ જીવ તરે નહીં. અસોચ્ચાકેવલીને પણ આગળ પાછળ તેવો યોગ પ્રાપ્ત થયો હશે. સત્સંગ વિના આખું જગત ડૂબી ગયું છે !
મીરાંબાઈ મહાભક્તિવાન હતાં. વૃંદાવનમાં જીવા ગોસાંઈનાં દર્શન કરવા તે ગયાં, ને પુછાવ્યું કે ‘દર્શન કરવા આવું ?' ત્યારે જીવા ગોસાંઈએ કહેવડાવ્યું કે ‘હું સ્ત્રીનું મોં જોતો નથી.' ત્યારે મીરાંબાઈએ કહેવડાવ્યું કે ‘વૃંદાવનમાં રહ્યાં, આપ પુરુષ રહ્યા છો એ બહુ આશ્ચર્યકારક છે. વૃંદાવનમાં રહી મારે ભગવાન સિવાય અન્ય પુરુષનાં દર્શન કરવાં નથી. ભગવાનના ભક્ત છે તે તો સ્ત્રીરૂપે છે, ગોપીરૂપે છે. કામને મારવા માટે ઉપાય કરો; કેમકે લેતાં ભગવાન, દેતાં ભગવાન, ચાલતાં ભગવાન, સર્વત્ર ભગવાન.
નાભો ભગત હતો. કોઈકે ચોરી કરીને ચોરીનો માલ ભગતના ઘર આગળ દાટ્યો. તેથી લગત પર ચોરીનો આરોપ મૂકી કોટવાળ પકડી ગયો. કેદમાં નાંખી, ચોરી મનાવવા માટે રોજ બહુ માર મારવા માંડ્યો. પણ સારો જીવ, ભગવાનનો ભગત એટલે શાંતિથી સહન કર્યું. ગોસાંઈજીએ આવીને કહ્યું કે ‘હું વિષ્ણુભક્ત છું, ચોરી કોઈ બીજાએ કરી છે એમ કહે.' ત્યારે ભગતે કહ્યું કે 'એમ કહીને છૂટવા કરતાં આ દેહને માર પડે તે શું ખોટું ? મારે ત્યારે હું તો ભક્તિ કરું છું. ભગવાનના નામે દેહને દંડ થાય તે સારું. એને નામે બધુંય સવળું. દેહ રાખવાને માટે ભગવાનનું નામ નહીં લેવું, ભલે દેહને માર પડે તે સારું - શું કરવો છે દેહને !'
સારો સમાગમ, સારી રીતભાત હોય ત્યાં સમતા આવે. સમતાની વિચારણા અર્થે બે ઘડીનું સામાયિક કરવું કહ્યું છે. સામાયિકમાં મનના મનોરથ અવળાસવળા ચિંતવે તો કાંઈ પણ ફળ થાય નહીં, સામાયિક મનના ઘોડા દોડતા અટકાવવા સારું પ્રરૂપેલ છે.
સંવત્સરીના દિવસસંબંધી એક પક્ષ ચોથની તિથિનો આગ્રહ કરે છે, અને બીજો પક્ષ પાંચમની