________________
૭૦૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
આ જીવની અનાદિકાળની જે ભૂલ છે તે ભાંગવી છે. ભાંગવા સારુ જીવની મોટામાં મોટી ભૂલ શું છે તેનો વિચાર કરવો, ને તેનું મૂળ છેદવા ભણી લક્ષ રાખવો. જ્યાં સુધી મૂળ રહે ત્યાં સુધી વધે.
“મને શાથી બંધન થાય છે ?' અને 'તે શાથી ટળે ?" એ જાણવા સારુ શાસ્ત્રો કરેલાં છે, લોકોમાં પુજાવા સારુ શાસ્ત્રો કરેલાં નથી.
જીવનું સ્વરૂપ શું છે ? જીવનું સ્વરૂપ જ્યાં સુધી જાણવામાં ન આવે, ત્યાં સુધી અનંતાં જન્મમરણ કરવાં પડે. જીવની શું ભૂલ છે તે હજુ સુધી ધ્યાનમાં આવતી નથી. જીવનો ક્લેશ ભાંગશે તો ભૂલ મટશે. જે દિવસે ભૂલ ભાંગશે તે જ દિવસથી સાધુપણું કહેવાશે. તેમ જ શ્રાવકપણા માટે સમજવું.
કર્મની વર્ગણા જીવને દૂધ અને પાણીના સંયોગની પેઠે છે. અગ્નિના પ્રયોગથી પાણી ચાલ્યું જઈ દૂધ બાકી રહે છે તે રીતે જ્ઞાનરૂપી અગ્નિથી કર્મવર્ગણા ચાલી જાય છે.
દેહને વિષે હુંપણું મનાયેલું છે તેથી જીવની ભૂલ ભાંગતી નથી. જીવ દેહની સાથે ભળી જવાથી એમ માને છે કે ‘હું વાણિયો છું’, ‘બ્રાહ્મણ છું’, પણ શુદ્ધ વિચારે તો તેને ‘શુદ્ધ સ્વરૂપમય છું' એમ અનુભવ થાય. આત્માનું નામઠામ કે કાંઈ નથી એમ ધારે તો કોઈ ગાળો વગેરે દે તો તેથી તેને કંઈ પણ લાગતું નથી.
જ્યાં જ્યાં જીવ મારાપણું કરે છે ત્યાં ત્યાં તેની ભૂલ છે. તે ટાળવા સારુ શાસ્ત્રો કહ્યાં છે.
ગમે તે કોઈ મરી ગયું હોય તેનો જો વિચાર કરે તો તે વૈરાગ્ય છે. જ્યાં જ્યાં “આ મારાં ભાઈભાંડું વગેરે ભાવના છે ત્યાં ત્યાં કર્મબંધનો હેતુ છે. આ જ રીતે સાધુ પણ ચેલા પ્રત્યે રાખે, તો આચાર્યપણું નાશ પામે. નિર્દભપણું, નિરહંકારપણું કરે તો આત્માનું કલ્યાણ જ થાય.
પાંચ ઇંદ્રિયો શી રીતે વશ થાય ? વસ્તુઓ ઉપર તુચ્છભાવ લાવવાથી. ફૂલના દેષ્ટાંતે- ફૂલમાં સુગંધ હોય છે તેથી મન સંતુષ્ટ થાય છે; પણ સુગંધ થોડી વાર રહી નાશ પામી જાય છે, અને ફૂલ કરમાઈ જાય છે, પછી કાંઈ મનને સંતોષ થતો નથી; તેમ સર્વ પદાર્થને વિષે તુચ્છભાવ લાવવાથી ઇંદ્રિયોને પ્રિયતા થતી નથી, અને તેથી ક્રમે ઇન્દ્રિયો વશ થાય છે. વળી પાંચ ઇન્દ્રિયોમાં પણ જિન્નાઇય વશ કરવાથી બાકીની ચાર ઇંદ્રિયો સહેજે વશ થાય છે, તુચ્છ આહાર કરવો, કોઈ રસવાળા પદાર્થમાં દોરાવું નહીં, બલિષ્ઠ આહાર ન કરવો.
એક ભાજનમાં લોહી, માંસ, હાડકાં, ચામડું, વીર્ય, મળ, મૂત્ર એ સાત ધાતુ પડી હોય; અને તેના પ્રત્યે કોઈ જોવાનું કહે તો તેના ઉપર અરુચિ થાય, ને થૂંકવા પણ જાય નહીં. તેવી જ રીતે સ્ત્રીપુરુષનાં શરીરની રચના છે, પણ ઉપરની રમણીયતા જોઈ જીવ મોહ પામે છે અને તેમાં તૃષ્ણાપૂર્વક દોરાય છે. અજ્ઞાનથી જીવ ભૂલે છે એમ વિચારી, તુચ્છ જાણીને પદાર્થ ઉપર અરુચિભાવ લાવવો. આ રીતે દરેક વસ્તુનું તુચ્છપણું જાણવું. આ રીતે જાણીને મનનો નિરોધ કરવો.
તીર્થંકરે ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે તે માત્ર ઇંદ્રિયોને વશ કરવા માટે, એકલા ઉપવાસ કરવાથી ઇન્દ્રિયો વશ થતી નથી; પણ ઉપયોગ હોય તો, વિચારસહિત થાય તો વશ થાય છે. જેમ લક્ષ વગરનું બાણ નકામું જાય છે, તેમ ઉપયોગ વિનાનો ઉપવાસ આત્માર્થે થતો નથી.
આપણે વિષે કોઈ ગુણ પ્રશ્નો હોય, અને તે માટે જો કોઈ માણસ આપણી સ્તુતિ કરે, અને જો તેથી આપણો આત્મા અહંકાર લાવે તો તે પાછો છે. પોતાના આત્માને નિર્દે નહીં, અત્યંતરદોષ વિચારે નહીં, તો જીવ લૌકિક ભાવમાં ચાલ્યો જાય; પણ જો પોતાના દોષ જાએ, પોતાના આત્માને નિર્દ, અહંભાવરહિતપણું વિચારે, તો સત્પુરુષના આશ્રયથી આત્મલક્ષ થાય.
માર્ગ પામવામાં અનંત અંતરાયો છે. તેમાં વળી ‘મેં આ કર્યું,’ ‘મેં આ કેવું સરસ કર્યું ?' એવા પ્રકારનું અભિમાન છે. 'મેં કાંઈ કર્યું જ નથી' એવી દૃષ્ટિ મૂકવાથી તે અભિમાન દૂર થાય.
લૌકિક અને અલૌકિક એવા બે ભાવ છે. લૌકિકી સંસાર, અને અલૌકિકથી મોક્ષ.