________________
http://www.ShrimadRajchandra.org
ઉપદેશ છાયા
૬૯
સ્વાદ લે છે. શરીર, સ્પર્શનનો સ્વભાવ સ્પર્શ કરવાનો છે તે સ્પર્શે છે. એમ પ્રત્યેક ઇંદ્રિય પોતપોતાનો સ્વભાવ કર્યા કરે છે, પણ આત્માનો ઉપયોગ તે રૂપ થઈ, તાદાત્મ્યરૂપ થઈ તેમાં હર્ષ-વિષાદ કરે નહીં તો કર્મબંધ થાય નહીં. ઇંદ્રિયરૂપ આત્મા થાય તો કર્મબંધનો હેતુ છે.
܀܀܀܀܀
ભાદરવા સુદ ૯, ૧૯૫૨
જેવું સિદ્ધનું સામર્થ્ય છે તેવું સર્વ જીવનું છે. માત્ર અજ્ઞાન વડે કરી ધ્યાનમાં આવતું નથી. વિચારવાન જીવ હોય તેણે તો તે સંબંધી નિત્ય વિચાર કરવો.
જીવ એમ સમજે છે કે હું જે ક્રિયા કરું છું એથી મોક્ષ છે. ક્રિયા કરવી એ સારી વાત છે, પણ લોકસંજ્ઞાએ કરે તો તેને તેનું ફળ હોય નહીં.
એક માણસના હાથમાં ચિંતામણિ આવ્યો હોય, પણ જો તેની તેને ખબર ન પડે તો નિષ્ફળ છે, જો ખબર પડે તો સફળ છે. તેમ જીવને ખરેખરા જ્ઞાનીની ઓળખ પડે તો સફળ છે.
જીવની અનાદિકાળથી ભૂલ ચાલી આવે છે. તે સમજવાને અર્થે જીવને જે ભૂલ મિથ્યાત્વ છે તેને મૂળથી છેદવી જોઈએ. જો મૂળથી છેદવામાં આવે તો તે પાછી ઊગે નહીં. નહીં તો તે પાછી ઊગી નીકળે છે; જેમ પૃથ્વીમાં મૂળ રહ્યું હોય તો ઝાડ ઊગી નીકળે છે તેમ. માટે જીવની મૂળ ભૂલ શું છે તે વિચારી વિચારી તેથી છૂટું થવું જોઈએ. “મને શાથી બંધન થાય છે ?” “તે કેમ ટળે ?” એ વિચાર પ્રથમ કર્ત્તવ્ય છે.
રાત્રિભોજન કરવાથી આળસ, પ્રમાદ થાય; જાગૃતિ થાય નહીં; વિચાર આવે નહીં; એ આદિ દોષના ઘણા પ્રકાર રાત્રિભોજનથી થાય છે, મૈથુન ઉપરાંત પણ બીજા ઘણા દોષ થાય છે.
કોઈ લીલોતરી મોળતું હોય તો અમારાથી તો જોઈ શકાય નહીં. તેમ આત્મા ઉજ્જ્વળતા પામે તો ઘણી જ અનુકંપાબુદ્ધિ વર્તે છે.
જ્ઞાનમાં સવળું ભાસે; અવળું ન ભાસે. જ્ઞાની મોહને પેસવા દેતા નથી. તેઓનો જાગૃત ઉપયોગ હોય છે. જ્ઞાનીનાં જેવાં પરિણામ વર્તે તેવું કાર્ય જ્ઞાનીને થાય, અજ્ઞાનીને વર્તે તેવું અજ્ઞાનીને થાય. જ્ઞાનીનું ચાલવું સવળું, બોલવું સવળું, અને બધું જ સવળું જ હોય છે. અજ્ઞાનીનું બધું અવળું જ હોય છે; વર્તનના વિકલ્પ હોય છે,
મોક્ષનો ઉપાય છે. ઓઘભાવે ખબર હશે, વિચારભાવે પ્રતીતિ આવશે.
અજ્ઞાની પોતે દરિદ્રી છે. જ્ઞાનીની આજ્ઞાથી કામક્રોધાદિ ઘટે છે. જ્ઞાની તેના વૈદ્ય છે. જ્ઞાનીના હાથે ચારિત્ર આવે તો મોક્ષ થાય. જ્ઞાની જે જે વ્રત આપે તે તે ઠેઠ લઈ જઈ પાર ઉતારનારા છે. સમકિત આવ્યા પછી આત્મા સમાધિ પામશે, કેમકે સાચો થયો છે.
પ- જ્ઞાનથી કર્મ નિજર ખરાં ?
ઉં- સાર જાણવો તે જ્ઞાન, સાર ન જાણવો તે અજ્ઞાન. કંઈ પણ પાપથી આપણે નિવર્તીએ, અથવા કલ્યાણમાં પ્રવર્તીએ તે જ્ઞાન. પરમાર્થ સમજીને કરવો, અહંકારરહિત, કદાગ્રહરહિત, લોકસંજ્ઞારહિત, આત્મામાં પ્રવર્તવું તે ‘નિર્જરા’.
આ જીવની સાથે રાગદ્વેષ વળગેલા છે; જીવ અનંતજ્ઞાનદર્શન સહિત છે, પણ રાગદ્વેષ વડે તે જીવને ધ્યાનમાં આવતું નથી. સિદ્ધને રાગદ્વેષ નથી. જેવું સિદ્ધનું સ્વરૂપ છે તેવું જ સર્વ જીવનું સ્વરૂપ છે. માત્ર જીવને અજ્ઞાને કરી ધ્યાનમાં આવતું નથી; તેટલા માટે વિચારવાને સિદ્ધના સ્વરૂપનો વિચાર કરવો, એટલે પોતાનું સ્વરૂપ સમજાય.
એક માણસના હાથમાં ચિંતામણિ આવ્યો હોય, ને તેની તેને ખબર (ઓળખાણ) છે તો તેના પ્રત્યે તેને ઘણો જ પ્રેમ આવે છે, પણ જેને ખબર નથી તેને કંઈ પણ પ્રેમ આવતો નથી.